મુંબઈ હૉકી અસોસિએશનને મળેલી જમીનની લીઝ રદ થઈ

23 October, 2012 05:13 AM IST  | 

મુંબઈ હૉકી અસોસિએશનને મળેલી જમીનની લીઝ રદ થઈ

સ્કૂલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અન્ડર-સેક્રેટરી સતીશ જોંધળેની સહી સાથેના ૧૭ ઑક્ટોબરે લખવામાં આવેલા લીઝ રદ કરતા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અસોસિએશન વિરુદ્ધ સરકારને મુંબઈમાં રહેતા ભારતીય હૉકી ટીમના ભૂતપૂર્વ ખેલાડીઓ, શિવ છત્રપતિ અને અજુર્ન અવૉર્ડ વિજેતાઓ તરફથી ઘણી ફરિયાદો મળી છે. હૉકીને પ્રોત્સાહન આપવાને બદલે અસોસિએશન એને ફાળવવામાં આવેલી જમીન લગ્ન-સમારંભો કે અન્ય કમર્શિયલ કાર્યક્રમો માટે ભાડે આપે છે અને એણે સરકારની મંજૂરી લીધા વિના સ્ટેડિયમ અને ઍડ્મિનિસ્ટ્રેશનની ઑફિસનું રિનોવેશન કરાવ્યું છે.

આ પ્લૉટ ૧૯૬૮માં લીઝ પર આપવામાં આવ્યો હતો અને એ લીઝ ૨૦૦૩ની ૩૧ ડિસેમ્બરે પૂરી થઈ ગઈ હતી. જુલાઈ મહિનામાં હૉકીના ભૂતપૂર્વ ખેલાડીઓ ધનરાજ પિલ્લે, જોઆકીમ કાર્વાલ્હો, મર્વિન ફર્નાન્ડિસ અને ઓનકાર સિંહ તત્કાલીન ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારને મળ્યાં હતા અને તેમણે કહ્યું હતું કે જેમને હૉકીનું જ્ઞાન નથી એવા લોકો અસોસિએશન ચલાવી રહ્યા છે.

અસોસિએશનના ઑનરરી સેક્રેટરી રામ સિંહ રાઠોડે કહ્યું હતું કે ‘આ મુદ્દો કેવી રીતે ઊભો થયો છે એ કાંઈ સમજાતું નથી. આ એકદમ શૉકિંગ અને નિરુત્સાહી છે. અમારા પર લગાવવામાં આવેલા આક્ષેપોને અમે નકારી કાઢીએ છીએ. અમે સ્પોર્ટ્સ અને યુથ વેલ્ફેર ખાતાના પ્રધાન પદ્માકર વળવીને મળવાના છીએ.’