ગ્રોમાના વેપારીઓના આવતી કાલથી બેમુદત બંધથી અનાજ-કઠોળની સપ્લાય ઠપ થશે

25 November, 2012 04:51 AM IST  | 

ગ્રોમાના વેપારીઓના આવતી કાલથી બેમુદત બંધથી અનાજ-કઠોળની સપ્લાય ઠપ થશે



નવી મુંબઈમાં આવેલી એપીએમસી માર્કેટના દાણાબંદરના અનાજ-કઠોળના વેપારીઓની માલ સ્ટોર કરવાના મુદ્દે કન્ટ્રોલર ઑફ રૅશનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કનડગતના વિરોધમાં દાણાબંદરના વેપારીઓ ગ્રોમાના નેજા હેઠળ આવતી કાલથી બેમુદત બંધ પર ઊતરવાના છે. તેમને સમર્થન આપવા એપીએમસી માર્કેટની વિવિધ બજારો પણ આવતી કાલે તેમની સાથે એક દિવસની હડતાળ પાડવાની છે.

વેપારીઓની કરવામાં આવતી કનડગત બાબતે ગ્રોમાના પદાધિકારીએ કહ્યું હતું કે ‘ગ્રોમાના વેપારી સભ્યોની કન્ટ્રોલર ઑફ રૅશનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કનડગત બાબતે અમે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને લેખિતમાં ફરિયાદ કરીને એના પર તરત ઘટતું કરવાની માગણી કરી હતી, પરંતુ તેમની પાસેથી કોઈ જવાબ ન મળતાં આવતી કાલથી એપીએમસીના દાણાબંદરના અનાજ-કઠોળના વેપારીઓ ગ્રોમાના નર્ણિય અનુસાર બેમુદત બંધ પર ઊતરવાના છે. અમારા સમર્થનમાં એપીએમસી માર્કેટની વિવિધ બજારો પણ એક દિવસનો પ્રતીક બંધ પાળી અમારી સાથે જોડાવાની છે. એ સિવાય કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસવાળા પણ જોડાવાના છે. કર્જતથી પાલઘર સુધીના વેપારીઓ પણ અમારા સમર્થનમાં એક દિવસની ટોકન સ્ટ્રાઇકમાં જોડાશે.’

એપીએમસીના ડિરેક્ટર કીર્તિ રાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રૅશનિંગના અધિકારીઓ દ્વારા દાણાબંદરના વેપારીઓની કરવામાં આવતી હેરાનગતિ સામે આવતી કાલે બંધ પાળવામાં આવી રહ્યો છે, જેમાં એપીએમસી માર્કેટની તમામ બજારો જોડાઈને તેમને સર્મથન આપે એ માટે અમે એક સક્યુર્લર બહાર પાડી બધાને એમાં જોડાવાની અપીલ કરી છે. જોકે ફ્રૂટ્સ ઍન્ડ વેજિટેબલ માર્કેટની વસ્તુઓ પૅરિશેબલ આઇટમ હોવાથી કદાચ તેઓ અમારી એક દિવસ પ્રતીક હડતાળમાં નહીં જોડાય. નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના તમામ સભ્યો આમાં જોડાઈ રહ્યા છે. એ સિવાય ટ્રાન્સપોર્ટરો, માથાડી કામદારો, દલાલો અને અન્ય લોકો પણ જોડાવાના છે.’

રીટેલ માર્કેટમાં અછત થઈ શકે


ગ્રોમાની બેમુદત હડતાળને પગલે મુંબઈની રીટેલ માર્કેટમાં અનાજ-કઠોળની સપ્લાય બંધ થઈ જશે તો રીટેલ માર્કેટમાં એની અછત સર્જાઈ શકે છે અને એના ભાવ પર પણ અસર થઈ શકે છે. આવતી કાલથી ગ્રોમાના વેપારીઓની બેમુદત હડતાળની જાહેરાતને પગલે ગઈ કાલે અનાજ-કઠોળ લઈને આવતી ટ્રકો પણ નહીંવત્ સંખ્યામાં બજારમાં આવી હોવાનું ગ્રોમાના એક પદાધિકારીએ કહ્યું હતું.

શું સમસ્યા છે?

એપીએમસી બજારના સંકુલમાં અન્ન-કડધાન્ય, દાળ, તેલીબિયાં જેવી વસ્તુઓના સ્ટોરેજ માટે પૂરતી જગ્યા ન હોવાથી એપીએમસીની આગોતરી મંજૂરી મેળવીને બજારની આજુબાજુના વિસ્તારોમાં આવેલા વેરહાઉસ કોલ્ડ સ્ટોરેજમાં વેપારીઓએ માલ સ્ટોરેજ કરી રાખ્યો હતો એમ જણાવીને વેપારીઓએ ફરિયાદ કરી હતી કે ‘વળી મહારાષ્ટ્ર સરકારે નક્કી કરેલા નિયમ મુજબ જ અનાજનો જથ્થો સ્ટોર કર્યો હતો, મર્યાદા કરતાં કોઈ વેપારીએ ખેતીઆધારિત માલનો જથ્થો કર્યો નહોતો. આમ છતાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી કન્ટ્રોલર ઑફ રૅશનિંગ અને મહારાષ્ટ્રના નાગરી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ વેરહાઉસ પર રેઇડ પાડીને વેપારીઓનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમણે સૌપ્રથમ ૨૧ જુલાઈએ રેઇડ પાડી હતી. જપ્ત કરેલા માલ સહિત લગભગ ૨૯ વેપારીઓના માલને આ લોકોએ ટેãક્નકલ કારણ આગળ ધરી સુનાવણી કરીને ઑક્શનમાં વેચવાનો આદેશ બહાર પાડ્યો હતો.’

એપીએમસી = ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી

ગ્રોમા = ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન