આ ડમ્પરમાં જીપીએસ સિસ્ટમ લાગેલી હશે એવું તો ચોરટાઓએ ક્યાંથી ધાર્યું હોય?

17 August, 2012 08:19 AM IST  | 

આ ડમ્પરમાં જીપીએસ સિસ્ટમ લાગેલી હશે એવું તો ચોરટાઓએ ક્યાંથી ધાર્યું હોય?

 

તેઓ ચોરેલું એક ડમ્પર વેચીને ૨,૦૦,૦૦૦ રૂપિયા કમાઈ લેતા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ આરોપીઓ છેલ્લાં ચાર વર્ષથી ડમ્પર અને ટ્રકની ચોરી કરે છે. ચોરી કર્યા પછી તેઓ આ ડમ્પર કે ટ્રક ગુજરાત સુધી પહોંચાડતા હતા અને ત્યાંથી તેમના અન્ય સાથીદારો ઉત્તર પ્રદેશ કે બિહારમાં લઈ જઈને વેચતા હતા. પોલીસ હાલમાં તેમના અન્ય સાથીદારોની શોધ કરી રહી છે. તેઓ આવા બીજા કેટલા કેસમાં સંડોવાયેલા છે એની પણ પૂછપરછમાં જાણ થશે.

 

 

દહિસર પોલીસ-સ્ટેશનના ડિટેક્શન સબ-ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કચરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૨ ઑગસ્ટે સવારે સાડાદસ વાગ્યે ડમ્પરનો ડ્રાઇવર ડમ્પરને હાઇવે પર પાર્ક કરીને એક હોટેલમાં નાસ્તો કરવા ગયો હતો એ વખતે ડુપ્લિકેટ ચાવીથી આરોપીઓ ડમ્પર ચોરીને ભાગી ગયા હતા. ડમ્પરમાં જીપીએસ સિસ્ટમ હોવાની જાણ આરોપીઓને નહોતી. પોલીસમાં ફરિયાદ નોંધાતાં જીપીએસ સિસ્ટમ દ્વારા ડમ્પરના માલિકને ડમ્પરનું લોકેશન મળી રહ્યું હતું. પહેલું લોકેશન તેમને મીરા રોડનું અને બીજું લોકેશન વિરાર હાઇવેનું મળ્યું હતું. પોલીસ-ડિટેક્શનની ટીમે ચાર કલાકની અંદર નાકાબંધી કરીને બોઇસર હાઇવે પરથી ડમ્પર સહિત આરોપીઓની ધરપકડ કરી હતી. ચોરી કરેલા ડમ્પરની કિંમત આશરે ૨૮ લાખ રૂપિયા હતી.’

 

જીપીએસ - ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