રીડેવલપમેન્ટ પછી બીજા માળે દુકાન મળી એ વાત ચેતન પચાવી નહોતો શક્યો

28 March, 2023 09:14 AM IST  |  Mumbai | Rohit Parikh

કોવિડના સમય પહેલાં ચેતન ગાલાની ગિરગામમાં રાજારામ મોહન રૉય રોડ પર આવેલી બ્લાઉઝ-પીસ, ફોલ-બીડિંગ અને નાઇટી જેવી મહિલાઓની આઇટમની મૅચિંગ પૅલેસ નામની દુકાનમાં મહિલાઓની ખરીદી માટે લાઇન લાગતી હતી

ચેતન ગાલા અને તેના ભાઈએ ગિરગાંવ ખાતે તેમની દુકાન મેચિંગ પેલેસ ભાડે આપી હતી (તસવીર : આશિષ રાજે)

ક્યારેય કોઈ માણસ જન્મથી ગુનેગાર કે કાતિલ હોતો નથી. સમય અને સંજોગ તેને ગુનેગાર કે કાતિલ બનાવી દે છે. આવી જ કથની ગ્રાંટ રોડના પાર્વતી મૅન્શનમાં રહેતા વાગડ જૈન સમાજના ચેતન ગાલાની છે.

કોવિડના સમય પહેલાં ચેતન ગાલાની ગિરગામમાં રાજારામ મોહન રૉય રોડ પર આવેલી બ્લાઉઝ-પીસ, ફોલ-બીડિંગ અને નાઇટી જેવી મહિલાઓની આઇટમની મૅચિંગ પૅલેસ નામની દુકાનમાં મહિલાઓની ખરીદી માટે લાઇન લાગતી હતી. ચેતન અને દીપક ગાલાને માથું ઊંચું કરવાનો સમય નહોતો મળતો. દુકાન ધમધોકાર ચાલતી હતી, પરંતુ કોવિડ પછી જબરદસ્ત મંદી આવી હતી.

આ બાબતે માહિતી આપતાં ત્યાંના દુકાનદારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં તો અમારી જૂની દુકાનની સામે અમને અમારા મકાનમાલિકો બીજા માળે દુકાન આપતાં અમને ઝટકો લાગ્યો હતો.

જોકે અમે એ પચાવી શક્યા હતા, પરંતુ ચેતન ગાલા બદલાયેલી પરિસ્થિતિને પચાવી નહોતો શક્યો. આખી વાત એવી હતી કે અમારી દુકાનો પહેલાં મેઇન રોડ પર હતી, પણ મકાનનું રીડેવલપમેન્ટ થતાં અમને બધાને ૧૮૦ સ્ક્વેર ફીટની દુકાનો નવા મકાન પાટીલ હાઇટના બીજા માળે આપવામાં આવી હતી. દુકાનો બીજા માળે જવાથી અમારા બધાના ધંધા ડાઉન થાય એ પહેલાં અમે ડહાપણ વાપરીને અમારી દુકાનો ભાડે આપી દઈને નીચે નવી દુકાનો ભાડે લઈ લીધી હતી.’

દુકાનદારોએ વધુમાં કહ્યું કે ‘ચેતન ગાલાએ કમને પણ તેના ભાઈ દીપક ગાલા સાથે મળીને તેની બીજા માળની દુકાન ભાડે આપી દીધી હતી. બન્ને ભાઈઓ વચ્ચે કાંઈ પણ બન્યું હશે, પણ એ પછી ચેતન ગાલાએ તેના ભાઈ દીપકે નીચે લીધેલી ભાડાની દુકાનમાં આવવાનું બંધ કરી દીધું હતું. જે બીજા માળની દુકાનનું ભાડું આવે છે એમાંથી અમને જે જાણકારી છે એ પ્રમાણે બન્ને ભાઈઓ અડધું-અડધું ભાડું વહેંચી લે છે. જોકે દીપક ગાલાએ નીચે ભાડેથી દુકાન લઈને તેનો ધંધો શરૂ કરી દીધો છે, પણ કોવિડ પહેલાં તેમની દુકાનમાં જે ઘરાકી હતી એવી ઘરાકી હવે રહી નથી. ચેતન ગાલા ક્યારેક-ક્યારેક અહીં આંટો મારવા આવતો હતો. તે પણ દુકાનની બહાર બેસીને જતો રહેતો હતો. બન્ને ભાઈઓ વચ્ચે ક્યારેય અમે કોઈ ઝઘડા કે વિવાદ થયા હોવાનું સાંભળ્યું નથી.’
શુક્રવારની ઘટના પર પ્રત્યાઘાત આપતાં આ દુકાનદારોએ કહ્યું કે ‘ચેતન કોઈની હત્યા કરે એ પહેલાં તો અમને માનવામાં જ નથી આવતું. અમે આટલાં વર્ષોથી ચેતન અને દીપકને ઓળખીએ છીએ. અમે તેમને ઊંચા સાદે બોલતા પણ સાંભળ્યા નથી. ચેતન માટે અમે એમ કહી શકીએ કે ચેતન તો માખી પણ મારી શકે નહીં. તે પાંચ જણ પર આટલો ઘાતકી હુમલો કઈ રીતે કરી શકે. સમાચાર પ્રમાણે ચેતન મહિના પહેલાં કે પંદર દિવસ પહેલાં તેના ઘરમાં રામપુરી ચાકુ લઈ ગયો હતો એ વાતની પણ અમને નવાઈ લાગે છે, કારણ કે આ દિવસોમાં જ તેણે તેના પરિવાર સાથે બની રહેલી દુખદ ઘટનાઓની અને તેના ખરાબ સ્વભાવને કારણે પતિ અને તેનાં સંતોનો તેનાથી દૂર થઈ ગયાં હોવાની શાંતિથી વાત કરી હતી. એ સમયે પણ તેનો કોઈના પર આક્રોશ હોય એવું તેની વાત પરથી અમને લાગ્યું નહોતું.’

શુક્રવારે ચેતન ગાલા જ્યારે પાર્વતી મૅન્શનમાં ખૂનામરકી પણ ઊતરી આવ્યો હતો ત્યારે તેનો ભાઈ દીપક ગાલા દુકાનમાં જ હતો. તેની પાસે આખા બનાવની કોઈ માહિતી નહોતી. આ જાણકારી આપતાં દુકાનદારોએ કહ્યું કે ‘વાઇરલ વિડિયોની અમે જ્યારે દીપકને વાત કરી ત્યારે તે પણ આઘાતમાં મુકાઈ ગયો હતો. થોડી વાર પછી બે વ્યક્તિ દીપકને લેવા આવી હતી. દીપક તેની દુકાન તેના માણસને સોંપીને તેના ઘરે ગયો હતો. ત્યાર પછી દીપક બે દિવસથી દુકાનમાં દેખાયો નથી.’ 

mumbai mumbai news grant road Crime News mumbai crime news rohit parikh