પૂરમાં પાયમાલ થયેલા દુકાનદારોને સરકાર આપશે પચાસ હજાર રૂપિયા

04 August, 2021 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરનારના પરિવારને કુલ નવ લાખ રૂપિયાની મદદ

ફાઈલ તસવીર

ગયા મહિને મહારાષ્ટ્રના કોંકણના રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ અને પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર, સાંગલી, સાતારા વગેરે જિલ્લામાં ભારે વરસાદ થવાથી પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. કેટલીક જગ્યાએ જમીન કે ડુંગર ધસી જવાની ઘટનામાં મોટા પાયે જાનહાનિ થવાની સાથે અહીંના રહેવાસીઓને ભારે આર્થિક નુકસાન થયું હતું. આ લોકો માટે આર્થિક પૅકેજ જાહેર કરવાની માગણી કરાઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગઈ કાલે મહારાષ્ટ્ર સરકારે પૂરગ્રસ્ત ભાગોમાં મદદ, સમારકામ અને લાંબા સમયની ઉપાય યોજના માટે ૧૧,૫૦૦ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કર્યું હતું. કૅબિનેટની બોલાવાયેલી બેઠકમાં સરકારે આ નિર્ણય લીધો હતો.

ભારે વરસાદને પગલે ઊભી થયેલી પૂરની સ્થિતિને લીધે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે નુકસાન થવાની માહિતી મેળવ્યા બાદ ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિતના પ્રધાન મંડળ સમક્ષ મદદ અને પુનવર્સન વિભાગે નુકસાનનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ ચકાસ્યા બાદ રાજ્ય સરકારે પૅકેજ જાહેર કરવાનો નિર્ણય લીધો હોવાની રાજ્યના મદદ અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે પત્રકારોને માહિતી આપી હતી.

વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્ર સહિત રાજ્યમાં અતિવૃષ્ટિ, મહાપૂર, પથ્થર પડવાથી લોકોનાં મૃત્યુ થવાની કમનસીબ ઘટના ગયા મહિને બની હતી. નુકસાનગ્રસ્ત વિસ્તારની સાથે રસ્તા, ખેતર, ઘર, એમએસઈબીને થયેલા નુકસાન માટે લાંબા ગાળાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ માટે ૧૧,૫૦૦ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કરવામાં આવ્યું છે.

દરેક કુટુંબને ૧૦ હજાર તો ઘર માટે દોઢ લાખની મદદ

પૂરમાં નુકસાન થયેલા દરેક કુટુંબને ૧૦ હજારની મદદ કરાઈ છે. દુકાનદારોને ૫૦ હજાર રૂપિયા તો રોડ પરની ટપરી ધારકોને ૧૦ હજાર રૂપિયા અપાશે. જેમનું આખું ઘર પડી ગયું હોય તેમને ૧.૫૦ લાખ રૂપિયા, પચાસ ટકા નુકસાન થયેલા ઘરમાલિકને ૫૦ હજાર રૂપિયા અને ૨૫ ટકા નુકસાન થયેલા ઘરમાલિકને ૨૫ ટકા વળતર તો થોડું નુકસાન થયું હોય એવા ઘરધારકને ૧૫ હજાર રૂપિયા અપાશે.

૪ લાખ હેક્ટર ખેતીને નુકસાન

પૂરમાં પ્રાથમિક અંદાજ મુજબ ૪ લાખ હેક્ટર ખેતીનું નુકસાન થયું છે. મત્સ્ય વ્યવસાય, એમએસઈબી વિભાગ, ગ્રામીણ વિકાસ વગેરે માટે પણ મદદ કરવામાં આવશે. સાર્વજનિક બાંધકામ વિભાગ માટે ૨૫૦૦ કરોડ રૂપિયા, નગર વિકાસ વિભાગને થયેલા નુકસાનનો પણ પૅકેજમાં સમાવેશ કરાયો છે.

૧૬ હજાર દુકાન-ટપરીને નુકસાન

પ્રાથમિક અંદાજ મુજબ પૂરને લીધે ૧૬ હજાર દુકાન અને ટપરીને નુકસાન પહોંચ્યું છે. આ સિવાય પૂરમાં ૩૦ હજાર હેક્ટર ખેતીની જમીન વહી ગઈ છે. આ માટે એનડીઆરએફના નિયમથી વધુ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. ૪૪૦૦ પ્રાણીઓ મૃત્યુ પામ્યાં છે. એના માટે ૬૦ કરોડ રૂપિયા પૅકેજમાં ફાળવાયા છે.

મરનારના પરિવારને કુલ નવ લાખ રૂપિયાની મદદ

પૅકેજમાં પૂરને લીધે મૃત્યુ પામેલાઓના પરિવારજનો માટે આર્થિક મદદની જાહેરાત કરાઈ છે. એસડીઆરએફના નિયમ મુજબ ૪ લાખ રૂપિયા, મુખ્ય પ્રધાન રિલીફ ફન્ડમાંથી ૧ લાખ રૂપિયા, જેમના નામે સાત બારા છે એવા ખેડૂતો માટે ગોપીનાથ મુંડે અકસ્માત વીમા રકમમાંથી બે લાખ રૂપિયા અને વડા પ્રધાને જાહેર કરેલા બે લાખ મળીને કુલ ૯ લાખ રૂપિયાની મદદ મરનારાના પરિવારને અપાશે.

પૂરગ્રસ્ત ગામોનું પુનર્વસન મ્હાડા કરશે

પૅકેજમાં જેમનાં ઘર સંપૂર્ણપણે તૂટી ગયાં છે તેમને ૧.૫૦ લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. મ્હાડા દ્વારા ૪.૫૦ લાખ રૂપિયાની કિંમતનાં ઘર પૂરગ્રસ્તો માટે બનાવવામાં આવશે. આમાં ૧.૫૦ લાખની મદદ અને પુનવર્સન વિભાગ તરફથી તો એનાથી વધુનો ખર્ચ મ્હાડા કરીને ગામનું પુનર્વસન કરશે.

mumbai mumbai news mumbai floods mumbai monsoon mumbai rains maharashtra