મહારાષ્ટ્રને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનું હબ બનાવવાની સરકારની તૈયારી

22 July, 2021 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેકિંગ, પૅરાગ્લાઇડિંગ, રૉક ક્લાઇમ્બિંગ, રેપલિંગ, રિવર ક્રૉસિંગ, રિવર રાફ્ટિંગ, પૅરા સેઇલિંગ, સ્કૂબા ડાઇવિંગ જેવી પચીસેક જેટલી ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનો હાલમાં આ પૉલિસી અંતર્ગત સમાવેશ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં સહ્યાદ્રિની હારમાળા અને એની સાથે જ લાંબો દરિયાકિનારો હોવાથી ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ વિકસાવવા માટે ઘણી શક્યતાઓ છે એથી રાજ્ય સરકારના ટૂરિઝમ પ્રધાન આદિત્ય ઠાકરેએ એના પર ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્યને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનું ટૂરિસ્ટ ‌ડેસ્ટિનેશન બનાવવાની તૈયારી કરી છે. ઍડ્વેન્ચર સ્પોર્ટ્સમાં ઘણું બધું કરી શકાય છે, પણ એમાં લોકોની સલામતીનો પ્રશ્ન બહુ મહત્ત્વનો હોય છે એથી એ આ બાબતે એક પ્રૉપર નીતિ હોય એ બહુ જરૂરી છે. સરકારે એ સંદર્ભે એની પૉલિસી જાહેર કરી છે અને ટૂંક સમયમા એની ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે. 
ટ્રેકિંગ, પૅરાગ્લાઇડિંગ, રૉક ક્લાઇમ્બિંગ, રેપલિંગ, રિવર ક્રૉસિંગ, રિવર રાફ્ટિંગ, પૅરા સેઇલિંગ, સ્કૂબા ડાઇવિંગ જેવી પચીસેક જેટલી ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનો હાલમાં આ પૉલિસી અંતર્ગત સમાવેશ થયો છે. વળી આ પૉલિસીમાં ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનાં રજિસ્ટ્રેશન, રેગ્યુલેશન, એનું મૉનિટરિંગ, પ્લાનિંગ અને પ્રમોશનને સાંકળી લેવાયાં છે.         
ઍડ્વેન્ચર ટૂરિઝમ પૉલિસી જાહેર કરતાં આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ‘ઍડ્વેન્ચર ટૂરિઝમમાં ટૂરિસ્ટોની સેફ્ટી એ સૌથી મહત્ત્વનો મુદ્દો હોય છે એથી આ પૉલિસી અંતર્ગત સેફ્ટી સહિતની અન્ય બાબતોને આવરી લેવાઈ છે જેમાં ટ્રેઇન્ડ ટ્રેઇનર, સ્ટાન્ડર્ડાઇઝ અને ક્વૉલિટી ઇક્વિપમેન્ટ હોવાં જરૂરી છે. પૉલિસીનો યોગ્ય અમલ થાય એ માટે સ્ટેટ લેવલ અને ડિવિઝનલ લેવલની કમિટી બનાવવામાં આવશે જેમાં લૅન્ડ, ઍર અને વૉટર ટૂરિઝમના એક્સપર્ટ્સની નિમણૂક કરવામાં આવશે.’
મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમટીડીસી)નાં પ્રવક્તા ઇન્દિરા ઠાકુરે સ્પષ્ટતા કરતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલમાં પણ ઘણાં ગ્રુપ ઍડ્વેન્ચર સ્પોર્ટ્સની ઍક્ટિવિટી કરે છે. હવે એ બધાં ગ્રુપને આ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવશે. તેમના ટ્રેઇનર યોગ્ય રીતે ટ્રેઇન્ડ થયેલા છે કે નહીં અને તેઓ જે સાધન વાપરે છે એ યોગ્ય સ્ટાન્ડર્ડાઇઝ્‍ડ અને સારી ક્વૉલિટીનાં હોય એ ચેક થશે. મુખ્ય હેતુ એ છે કે ટૂરિસ્ટોની સેફ્ટી જળવાઈ રહે. ત્યાર બાદ તેમનું રજિસ્ટ્રેશન કરી તેમને સર્ટિફાય કરાશે અને એ સ્પોર્ટ્સ ઍક્ટિવિટી કરવાની પરવાનગી આપવામાં આવશે. 
જોકે સામે તેમને કેટલીક રાહત-છૂટછાટ પણ આપવામાં આવશે, જેમ કે ઇલેક્ટ્રિક બિલમાં રાહત, સ્ટેટ જીએસટીમાં રાહત, સ્ટૅમ્પ-ડ્યુટીમાં રાહત. એને લીધે તેમનો પણ રસ જળવાઈ રહે.’ 

ટૂરિઝમને વેગ આપવા ૨૫૦ કરોડની ફાળવણી

રાજ્યમાં ટૂરિઝમને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા ૨૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મહાબળેશ્વર, એકવીરા (લોનાવલા), લોણાર સરોવર, અષ્ટવિનાયક અને કોંકણના સમુદ્રકિનારે આવેલા ટૂરિસ્ટ સ્પૉટ તરીકે વિકસાવવા માટે આ ૨૫૦ કરોડ રૂપિયાના ફન્ડની તત્કાળ વહેંચણી કરાય એવો આદેશ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આપ્યો છે.

Mumbai mumbai news maharashtra