26 March, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
મુંબઈમાં આવતા મુલાકાતીઓનું સ્વાગત કરવા માટે શહેરના મુખ્ય એન્ટ્રી-પૉઇન્ટ્સને વધુ આકર્ષક અને ભવ્ય બનાવવાની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એક મહત્ત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે.
આ યોજના હેઠળ મુંબઈનાં મહત્ત્વનાં પ્રવેશસ્થાનો એવાં દહિસર, વાશી, ઐરોલી અને મુલુંડ ખાતે ૪ વિશાળ અને સ્થાપત્યની દૃષ્ટિએ અદ્ભુત ગ્રૅન્ડ એન્ટ્રી-ગેટ્સ બનાવવામાં આવશે. BMC પ્રશાસને આ પ્રોજેક્ટને ગંભીરતાથી લઈને તમામ સંબંધિત વિભાગોને આગામી ૧૫ દિવસની અંદર વિગતવાર કન્સેપ્ટ-પ્લાન રજૂ કરવા માટે જણાવ્યું છે.
આ પ્રોજેક્ટના અમલીકરણમાં ઐરોલી પ્રવેશદ્વારના કામને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઐરોલી સાઇટ પર જે રીતે કામગીરી આગળ વધશે એ અન્ય ૩ સ્થાનો માટે એક રોડ-મૅપ તરીકે કામ કરશે. આ પ્રવેશદ્વારો માત્ર શહેરની સીમા દર્શાવતાં સ્થાપત્યો જ નહીં પરંતુ શહેરી સુંદરતા અને ઉચ્ચ કક્ષાની જાહેર સુવિધાઓનાં હબ તરીકે પણ નમૂનેદાર બની રહેશે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં લૅન્ડસ્કેપિંગ, ગ્રીન કવર (હરિયાળી) વધારવું અને પ્રવાસન ક્ષમતા વિકસાવવા જેવાં પાસાંઓ પર પણ ધ્યાન આપવામાં આવશે.