મમ્મી, પત્ની, દીકરી મને માફ કરે

15 November, 2014 04:19 AM IST  | 

મમ્મી, પત્ની, દીકરી મને માફ કરે





સપના દેસાઈ

ચર્ચગેટમાં આવેલા ફલૅટને મુદ્દે પોતાના સગા ભાઈ સાથે ચાલી રહેલા ઝઘડાને કારણે આત્મહત્યા કરનારા એશિયાટિક ડિપાર્ટમેન્ટલ સ્ટોરના કો-ઓનર અને ચર્ચગેટમાં આનંદ નિવાસમાં રહેતા ૩૭ વર્ષના બિઝનેસમૅન ઓજસ સુંદરજી ગાલાની ગઈ કાલે કિંગ્સ સર્કલમાં માનવ સેવા સંઘ હૉલમાં પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી જેમાં પરિવારના સભ્યો સહિત તેમના મિત્રવતુર્ળના અનેક લોકો હાજર રહ્યા હતા. ઓજસના આવા અણધાર્યા મૃત્યુથી પરિવારના સભ્યો જબરદસ્ત આઘાતમાં જોવા મળ્યા હતા.

મૂળ કચ્છના ટોડા ગામના ઓજસ સુંદરજી ગાલાની ગઈ કાલે યોજાયેલી પ્રાર્થનાસભામાં હાજર રહેલા મોટા ભાગના લોકો ઓજસના આવા અણધાર્યા મૃત્યુથી સ્તબધ થઈ ગયેલા જણાઈ આવ્યા હતા અને મોટા ભાગના લોકોમાં અંદરોઅંદર એવી જ ચર્ચા થઈ રહી હતી કે વાતચીતથી સમસ્યાઓનું નિવારણ થઈ શક્યું હોત ત્યારે ઓજસે આવું શા માટે કર્યું હશે?

મંગળવારે રાતના સાડાનવ વાગ્યે ઓજસ ઘર છોડીને નીકળી ગયો હતો અને મોડે સુધી ઘરે પાછો નહીં ફરતાં તેની પત્ની નેહલે ઓજસના ફ્રેન્ડ મનીષ છેડાને ફોન કરીને તેને શોધી કાઢવા કહ્યું હતું. મનીષને બુધવારે વહેલી સવારે ૪.૨૫ વાગ્યે વરલી સીફેસ પાસે ટૉયોટા ઇટિઓસમાંથી ઓજસ મળી આવ્યો હતો. તેણે તરત વરલી પોલીસને જાણ કરી હતી અને પોલીસે કારની બારીનો કાચ તોડીને, લૉક ખોલીને ઓજસને કારમાંથી બહાર કાઢ્યો હતો અને તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ગઈ કાલે માનવ સેવા સંઘમાં રાખવામાં આવેલી પ્રાર્થનાસભામાં હાજર રહેનારા ઓજસના એક મિત્રએ નામ ન આપવાની શરતે કહ્યુંં હતું કે ‘તેની ફૅમિલીમાં પ્રૉપર્ટીને લઈને સમસ્યા તો હતી. એને સૉલ્વ કરવાના પ્રયાસો પણ ચાલતા હતા, પણ ઝઘડા બાદ તે આટલું મોટું ઘાતક પગલું લેશે એવું તો સપનામાં પણ કોઈ દિવસ વિચાર્યું નહોતું. મારા માટે જ નહીં, તેની સાથે સંકળાયેલા તમામ લોકો માટે આ બહુ શૉકિંગ ઘટના છે.’

આત્મહત્યાનું પહેલાંથી પ્લાનિંગ?

ઓજસના બહુ જ નજીકના ગણાતા મિત્રએ કહ્યું હતું કે ‘તે બહુ કંટાળી ગયો હતો. તેના ફૅમિલી-પ્રૉબ્લેમ્સ સૉલ્વ થવાને બદલે વધી રહ્યા હતા. જે ફ્લૅટને કારણે ઓજસ અને તેના મોટા ભાઈ વચ્ચે ઝઘડો હતો એ ફ્લૅટ તેણે વેચવાનો પણ બહુ પ્રયાસ કર્યો હતો, પણ તેનો ભાઈ કંઈ જવાબ નહોતો આપતો. ઓજસ બહુ પારિવારિક માણસ હતો. તેના માટે તેની ફૅમિલી જ સર્વસ્વ હતી. તેને પોતાની મમ્મીની બહુ કાળજી હતી. તે તેમની ખૂબ નજીક હતો એટલે આવું પગલું લેવાનો તેણે કઈ રીતે વિચાર કર્યો હશે એ જ અમને નથી સમજાતું. જોકે જે રીતે તે મંગળવારે ઝઘડો થયા બાદ રાતના ઘરમાંથી નીકળ્યો હતો એના પરથી તો તેણે આત્મહત્યા કરવાનું પહેલાંથી પ્લાન કરી લીધું હોવું જોઈએ એવું જણાઈ આવે છે. એટલે જ સુસાઇડ કરવાના થોડા વખત પહેલાં તે તેનાં તમામ રિલેટિવ્સ અને મિત્રોને મળી પણ આવ્યો હતો.’

તપાસ ચાલુ છે

ઓજસ ગાલાના સુસાઇડ-કેસની તપાસ બાબતે ઝોન ૩ના DCP એ. એસ. જયકુમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ફૅમિલી-ડિસ્પ્યુટ છે. તપાસ ચાલી રહી છે. અમે ઓજસનાં ભાઈ-ભાભી અશ્વિન અને દીપિકા સામે કેસ નોંધ્યો છે, પણ ધરપકડ કરવાની અત્યારે જરૂર જણાઈ નથી તેમ જ ઓજસની કારમાંથી જે પાઉડર મળી આવ્યો હતો એને ફૉરેન્સિક લૅબોરેટરીમાં ટેસ્ટ કરવા માટે મોકલી દેવામાં આવ્યો છે.’

