દાદા, તપ નિર્વિઘ્ને પૂર્ણ કરાવજો...

14 August, 2020 08:18 AM IST  |  Mumbai Desk | Alpa Nirmal

દાદા, તપ નિર્વિઘ્ને પૂર્ણ કરાવજો...

ઝવેરબહેન ગાલા

ટ્રાવેલિંગના શોખીનો જેમ વિવિધ ટ્રાવેલ મૅગેઝિન અને બુક વાંચે અને નેક્સ્ટ ડેસ્ટિનેશન નક્કી કરે  એમ દહિસર-ઈસ્ટમાં રહેતાં ઝવેરબહેન ગાલા જૈન તપાવલિ નામનું પુસ્તક વાંચે અને નક્કી કરે કે હવે કયું તપ કરવાનું છે. જોકે છેલ્લાં પાંચ-છ વર્ષથી તપાવલિ જોતાં-જોતાં તેમનો હાથ ગુણરત્ન સંવત્સર તપના પાના પર આવે એટલે અટકી જાય. દરેક વખતે તપની વિધિ વાંચે, એનું મહત્ત્વ વાંચે, પણ એની ૪૮૦ દિવસની અવધિ જાણીને આ તપ ઉપાડવાની હિંમત ન કરે. જોકે હવે તપ પૂરું કરવાની નજીક છે ઝવેરબહેન.
ઝવેરબહેનના જીવનસાથી હરખચંદભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘ગયા વર્ષે તેઓ એક સાધ્વીજી મહારાજસાહેબને વંદન કરવા ગયાં હતાં ત્યાં તેને ગુણરત્ન સંવત્સર તપ કરતા એક તપસ્વી મળ્યા અને તપ કરવાની હિંમત મળી ગઈ. તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે તો પાછું પડવું જ નથી. શીઘ્ર આ તપ માંડવું છે. થોડા દિવસ બાદ અમે કચ્છના અમારા ગામ કોડાય ગયાં. ત્યાં મને કહે કે હું એક દિવસ પાલિતાણાની જાત્રા કરી આવું અને ત્યાં શત્રુંજયમાં જ તેણે આ તપનું મંગલાચરણ કર્યું. જોકે મને પહેલાં એ વિશે જણાવ્યું નહોતું.’ 
તેમને ખબર કઈ રીતે પડી એના ઉત્તરમાં હરખચંદભાઈ કહે છે, ‘જમવા બેસવાનો ટાઇમ થાય એટલે મને કહે કે આજે મારો ઉપવાસ છે. બે દિવસ, ચાર દિવસ, છ દિવસ થયા. મેં પૂછ્યું શાના ઉપવાસ છે ત્યારે તેણે કહ્યું કે ‘મારે ગુણરત્ન સંવત્સર તપ કરવાની ભાવના છે અને હું પાલિતાણા જઈને દાદાને આ તપ નિર્વિઘ્ને પૂર્ણ કરવાની અરજી કરી આવી છું.’
ઝવેરબહેનનું આવું કમિટમેન્ટ કાંઈ પહેલી વારનું નહોતું. તેમણે અત્યાર સુધી આ જ રીતે દરેક તપનાં મંડાણ કર્યાં છે એટલે ફૅમિલીએ પણ એને વધાવી લીધું અને આદેશ્વરદાદા તથા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની એવી મહેર કે ઝવેરબહેનનાં દરેક તપ ખૂબ સુંદર રીતે અને વિઘ્નરહિત થયાં છે. ૬૮ વર્ષનાં ઝવેરબહેને ૯ વર્ષીતપ  કર્યાં જેમાં એક છઠથી અને એક અઠ્ઠમથી કર્યાં છે તેમ જ અનેક અઠ્ઠાઈ, ૯, ૧૦,૧ ૨, ૧૫, ૧૬, ૩૦, ૩૬  સળંગ ઉપવાસ કર્યા છે. શ્રેણી તપ, ધર્મચક્ર તપ, વીસસ્થાનક તપ, ચત્તારી અઠ્ઠ દસ દોય તપ, ૧ ઉપધાન, ૫૦૦ આયંબિલ, વર્ધમાન તપની ૨૩ તેમ જ ૯ પદની, અષ્ટાપદની ઓળી અને છેલ્લાં ૧૩ વર્ષથી દર મહિને પાર્શ્વનાથ ભગવાનના અઠ્ઠમ કરે છે. ૨૦૧૯ની ૧૮ મેએ તેમણે ગુણરત્ન સંવત્સર તપ શરૂ કર્યું છે જેનો આજે ૧૬મી શ્રેણીની પહેલી બારીનો દસમો ઉપવાસ છે.
ત્રણ દીકરા, ત્રણ વહુ અને પ્રપૌત્રો સાથે સંયુક્ત પરિવારમાં રહેતાં ઝવેરબહેન ‘મિડ-ડે’ને કહે છે, ‘પરમાત્માની કૃપા અને ગુરુઓના આશીર્વાદથી તપ થાય છે. અચલગચ્છાધિપતિ ગુણોદયસાગરસૂરિ મહારાજસાહેબ અને વિદ્યાચંદ્રજી મહારાજસાહેબના ઘણા આશીર્વાદ છે. પ્રદીપભાઈ કોઠારીની પ્રેરણા તેમ જ પરિવારનો ખૂબ સહકાર છે.’   
૭ સપ્ટેમ્બરે દહિસરમાં સાધ્વીશ્રી નયપૂર્ણાશ્રીજી અને નયદર્શનાશ્રીજીની નિશ્રામાં ઝવેરબહેનનું પારણું થશે.

alpa nirmal mumbai mumbai news