મુંબઈમાં હવા ખરાબ થવા માટે સરકાર જવાબદાર?

21 January, 2023 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક અઠવાડિયાથી શહેરનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૩૦૦થી વધુ નોંધાઈ રહ્યો હોવાથી આદિત્ય ઠાકરેએ અત્યારે ચાલી રહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામ પર સરકાર બેદરકાર હોવાનો આરોપ મૂક્યો : શ્વાસ સંબંધી બીમારી ધરાવતા લોકોને માસ્ક પહેરવાની સલાહ

મુંબઈમાં હવા ખરાબ થવા માટે સરકાર જવાબદાર?

મુંબઈ : છેલ્લા છ દિવસથી મુંબઈમાં દિલ્હી કરતાં પણ ખરાબ હવા અનુભવાઈ રહી છે. આથી શરદી, ઉધરસ અને ગળું ખરાબ થવાના દરદીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૩૦૦થી વધુ નોંધાવા માટે રાજ્ય સરકાર જવાબદાર હોવાનો આરોપ યુવાસેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ કર્યો છે. આથી છેલ્લા સાત મહિનાથી ચાલી રહેલો એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથનો રાજકીય વિરોધ હવે હવામાન સુધી પહોંચ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચારથી પાંચ દિવસમાં ઠંડી ઓછી થશે જેને પગલે હવાની ક્વૉલિટીમાં પણ સુધારો થવાની શક્યતા છે એ મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. હવાની ક્વૉલિટી ખરાબ હોવાથી જે લોકોને શ્વાસ સંબંધી બીમારી હોય તેમને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી હવામાં પ્રદૂષણની માત્રા દિલ્હી કરતાં પણ વધી ગઈ છે. ગુરુવારે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૩૧૯ નોંધાયો હતો. જોકે ગઈ કાલે હવાની ક્વૉલિટીમાં થોડો સુધારો થતાં સરેરાશ ઇન્ડેક્સ ૧૮૨ રહ્યો હતો. હવામાં વધુ પ્રમાણમાં પ્રદૂષણ છે એટલે મુંબઈમાં શરદી, ઉધરસ અને ગળું ખરાબ થવાના દરદીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈમાં ચેમ્બુર અને નવી મુંબઈમાં સૌથી ખરાબ હવા નોંધાઈ છે. નવી મુંબઈમાં સૌથી વધુ ૩૬૨ એક્યુઆઇ તો ચેમ્બુરમાં ૩૫૨ એક્યુઆઇ નોંધાયો છે. માઝગાવમાં ૩૩૧, મલાડમાં ૩૧૯, કોલાબામાં ૩૨૩, ભાંડુપમાં ૨૮૩, બોરીવલીમાં ૨૧૫ અને વરલીમાં ૨૦૦ એક્યુઆઇ નોંધાયો છે.

મુંબઈમાં હવામાન ખરાબ રહેવા બદલ યુવાસેનાના અધ્યક્ષ અને ભૂતપૂર્વ પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ આ સ્થિતિ માટે રાજ્ય સરકારની ટીકા કરતી ટ્વીટ ગઈ કાલે કરી હતી. આદિત્ય ઠાકરેએ ટ્વીટમાં લખ્યું હતું કે ‘મુંબઈ ક્લાઇમેટ ઍક્શન પ્લાન સંદર્ભે સરકાર ગંભીર નથી. સરકારે આ સંબંધી કામ ક્લાઇમેન્ટ ઍક્શનનું બંધ કરી દીધું છે. મેટ્રોનાં કામ ચાલી રહ્યા છે, રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થયો છે અને ધૂળ ઊડતી હોવાથી હવાની ક્વૉલિટી ખરાબ થઈ છે.’

મુંબઈ અને આસપાસના રહેવાસીઓને રાહત થાય એવી આગાહી હવામાન વિભાગે ગઈ કાલે કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચારથી પાંચ દિવસમાં ઉત્તર ભારતનાં રાજ્યો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે એટલે હવામાં ભેજનો વધારો થશે. આથી તાપમાન પણ બેથી ત્રણ ડિગ્રી વધશે એટલે આપોઆપ ઠંડીમાં ઘટાડો થશે. ઠંડી ઘટવાની સાથે હવાની ક્વૉલિટીમાં પણ સુધારો થવાની શક્યતા છે.

હવાની ગુણવત્તાનું પ્રમાણ

ઝીરોથી ૫૦ એક્યુઆઇ : ઉત્તમ
૫૦થી ૧૦૦ એક્યુઆઇ : સંતોષજનક
૧૦૧થી ૨૦૦ એક્યુઆઇ : મધ્યમ
૨૦૧થી ૩૦૦ એક્યુઆઇ : ખરાબ
૩૦૧થી ૪૦૦ એક્યુઆઇ : અત્યંત ખરાબ
૪૦૧થી ૫૦૦ એક્યુઆઇ : ગંભીર

mumbai mumbai news air pollution