રાજ્યપાલના બફાટ સામે શિવાજી મહારાજના વંશજ લાલઘૂમ

20 November, 2022 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભગતસિંહ કોશ્યારીએ નીતિન ગડકરીની સરખામણી છત્રપતિ સાથે કરતાં સંભાજી રાજેએ તેમને રાજ્યમાંથી બહાર કાઢવાની વડા પ્રધાનને વિનંતી કરી

ફાઇલ તસવીર

રાહુલ ગાંધીએ સ્વતંત્રતાસેનાની વીર સાવરકર વિશે ટિપ્પણી કરવાથી રાજ્યભરમાં ઘમસાણ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રના આરાધ્યદેવ છત્રપતિ શિવાજી મહારાજ સાથે બીજેપીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીની સરખામણી કરતાં નવો વિવાદ ઊભો થયો છે. છત્રપતિના વંશજ સંભાજી રાજેએ છેક વડા પ્રધાનને અપીલ કરી છે કે રાજ્યપાલને મહારાષ્ટ્રમાંથી બહાર કાઢો. રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની તુલના છત્રપતિ શિવાજી મહારાજ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે કરીને ફરી વિવાદનો મધપૂડો છેડ્યો છે. તેમના આ બફાટને લીધે વીર સાવરકર સંબંધી રાહુલ ગાંધીના નિવેદન બાદ નવો વિવાદ ઊભો થયો છે.

ઔરંગાબાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા વિદ્યાપીઠમાં ગઈ કાલે આયોજિત કરવામાં આવેલા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ ભગતસિંહના હાથે એનસીપીના ચીફ શરદ પવાર અને બીજેપીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીનું ડી.લિટની પદવી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે ભગતસિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે નીતિન ગડકરીની તુલના કરી હતી.

કિશોરી પેડણેકરના ચાર ફ્લૅટ સીલ કરાશે

મુંબઈનાં ભૂતપૂર્વ મેયર અને ઉદ્ધવ ઠાકરે જૂથનાં નેતા કિશોરી પેડણેકરની મુશ્કેલી વધી શકે છે. તેમના વરલીમાં આવેલા ચાર ફ્લૅટ તાબામાં લેવાનો આદેશ એસઆરએએ મુંબઈ મહાનગરપાલિકાને આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કિશોરી પેડણેકર સામે એસઆરએમાં ચાર ફ્લૅટ ગેરકાયદે પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી અને તેમના આ બેનામી ફ્લૅટ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. આથી એસઆરએએ આ સંબંધી આદેશ મુંબઈ બીએમસીને આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે વરલીમાં ગોમાતા જનતા નામની ઇમારતમાં કિશોરી પેડણેકરે ચાર ફ્લૅટ ગેરકાયદે તાબામાં લીધા હતા.

લવ જેહાદમાં યુવતીઓ ગાયબઃ મંગલ પ્રભાત લોઢા

વસઈની શ્રદ્ધા વાલકરની હત્યા મુસ્લિમ યુવક આફતાબ પૂનાવાલાએ કરી હોવાનો મામલો ચર્ચામાં છે ત્યારે રાજ્યના મહિલા અને બાળવિકાસપ્રધાન મંગલ પ્રભાત લોઢાએ શુક્રવારે મહિલા પંચની આયોજિત એક બેઠકમાં કહ્યું હતું કે ‘શ્રદ્ધા વાલકરના પ્રકરણ બાદ મહિલા પંચે એક સ્પેશ્યલ ટીમ બનાવી છે. લગ્ન બાદ જે યુવતીનો તેના પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હોય તેની અત્યારે કેવી સ્થિતિ છે તેમ જ પરિવારજનોના વિરોધ છતાં યુવતી કોઈ યુવક સાથે ભાગી જાય છે એટલે પોલીસમાં ફરિયાદ ન નોંધાવી હોય એવા પરિવારને સહયોગ કરવામાં મહિલા પંચની ટીમ કામ કરશે.

યુવતીને ભગાવી જનારો યુવક જાણતો હોય છે કે માતા-પિતાની ઇચ્છાની વિરુદ્ધ યુવતી ઘરની બહાર નીકળી છે એટલે તે યુવતી સાથે શ્રદ્ધા વાલકરની જેમ મનમાની કરે છે. આવી સ્થિતિમાં આ પંચ મદદ કરે એવી ટીમ બનાવવાનો નિર્દેશ મહિલા પંચને આપવામાં આવ્યો છે. અત્યાર સુધી લવ જેહાદના ૧પ જેટલા મામલા મારી સામે આવ્યા છે. મને લાગે છે કે રાજ્યની અનેક યુવતીઓ લવ જેહાદનો શિકાર બની હોઈ શકે.’

mumbai mumbai news shiv sena