અમેરિકન મૉડલની હત્યાના ગુજરાતી આરોપીને ભારત લાવવામાં આવ્યો

28 May, 2022 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાશીમીરા પોલીસ વિદેશ જઈ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને તેને ભારત લઈ આવી

ભારત લાવવામાં આવેલો વિપુલ પટેલ.

અમેરિકન મૉડલની હત્યાના ૨૦૦૩ના કેસના ગુજરાતી આરોપી વિપુલ પટેલને કાશીમીરા પોલીસ ઝેક રિપબ્લિકમાંથી ધરપકડ કરીને ભારત લાવવામાં સફળ રહી છે. પોલીસ વિભાગને ચાર મહિનાની કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ આ સફળતા મળી છે. 
૮ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ અમેરિકામાં રહેતી મૉડલ લિઓના સ્વિડેસ્કોની ભારતમાં હત્યા કરવામાં આવી હતી. લિઓનાના બૉયફ્રેન્ડ અને મૂળ બરોડાના પ્રજ્ઞેશ દેસાઈએ આ હત્યા માટે ૩૦ લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા. આ કેસમાં પ્રજ્ઞેશ દેસાઈનો ૩૯ વર્ષનો સાથીદાર આરોપી વિપુલ પટેલ ફરાર થઈ ગયો હતો. સીબીઆઇએ તેની ધરપકડ માટે રેડ કૉર્નર નોટિસ જાહેર કરી હતી. ૨૦૨૧ની ૨૬ નવેમ્બરે ઝેક રિપબ્લિકમાં ઇન્ટરપોલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. 
ત્યારથી તેને ભારતમાં લાવવાની કાનૂની પ્રક્રિયા ચાલી રહી હતી. એથી એ પૂરી થયા બાદ મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસની એક વિશેષ ટીમ ઝેક રિપબ્લિકના પ્રાગ માટે મોકલવામાં આવી હતી. ત્યાંથી ભારત આવવા સીધી ફ્લાઇટ ન હોવાથી તેને ભારત કતાર માર્ગથી લાવવો પડ્યો હતો. વિપુલ પટેલનો પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યો હતો અને તેને ઇમિગ્રેશન દસ્તાવેજોના આધારે લાવવો પડ્યો હતો. પાસપોર્ટ ન હોવા છતાં કતાર ઍર ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ કતાર સરકાર દ્વારા પરવાનગી મળી રહી નહોતી. એ માટે ભારતીય દૂતાવાસ અને ઇન્ટરપોલે કતાર દૂતાવાસ સાથે ચર્ચા કરી, મંજૂરી મેળવીને વિપુલને ગઈ કાલે બપોરે ભારત લાવવામાં આવ્યો હતો. 
કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અને વિપુલને લેવા ગયેલી ટીમમાં 
સામેલ સંજય હઝારેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી ટીમ વિપુલને ગઈ કાલે લઈને આવી છે. તેને આજે થાણે સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.’

કેસ શું હતો?

અમેરિકામાં બિનનિવાસી ભારતીય પ્રજ્ઞેશ દેસાઈને મૉડલ લિઓના સ્વિડેસ્કી સાથે ઘણા વખતથી પ્રેમસંબંધ હતો. જોકે તે વિવાહિત હોવાની જાણ થતાં તેમની વચ્ચે બોલાચાલી થવા લાગી હતી. લિઓનાએ અમેરિકામાં માફિયાઓને પ્રજ્ઞેશની પત્નીને મારી નાખવાની સુપારી આપી હોવાની પ્રજ્ઞેશને માહિતી મળી હતી. તેથી તેણે એ અગાઉ જ લિઓનાની હત્યા કરવાનું અને તેના વીમાના પૈસા પડાવી લેવાનું કાવતરું ઘડ્યું હતું. આ કાવતરામાં તેણે તેના મિત્ર વિપુલ પટેલ, અલ્તાફ પટેલ અને ફારુક અન્સારીને ૩૦ લાખ રૂપિયાની સુપારી પણ આપી હતી. ૮ ફેબ્રુઆરી ૨૦૦૩ના દિવસે લિઓનાને ભારત બોલાવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પ્રજ્ઞેશ અને વિપુલને ૨૦૦૪માં આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ આ નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો 
હતો. વિપુલ ઇંગ્લૅન્ડ ભાગી ગયો હતો. એથી ૧૯ વર્ષ બાદ આ કેસની ફેરતપાસ થઈ રહી છે.

Mumbai mumbai news