ગુજરાતી ભાઈઓને ચોરીની બાઇક્સ વેચીને માલામાલ બનવાને બદલે મળી જેલ

07 February, 2021 08:33 AM IST  |  Mumbai | Bakulesh Trivedi, Mehul Jethva

ગુજરાતી ભાઈઓને ચોરીની બાઇક્સ વેચીને માલામાલ બનવાને બદલે મળી જેલ

આ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે બન્ને ભાનુશાલી ભાઈઓને પકડ્યા હતા (ડાબે); પકડાયેલા આરોપી ભાઈઓ મુકેશ (ઉપર), યોગેશ (નીચે)

કલ્યાણના બે ભાનુશાલી ભાઈઓ એક્સ્ટ્રા ઇન્કમ કમાવા ટૂ-વ્હીલરની ચોરીના રવાડે ચડ્યા અને ચોરી કરી પણ ખરી, પરંતુ ટૂ-વ્હીલરનાં બનાવટી પેપર્સ ન બનાવી શક્યા એટલી ચોરેલી બાઇક અને સ્કૂટી વેચવામાં નિષ્ફળ રહ્યા હતા. દરમ્યાન માનપાડા પોલીસે તપાસ કરીને તેમને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ચોરાયેલાં ૧૧ ટૂ-વ્હીલર પાછાં મેળવ્યાં હતાં.

આ વિશે માહિતી આપતાં માનપાડા પોલીસ-સ્ટેશનના એપીઆઇ સુરેશ ડામ્બરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ટોળકીનો સૂત્રધાર ૩૦ વર્ષનો યોગેશ ભાનુશાલી પહેલાં જિમ્નેશ્યમમાં ટ્રેઇનર હતો. તેની નોકરી છૂટી જતાં તે નાનું-મોટું છૂટક કામ કરતો હતો. તેનો ૩૪ વર્ષનો મોટો ભાઈ પણ અલગ દુકાનમાં કામ કરતો હતો. વધુ પૈસા કમાવા માટે તેમણે બાઇક અને સ્કૂટી ચોરવાનું શરૂ કર્યું હતું. તેમણે પહેલી ચોરી જૂન મહિનામાં કરી હતી. જોકે તેઓ પકડાઈ ન જતાં તેમની હિંમત વધી હતી અને માનપાડા સહિત કોળસેવાડી, વિષ્ણુનગર, મુમ્બ્રા, હિલલાઇન અને નાકિના અંબડમાંથી ટૂ-વ્હીલર ચોર્યાં હતાં. એમાં ત્રણ નવી એન્ફીલ્ડ બુલેટ, સાત ઍક્ટિવા અને એક હૉન્ડા શાઇન બાઇકનો સમાવેશ છે. બન્નેના મધ્યમવર્ગીય પિતા મસાલાનો ઘરગથ્થુ વ્યવસાય કરે છે.’

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર તેમને ગાડીનાં બનાવટી પેપર્સ બનાવવાવાળું કોઈ મળ્યું નહીં અને હમણાં સેકન્ડહૅન્ડ બાઇક ખરીદનારા પણ સ્માર્ટ થઈ ગયા છે અને બાઇકનાં પેપર્સ બરોબર છે કે નહીં એની ચકાસણી પહેલાં કરે છે એટલે ટૂ-વ્હીલર ચોર્યા છતાં એની રોકડી તેઓ કરી શક્યા નહોતા.      

એપીઆઇ સુરેશ ડામ્બરેએ વધુમાં કહ્યું હતું કે ‘આ બન્ને ભાઈઓનો એક અન્ય સાથી સમીર ઉર્ફે અકરમ સૈયદ છે. યોગેશ ક્યારેક સમીરને સાથે લઈ જતો તો ક્યારેક મુકેશને સાથે લઈ જતો. તેઓ બાઇકનું વાયરિંગ ખોલી ગાડી સ્ટાર્ટ કરીને ચોરી લેતા. ચોરેલી બાઇક અને ટૂ-વ્હીલર તેઓ કોળસેવાડીની જ એક ખુલ્લી જગ્યામાં પાર્ક કરી રાખતા હતા. માનપાડામાં તેમણે ૨૭ જાન્યુઆરીએ એક બુલેટ ચોરી હતી જેનું અમને સીસીટીવી ફુટેજ મળ્યું હતું. એ ફુટેજના આધારે અમે તપાસ કરી હતી અને આખરે યોગેશ અને મુકેશને ઝડપીને ચોરાયેલાં ટૂ-વ્હીલર પણ જપ્ત કર્યાં હતાં. યોગેશ કલ્યાણના નેતીવલીના તેજપાલનગરમાં રહે છે, જ્યારે મુકેશ કલ્યાણના નાંદિવલીમાં રહે છે.’  

mumbai mumbai news kalyan dombivli mehul jethva