નાનાં ભૂલકાંઓને ભણાવવાના નામે બેફામ ચાલતી નર્સરીઓ પર રાજ્ય સરકાર તાણશે લગામ

27 December, 2023 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બચ્ચાંઓને શું શીખવવાથી લઈને કેટલો સમય શીખવવું સુધીની ગાઇડલાઇન તૈયાર કરીને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે તૈયાર કરેલી પ્રપોઝલને એકનાથ શિંદે સરકાર વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરશે

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : મારું બાળક અન્ય બાળક કરતાં પાછળ ન રહી જાય એવી વાલીઓની માનસિકતાનો ફાયદો ઉઠાવીને મુંબઈમાં બિલાડીના ટોપની જેમ નાનાં બાળકોને ભણાવવાના નામે ખાનગી નર્સરીઓ ખૂલી ગઈ છે, જેમાં માંડ હજી ચાલતાં શીખેલાં બાળકોને મૂકી દેવાય છે. અત્યારે આ નર્સરીઓને રેગ્યુલેટ કરવા ન તો કોઈ ધારાધોરણ છે કે ન તો કોઈ ચોક્કસ સિલેબસ છે કે તેમને શું શીખવવું? કેવી રીતે શીખવવું? કેટલો વખત શીખવવું? અત્યારે દરેક નર્સરીવાળા પોતાની મુનસફી પ્રમાણે એ ચલાવે છે. એમાં પણ પ્લેગ્રુપમાં તો બાળક હજી બે વર્ષનું થયું હોય ત્યાં જ દાખલ કરી દેવાય છે. અમુક પેરન્ટ્સ તો દોઢ વર્ષના ભૂલકાને પણ પ્લેગ્રુપમાં મૂકી દેતા હોય છે. એટલું જ નહીં, આ નર્સરીઓમાંથી સારી નર્સરીમાં મૂકવા માટે વાલીઓ રીતસર દોટ મૂકે છે અને તેમને કલ્પના બહારના પૈસા પણ આપી દેતા હોય છે. અમુક પ્લેગ્રુપનું તો નર્સરી કે પછી ડાયરેક્ટ સ્કૂલ સાથે પણ કનેક્શન હોય છે જેને લીધે જે-તે સ્કૂલમાં ઍડ્મિશન લેવા માટે અમુક કેસમાં લોકોએ નાછૂટકે આ લોકોને બેફામ પૈસા આપવા પડતા હોય છે.

જોકે હવે આ બધી ગતિવિધિઓ પર અંકુશ મૂકવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક પ્રસ્તાવ તૈયાર કરાયો છે, જે આવનારા અધિવેશનમાં રજૂ કરીને એને કાયદાનું રૂપ આપવા રાજ્ય સરકાર વિચારી રહી છે. 

આ બાબતે માહિતી આપતાં સ્કૂલ એજ્યુકેશન‌ કમિશનર સૂરજ માંઢરેએ કહ્યું હતું કે ‘નર્સરી ચલાવનારાઓ પર નિયંત્રણ રાખવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મુસદ્દો ઘડી કાઢવામાં આવ્યો છે. એમાં ૩થી ૬ વર્ષ‌‌ની ઉંમરનાં બાળકોને નર્સરીમાં કેટલો વખત રાખી શકાય, શું ભણાવી શકાય, તેમના માટે શું સુવિધાઓ હોવી જોઈએ જેવી બાબતોને સાંકળી લેવાઈ છે. હવે એ પ્રસ્તાવ અનુસાર દરેક નર્સરીએ રાજ્ય સરકારની પરવાનગી લેવાની રહેશે અને સરકાર દ્વારા જે સિલેબસ અપાશે એ ભણાવવાનો રહેશે. આ ઉપરાંત સમયનું પણ બંધન રહેશે. કેટલા કલાક બાળક નર્સરીમાં રહેશે એ માટે પણ કાયદામાં જોગવાઈ હશે અને બાળકોને કેટલી સુવિધાઓ આપવી પડશે એનો પણ એમાં ઉલ્લેખ કરાશે. એ પ્રમાણે નર્સરીઓેએ એનું પાલન પણ કરવાનું રહેશે. જો નિયમોનું પાલન નહીં કરાય તો એવી નર્સરીઓ સામે શિક્ષણ વિભાગ કડક હાથે કામ લેશે.’ 

સૂરજ માંઢરેએ વધુમાં કહ્યું હતું કે ‘બેઝિક સ્તરે નર્સરીમાં શું શિક્ષણ આપવું જોઈએ એ સંદર્ભે રાજ્ય શૈક્ષણિક સંશોધન અને પ્રશિક્ષણ પરિષદે અભ્યાસક્રમ તૈયાર કર્યો હતો. જોકે ત્યાર બાદ એ માટે વાંધા-વચકા અને સૂચનો મગાવવામાં આવ્યાં હતાં. ૧૨૦૦ જેટલાં વાંધા-વચકા અને સૂચનો આવ્યાં હતાં અને હવે એના પર વિચાર કરીને એ અભ્યાસક્રમને આખરી ઓપ આપવામાં આવશે. જોકે હાલના તબક્કે નર્સરીઓ જો સુવિધાઓ આપી શકે એમ હોય તો તેઓ એ માટે ફી પણ લઈ શકે છે એવું વિચારીને ફી સંદર્ભે કોઈ લિમિટ મૂકવામાં આવી નથી. ખાનગી નર્સરીઓએ કેટલી ફી લેવી એ એમનો વ્ય​​ક્તિગત પ્રશ્ન રહેશે એવું પ્રપોઝલમાં છે.’

જોકે ફીના મુદ્દે રાજ્ય વિધાનસભાના સત્રમાં આ પ્રપોઝલ અપ્રૂવલ માટે આવે ત્યારે વિધાનસભ્યો આ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કરીને એને પણ રાજ્ય સરકારના અંકુશમાં લાવવા કહી શકે છે એવું એજ્યુકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું.

mumbai news maharashtra news eknath shinde Education