08 August, 2024 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોંગરીમાંથી પકડવામાં આવેલા ભાઈઓ મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ.
ગુજરાત પોલીસની ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ મુંબઈના ડોંગરીમાં રહેતા ૪૧ વર્ષના મોહમ્મદ યુનુસ અને ૩૪ વર્ષના મોહમ્મદ આદિલ નામના બે ભાઈની મંગળવારે ધરપકડ કરી હતી. તેમણે નશીલો પદાર્થ મેફેડ્રોન બનાવવા માટે ભિવંડીમાં નવ મહિના પહેલાં એક ફ્લૅટ ભાડે રાખ્યો હતો. અહીંથી ગુજરાત પોલીસની ATSની ટીમે ૮૦૦ કરોડ રૂપિયાની કિંમતનું ૭૯૨ કિલો લિક્વિડ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગયા મહિને સુરતમાં ડ્રગ્સની ફૅક્ટરીમાંથી ૩૧ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યા બાદ આગળની તપાસમાં મુંબઈના ભાઈઓ ભિવંડીમાં ફ્લૅટ ભાડે રાખીને ડ્રગ્સ બનાવતા હોવાની માહિતી મળી હતી. ગુજરાત ATSના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સુનીલ જોશીએ આ વિશે માહિતી આપી હતી કે ‘આરોપી ભાઈઓ મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ પહેલાં દુબઈમાં સ્મગલિંગ કરતા હતા. સુરતની કાર્યવાહીમાં આ બન્ને ભિવંડીમાં નશીલા પદાર્થ બનાવતા હોવાનું જણાયું હતું. ભિવંડીના ફ્લૅટમાં આરોપીઓ ભાઈઓ ઉપરાંત ત્રીજો ભાઈ પણ આ ગેરકાયદે કામ કરતો હતો.’