કચ્છના રાપરમાં વકીલની હત્યા કરનારો આરોપી મલાડમાં પકડાયો

28 September, 2020 04:14 PM IST  |  Mumbai | Mid-day Correspondent

કચ્છના રાપરમાં વકીલની હત્યા કરનારો આરોપી મલાડમાં પકડાયો

પ્રતીકાત્મક તસવીર

કચ્છના રાપર શહેરમાં શુક્રવારે ૫૦ વર્ષના વકીલ દેવજી મહેશ્વરીની ભરબજારમાં હત્યા થતાં ખળભળાટ મચી ગયો હતો. વકીલ જાણીતા હોવાથી હત્યારાને તાત્કાલિક પકડવા માટે ભારે વિરોધ-પ્રદર્શન કરાયું હતું. સ્થાનિક પોલીસે હત્યામાં સીસીટીવી કૅમેરાના આધારે શંકાસ્પદ શખસના ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને પણ ફોટો મોકલાયો હતો, જેના આધારે આરોપીની મલાડથી ધરપકડ કરાઈ હતી.

વકીલ દેવજી મહેશ્વરી મૂળ લખપત તાલુકાના નરા ગામના વતની હતા. તેઓ ઇન્ડિયન લૉયર અસોસિએશનના અધ્યક્ષ હતા અને રાપરનાં ધારાસભ્ય સંતોકબહેન આરેઠિયાના કાર્યાલયની બાજુમાં ઑફિસ ધરાવતા હતા. શુક્રવારે દેવજીભાઈ ઑફિસ પાસે પહોંચ્યા હતા ત્યારે યુવકે તેમના પર ચાકુથી હુમલો કરતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. બાદમાં યુવક પલાયન થઈ ગયો હતો.

કચ્છ પોલીસે વકીલની હત્યાના મામલામાં ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરા અને આરોપીની વિગતો મેળવીને બધે મોકલી દીધી હતી. આરોપી મુંબઈમાં છુપાયો હોવાની માહિતી મળ્યા બાદ કચ્છ પોલીસે અહીંના પોલીસનો સંપર્ક સાધ્યો હતો. મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર નંદકુમાર ગોપાલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હત્યાની ઘટના બાદ અમારી પાસે આરોપીનો ફોટો આવ્યો હતો. અમારા ખબરીઓને બાતમી મળી હતી કે આરોપી પહેલાં મલાડમાં સ્ટેશનરીની દુકાનમાં કામ કરતો હતો. અમે એ દુકાનની આસપાસ પોલીસ તહેનાત કરતાં આરોપી ભરત રાવલની અમે ધરપકડ કરી હતી. અમે આરોપીનો તાબો કચ્છ પોલીસને સોંપ્યો હતો. તેણે શા માટે વકીલની હત્યા કરી હતી એ બાબતની આગળની તપાસ કચ્છ પોલીસ કરી રહી છે.

mumbai mumbai news Crime News mumbai crime news kutch malad