પશુઓના ઘાસચારાના પૈસા ‘ખાઈ ગયો’ ગુજરાતી વેપારી

08 August, 2022 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પશુઓના ખાદ્ય પદાર્થનો વ્યવસાય કરતા વેપારીનો માલ વેચાવડાવીને એજન્ટ બિપિન ઠક્કરે ૨૪ લાખ રૂપિયાનું પેમેન્ટ પચાવી પાડ્યું

પ્રતીકાત્મક તસવીર

ભાતબજારમાં પશુઓના ખાદ્ય પદાર્થનો વ્યવસાય કરતા ગુજરાતી વેપારીના એજન્ટે આશરે ૨૪ લાખ રૂપિયાનો માલ લીધા પછી વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. વેપારીએ માલના પૈસા માગવા માટે એજન્ટે જેમને માલ આપ્યો હતો તે લોકોનો સંપર્ક કર્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે એજન્ટે તમામ પૈસા પહેલાં જ લઈ લીધા છે. આ ઘટનાની ફરિયાદ પાયધુની પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

ભાતબજારમાં નરસી નાથા સ્ટ્રીટમાં જમનાદાસ કરસનદાસ ઍગ્રોના માલિક રાજેશ જમનાદાસ ઠક્કરે કરેલી ફરિયાદ અનુસાર તેઓ પશુઓના ખાદ્ય પદાર્થનો વ્યવસાય કરે છે. તેમની પાસે આશરે ૪૦ એજન્ટ છે જેઓ માલ લઈને નાના-મોટા ડેરી-ઓનરોને આપતા હોય છે. બિપિન ઠક્કર નામનો એક એજન્ટ તેમની પાસેથી પહેલેથી માલ લેતો હતો અને એનું પેમેન્ટ પણ સમયસર કરી દેતો હતો એટલે તેના પર વિશ્વાસ બેસી ગયો હતો. એપ્રિલ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ દરમ્યાન બિપિને આશરે ૨૪ લાખ રૂપિયાનો માલ રાજેશભાઈ પાસેથી લઈને ત્રણ ડેરી-ઓનરોને આપ્યો હતો. એ પછી પૈસા માટે પૂછવામાં આવતાં તેણે અનેક વાર એવું કહ્યું હતું કે વેપારીઓ પાસેથી પૈસા આવવાના બાકી છે. વારંવાર આવો જવાબ મળતાં ફરિયાદીએ માલ લેનારા ડેરી-ઓનરોને પૈસા વિશે પૂછ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે માલના પૈસા અમે આપી દીધા છે. એ પછી ફરિયાદીએ પાયધુની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પાયધુની પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ આશરે એક વર્ષમાં ફરિયાદી પાસેથી ૨૪ લાખનો માલ લીધો હતો જેનું પેમેન્ટ તેણે વેપારીને આપ્યું નહોતું. ફરિયાદી પેમેન્ટ માગે ત્યારે આરોપી જે વેપારીને માલ આપ્યો હતો તેના પૈસા આવ્યા નથી એવું બહાનું આપતો હતો. અંતે વેપારીએ જેમને માલ આપ્યો હતો એ ડેરી-ઓનરોને પૂછ્યું હતું. ત્યારે વેપારીને તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેણે ફરિયાદ નોંધાવી હતી. આરોપીની ધરપકડ અમે હજી કરી નથી અને વધુ તપાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news Crime News mumbai crime news