બર્થ-ડે પહેલાં કચ્છી વેપારીએ એક્સિડન્ટમાં જીવ ગુમાવ્યો

01 February, 2021 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બર્થ-ડે પહેલાં કચ્છી વેપારીએ એક્સિડન્ટમાં જીવ ગુમાવ્યો

અકસ્માતમાં જીવ ગુમાવનાર ઇમિટેશન જ્વેલરીના વેપારી યોગેશ દેઢિયા

મલાડ ઈસ્ટના કુવારી રોડ પર સ્ટેશન નજીકની ગંગા-યમુના બિલ્ડિંગમાં રહેતા અને હાલ બે જ મહિનાથી મલાડ એસ. વી. રોડ પર શિફ્ટ થયેલા ૬૧ વર્ષના ઇમિટેશન જ્વેલરીના વેપારી યોગેશ દેઢિયા શુક્રવારે બપોરે બોરીવલીમાં એક પાર્સલ કુરિયરમાં આપીને પાછા આવી રહ્યા હતા ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સાંઈધામ સામે એક મોટા ટ્રેલરે તેમની એક્ટિવાને અડફેટે લેતાં એ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું નિધન થયું હતું. તેમના આકસ્મિક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. યોગેશભાઈનો ૩૧ જાન્યુઆરીએ એટલે કે ગઈ કાલે બર્થ-ડે હતો. તેમના બર્થ-ડેના બે દિવસ પહેલાં જ તેમનું અકસ્માતમાં કરુણ મોત થયું હતું.

મૂળ કચ્છના કચ્છી વીશા ઓસવાળ અને બેરાજ ગામના યોગેશ દેઢિયાના જમાઈ હર્ષિત ધ્રુવે કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે ૧.૩૦ વાગ્યે મારા સસરા સ્કૂટર પર ઘરે આવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત થયા બાદ તેમના મોબાઇલ પરથી મારી વાઇફ પૂજાને ફોન આવ્યો કે આ જેમનો ફોન છે તેમનો અકસ્માત થયો છે. એથી અમે તરત જ દોડ્યા હતા, પણ ગંભીર ઈજા થતાં પપ્પાનું નિધન થયું હતું. ૧૨ પૈડાં ધરાવતા ટ્રેલરે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત કરનાર ટ્રેલર ડ્રાઇવર તો ટ્રેલર ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. સમતાનગર પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે. હાલ કેસની તપાસ પોલીસ ઑફિસર વ્યવહારે કરી રહ્યા છે.’

હર્ષિત ધ્રુવે ઉમેર્યું હતું કે ‘મારી સાળી ઝીલ દેઢિયાનું ૧ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ બિલ્ડિંગના મીટર બોક્સમાં લાગેલી આગના કારણે મૃત્યુ થયું હતું. એથી તેના નિધન બાદથી પરિવાર ૩૧ જાન્યુઆરીએ પપ્પાના બર્થ-ડેનું સૅલિબ્રેશન નથી કરતું. તેઓ એ દિવસે વધુને વધુ દાનધર્મ કરતા. હવે તેમનું આવી રીતે અચાનક મૃત્યુ થવાથી પરિવાર શોકમાં મુકાઈ ગયો છે.’

mumbai mumbai news malad