કયા ફ્લૅટ માટે આત્મહત્યા કરી?

પોલીસના જણાવ્યા મુજબ ચર્ચગેટમાં પ્રાઇમ લોકેશન કહેવાતા ખ્-રોડ પર આવેલા આનંદ નિવાસમાં ૧૦૦૦ સ્ક્વેર ફૂટના બે બેડરૂમ-હૉલ-કિચનવાળા ફ્લૅટમાં ઓજસ તેની મમ્મી, પત્ની નેહલ, ૧૦ વર્ષની દીકરી, તેના ભાઈ અશ્વિન અને તેના પરિવાર સાથે રહેતો હતો. ઓજસના પિતા સુંદરજી ખેતશી ગાલાએ પોતાના વિલમાં આ ફલૅટ ત્રણ જણનાં નામે કર્યો હતો જેમાં આ ફ્લૅટમાં ૭૫ ટકા હિસ્સો ઓજસની માતાનો હતો તો ૧૨.૫ ટકા શૅર અશ્વિનની પત્ની દીપિકાના નામે તો બાકીનો હિસ્સો નેહલના નામે હતો અને આ ફ્લૅટ માટે જ તેમની વચ્ચે ઝઘડો થયો હોવાનું કહેવાય છે. આ પરિવારના નામે અનેક પ્રૉપર્ટી હોવાનું કહેવાય છે.

ઓજસની સુસાઇડ-નોટમાં શું લખ્યું હતું?

પોલીસના જણાવ્યા મુજબ ઓજસે આત્મહત્યા કરતાં પહેલાં છ પાનાંની એક મોટી સુસાઇડ-નોટ લખી હતી જે તેની કારમાંથી મળી આવી હતી. એમાં તેણે પોતાની આત્મહત્યા બદલ પોતાના ભાઈ અશ્વિન, તેની પત્ની દીપિકા અને ભત્રીજાઓને જવાબદાર ગણાવ્યાં હતાં. સુસાઇડ-નોટમાં તેણે પોતાના ભાઈ અને તેના પરિવાર તરફથી છેલ્લાં ૧૪ વર્ષથી તેની હૅરૅસમેન્ટ કરવામાં આવતી હોવાનો આરોપ કર્યો હતો. સુસાઇડ-નોટમાં ઓજસે કરેલા આરોપ મુજબ અશ્વિન અને દીપિકા ઓજસ અને તેના પરિવારને ઘરમાંથી કાઢી મૂકવા માગતાં હતાં અને એટલે દરરોજ તેમના દ્વારા તેમની સતામણી કરવામાં આવતી હતી એટલું જ નહીં, ચર્ચગેટમાં આવેલો એશિયાટિક સ્ટોર તેની પત્ની દીપિકા અથવા તેના દીકરાને ગિફ્ટ તરીકે આપી દેવા માટે અશ્વિન તેની માતા પર દબાણ લાવતો હોવાનો પણ ઓજસે સુસાઇડ-નોટમાં આરોપ મૂક્યો હતો. સુસાઇડ-નોટમાં ઓજસે એવું પણ લખ્યું હોવાનું કહેવાય છે કે ગયા મહિને અશ્વિન અને તેના દીકરાએ ઓજસને માર્યો હતો અને જ્યારે નેહલ તેને બચાવવા માટે ગઈ ત્યારે દીપિકાએ તેના વાળ ખેંચીને તેને ધક્કે ચડાવી હતી. એટલે ઓજસે ૧૦૦ નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી ત્યારે પોલીસે વૉર્નિંગ આપીને અશ્વિન અને તેના પરિવારને છોડી મૂક્યા હતા. ઓજસે નોટમાં એવો પણ આરોપ મૂક્યો હતો કે અશ્વિન તેને સતત ધમકી આપતો હતો કે તેના સાળાના પૉલિટિકલ અને પોલીસ-કનેક્શનની મદદથી ઓજસને તે બળાત્કારના આરોપમાં ફસાવી દેશે. સુસાઇડ-નોટમાં પોતાના આ કૃત્ય બદલ ઓજસે પોતાના પરિવારની માફી પણ માગી છે અને લખ્યું હતું કે ‘હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી મમ્મી, પત્ની અને દીકરીને ન્યાય મળે અને ગુનેગારોને સજા મળે. હું મારી મમ્મીને  બહુ પ્રેમ કરું છું. હું મારી દીકરી સાથે જીવનભર નહીં રહી શકવા બદલ તેની માફી માગું છું, કારણ કે હવે હું બહુ પ્રેશર સહન નથી કરી શકતો. હું મારી પત્નીની પણ માફી માગું છું અને આશા રાખું છું કે તેઓ સૌ મને માફ કરી દેશે.’

કઈ-કઈ પ્રૉપર્ટી?

ઓજસના પરિવારની દક્ષિણ મુંબઈમાં અનેક પ્રૉપર્ટી હોવાનું કહેવાય છે જેમાં ચર્ચગેટમાં આવેલો એશિયાટિક ડિપાર્ટમેન્ટલ સ્ટોર, સૂર્યોદય સુપરમાર્કેટ સહિત સમ્રાટ, રેલિશ અને સ્ટેટસ નામની ત્રણ હોટેલનો પણ સમાવેશ છે.