બાંદરાના પબમાં ગુજરાતી બિઝનેસમૅનની મારપીટ

08 November, 2011 08:28 PM IST  | 

બાંદરાના પબમાં ગુજરાતી બિઝનેસમૅનની મારપીટ

 

(અકેલા)

મુંબઈ, તા. ૮

માટુંગામાં રહેતો અને પરેલના પેનિન્સુલા સેન્ટરમાં ઑફિસ ધરાવતો અરિહંત કેમિકલ કંપનીનો મૅનેજિંગ ડિરેક્ટર ૩૧ વર્ષનો શ્વેતલ સાકરિયા બાંદરા (વેસ્ટ)માં આવેલા ઑન ટોઝ પબનો નિયમિત ગ્રાહક છે. શનિવારે તે પોતાના મિત્ર યશ મુનીમ તથા પરિવાર સાથે અહીં સાંજે ૭.૩૦ વાગ્યે આવ્યો હતો એમ જણાવીને શ્વેતલ સાકરિયાએ કહ્યું હતું કે ‘એન્ટ્રી વખતે મેં કારની ચાવી રામ નામના ડ્રાઇવરને આપી હતી. મોડી રાત્રે ૧.૩૦ કલાકે ભોજન પૂરું કરી બહાર આવી કાર તેમ જ ડ્રાઇવર વિશે પૂછતાં ૪૫ મિનિટ સુધી કોઈ પ્રતિભાવ ન મળ્યો. છેવટે એક કર્મચારીએ ઉદ્ધતાઈથી મને કહ્યું હતું કે તેરી ગાડી ચોરી હો ગઈ, અબ ચલ ફૂટ યહાં સે. વધુ દલીલ કરતાં ડ્રાઇવર સહિત ૧૨થી વધુ કર્મચારીઓએ મારા પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો.’

શ્વેતલે પબ સામે બાંદરા પોલીસ-સ્ટેશનમાં એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાવવા જતાં ડયુટી-ઑફિસરે ફરિયાદ લેવાની ના પાડી હતી અને કહ્યું હતું કે ‘પહલે જાકર મેડિકલ કરકે આઓ, ફિર દેખેંગે. ઑન ટોઝ કા યે રોજ-રોજ કા લફડા હૈ.’

શ્વેતલ સાકરિયાએ ભાભા હૉસ્પિટલમાં જઈને મેડિકલ ટેસ્ટ કરાવતાં સવારે ૬ વાગ્યે ઑન ટોસના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ તથા પજેરો કાર ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ તરફ ઑન ટોઝના મૅનેજર મહેશ સિંહે આ વિશે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે કાર ચોરાઈ હોવાની સૂચના મળતાં જ તે પોતે બાંદરા પોલીસ-સ્ટેશન ગયો હતો. ઑન ટોસના કર્મચારીઓએ શ્વેતલ સાકરિયા સાથે મારામારી કરી હતી એવી ઘટના બાબતે પોતે અજાણ હોવાની વાત પણ તેમણે કરી છે.