ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયેલા ગુજરાતી વેપારીને થઈ શકે છે 10 વર્ષની સજા

22 November, 2014 04:35 AM IST  | 

ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયેલા ગુજરાતી વેપારીને થઈ શકે છે 10 વર્ષની સજા



સપના દેસાઈ

ડ્રગ્સને એક્સર્પોટ કરવાના ગુના હેઠળ ગુરુવારે મસ્જિદ બંદરથી પકડાયેલા ગુજરાતી એક્સર્પોટર વિજય હરિયા અને ૩૫ વર્ષના નાઇજીરિયન નાગરિક ઇફીનિચુક્વુ જોસેફ ઇજેલી સામે જો ગુનો સાબિત થાય તો આરોપીઓને ઓછામાં ઓછી દસ વર્ષની સજા થવાની શક્યતા રહેલી છે. જોકે વિજય હરિયા નિર્દોષ હોવાનું અને તેને ફસાવવામાં આવ્યો હોવાનું મોટા ભાગના તેના વેપારી મિત્રોનું માનવું છે.

મસ્જિદ બંદરમાં નરશી નાથા સ્ટ્રીટમાં ભાડા પર લીધેલી જગ્યામાં બ્લુ ઇમ્પૅક્સ નામની એક્સર્પોટ કંપની ચલાવતા વિજય હરિયાની ધરપકડ બાદ ગઈ કાલે તેમની ઑફિસમાં એકદમ સન્નાટો જોવા મળ્યો હતો. જોકે રોજની જેમ ઑફિસમાં કામ તો ચાલુ હતું, પણ કોઈ કર્મચારી કામ કરવાના મૂડમાં હોય એવું જણાતું નહોતું. મોટા ભાગનો સ્ટાફ પોતાના માલિકનું હવે શું થશે એની ચિંતામાં જણાઈ આવ્યો હતો. ‘મિડ-ડે’એ તેમના કર્મચારી સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ તેમણે આ બાબતે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો.

વિજય હરિયાની ધરપકડથી જોકે નરસી નાથા સ્ટ્રીટના મોટા ભાગના વેપારીઓ ચોંકી ગયા છે. મોટા ભાગના વેપારીઓના કહેવા મુજબ વિજયભાઈ નિર્દોષ છે અને તેમને ફસાવવામાં આવ્યા છે. એક વેપારીએ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિજયભાઈ એકદમ સીધાસાદા માણસ છે. તેઓ આવાં ખોટાં કામ કરી જ ન શકે. જરૂર કોઈ કૉમ્પિટિટરે તેમને ફસાવ્યા હોવા જોઈએ, કારણ કે તેમનો ધંધો બહુ જોરદાર ચાલતો હતો. પૈસા કમાવાની લાલચમાં તેઓ ડ્રગ્સના આવા ખોટા કામમાં કોઈ દિવસ પગ મૂકે જ નહીં. જે પણ માણસે તેમને ફસાવ્યા છે તેણે બહુ સમજીવિચારીને પ્લાન કરીને તેમને ફિટ કર્યા છે.’

કેસ શું છે?

સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગના ટૅમ્બો ઍરર્પોટના કાર્ગો ડિપાર્ટમેન્ટે ગયા અઠવાડિયે ૪૨ કિલોનાં ઑફિસ-ટેબલ્સ અને ૮૨ કિલોની લેડીઝ હૅન્ડ-બૅગ્સનું એક કન્સાઇનમેન્ટ તપાસ માટે લીધું હતું. એમાં છુપાવવામાં આવેલું ૨૨.૯૫૦ કિલો ક્રિસ્ટલ મૅથેમ્ફેટામાઇન મળી આવ્યું હતું. ઇન્ટરનૅશનલ માર્કેટમાં આટલા ડ્રગ્સની કિંમત લગભગ ૩.૮૦ કરોડ રૂપિયા થાય છે. મુંબઈથી અધિકારીઓએ સાઉથ આફ્રિકન કાર્ગો ઑથોરિટીનો સંપર્ક કરીને આ કન્સાઇનમેન્ટ કોનું હતું એની વિગતો મેળવી હતી. તપાસમાં ખબર પડી હતી કે મસ્જિદ બંદરની નરસી નાથા સ્ટ્રીટની બ્લુ ઇમ્પૅક્સ નામની ઇન્ડિયન એક્સર્પોટ કંપની વિજય હરિયાની છે. આ કન્સાઇનમેન્ટ વિજય હરિયાનું હોવાનું કસ્ટમ્સ ક્લિયરિંગ એજન્ટે કન્ફર્મ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે આ કન્સાઇનમેન્ટ એક નાઇજીરિયન નાગરિકનું હોવાનું કહ્યું હતું.

મસ્જિદ બંદરમાં આવેલી વિજય હરિયાની ઑફિસ