ગુજરાતી યુવકનું હિચકારું કૃત્ય : પોલીસે કરી ધરપકડ

18 May, 2019 01:06 PM IST  | 

ગુજરાતી યુવકનું હિચકારું કૃત્ય : પોલીસે કરી ધરપકડ

ફોટો શૅર કરનાર યુવક

સોસાયટીના પદાધિકારીઓ સાથે સભ્યોનો વિવાદ થતાં આપસમાં એકબીજા માટે દ્વેષભાવ રાખવો એ એક સામાન્ય ઘટના છે, પરંતુ આવા વિવાદને કારણે કોઈ મહિલા પદાધિકારીનો ફોટો એ મહિલા અને તેની બહેનપણીના મોબાઇલ-નંબર સાથે કોઈ અશ્લીલ વેબસાઇટ પર બીભત્સ જાહેરખબર કરીને એક મહિલા પદાધિકારી સાથે બદલો લેવો એ ભારતીય સંસ્કૃતિને બદનામ કરવા બરાબર છે. 

મલાડ (વેસ્ટ)ની એક સોસાયટીમાં રહેતા અને કસ્ટમ ક્લિયરિંગનું કામ કરતા એજન્ટ યુવકે તેની સોસાયટીની મહિલા પદાધિકારી સાથે થયેલા વિવાદનું વેર વાળવા એ મહિલાનો એક અશ્લીલ વેબસાઇટ પર ફોટો અને તેની બહેનપણી સાથેનો મોબાઇલ-નંબર નાખીને તેને બદનામ કરવાનું કારસ્તાન કર્યું હતું. સોસાયટીની મહિલા પદાધિકારી અને તેના પરિવારની ફરિયાદ પરથી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે ક્લિયરિંગ એજન્ટ ગુજરાતી યુવકની ધરપકડ કરી હતી.

બૅન્કમાં નોકરી કરતી મહિલાના મોબાઇલ પર 16 એપ્રિલે એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં એ વ્યક્તિએ locanto.net વેબસાઇટ પર જાહેરાત વાંચીને એ મહિલા પાસે શયનસુખની અને સંબંધ બાંધવાની વાત કરી હતી. અજાણી વ્યક્તિના ફોન પરથી મહિલાને આવી જાહેરાત વેબસાઇટ પર તેના મોબાઇલ-નંબર સાથે મૂકવાની જાણ થતાં મહિલાને આંચકો લાગ્યો હતો. ત્યાર પછી અનેક વ્યક્તિના ફોન અને વૉટ્સઍપ મેસેજ મહિલાને આવવા માંડ્યા હતા. એ મહિલાએ વેબસાઇટ પર તેના નામની જાહેરખબર પોતાના મોબાઇલ-નંબર સાથે વાંચી હતી. જાહેરખબરમાં પોતાનો ફોટો જોયા બાદ તેને અને તેના પરિવારને જબરદસ્ત માનસિક આઘાત લાગ્યો હતો. આ જાહેરખબરમાં તેની સોસાયટીની બહેનપણીનો મોબાઇલ-નંબર પણ હતો. બાદમાં આ મહિલાના પરિવારે ગોરેગામ (વેસ્ટ)ના બાંગુરનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદની ગંભીરતા જોઈને ક્રાઇમ બ્રાન્ચ-11ના અધિકારીઓએ આ બાબતની તપાસ કરવાની શરૂઆત કરી હતી. આ સંદર્ભે ક્રાઇમ ડિટેક્શનના ડેપ્યુટી પોલીસ-કમિશનર અકબર પઠાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી તપાસમાં મલાડ (વેસ્ટ)ના એવરશાઇન નગરમાં આ મહિલાની જ સોસાયટીમાં રહેતા 47 વર્ષના અલ્પેશ વલ્લભદાસ પારેખ પર શંકા ગઈ હતી. અલ્પેશ પારેખે locanto.net વેબસાઇટ પર આ મહિલાની બીભત્સ જાહેરાત નાખી હોવાનું કબૂલ્યું હતું.’

આ પણ વાંચો: મોદી નેતા નહીં, અભિનેતા બચ્ચનને પીએમ બનાવ્યા હોત તો સારું થાત :પ્રિયંકા

તપાસમાં જણાયું હતું કે અલ્પેશ અને ફરિયાદી મહિલા વચ્ચે સોસાયટીની ચૂંટણી વખતે ઝઘડો થયો હતો. એનું વેર વાળવા અલ્પેશે આ હિચકારું કૃત્ય કર્યું હતું. અલ્પેશનો ઈ-મેઇલ આઇડી શોધવામાં સફળતા મળી હતી. અમે અલ્પેશ પારેખની વધુ માહિતી મેળવીને બાંગુરનગર પોલીસે ૧૭ મેએ અલ્પેશની ધરપકડ કરી હતી.

mumbai news