સસ્તાં ઘરનાં તો માત્ર સપનાં જ

11 January, 2021 08:10 AM IST  |  Mumbai | Rohit Parikh

સસ્તાં ઘરનાં તો માત્ર સપનાં જ

ફાઈલ તસવીર

દીપક પારેખ કમિટીએ કરેલા સૂચન મુજબ રાજ્ય સરકારે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરવા માટે વસૂલ કરવામાં આવતા પ્રીમિયમમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી પચાસ ટકાની રાહત આપી છે. સરકારની આ જાહેરાતની સાથે જ એવો આશાવાદ જાગ્યો છે કે હવે લોકોને સસ્તાં ઘર મળશે. જોકે ‘મિડ-ડે’એ રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા લોકો સાથે વાત કરતાં તેમનું કહેવું છે કે હવે ઘરોના ભાવમાં ઘટાડો થવો મુશ્કેલ છે. જે પણ ભાવ ઘટાડવાના હતા એ બિલ્ડરોએ પહેલેથી જ ઘટાડી દીધા હોવાથી હવે એમાં ખાસ કંઈ જગ્યા નથી.

રિયલ એસ્ટેટ સેક્ટર સાથે વર્ષોથી જોડાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘લોકો ભાવઘટાડાની જે વાત કરી રહ્યા છે એ શક્ય જ નથી, કારણ કે અત્યારે મોટા ભાગના બિલ્ડરો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. સરકારે પ્રીમિયમ પચાસ ટકા કરીને તેમને સો ટકા ગિફ્ટ આપી છે, પણ એનો લાભ લોકો સુધી પહોંચવાની શકયતા બહુ જ ઓછી છે. કોઈ પણ બિલ્ડર અત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવવાનું પહેલાં વિચારશે અને સરકારનું આ પગલું લોકોને રાહત આપવાને બદલે બિલ્ડરોને ટકાવી રાખવા માટેનું છે. આ સિવાય વિરોધ પક્ષના વિરોધને શાંત કરવા ઘર ખરીદનારાઓની સ્ટૅમ્પ ડ્યુટી જે બિલ્ડરોના માથે સરકારે નાખી છે એને લીધે સીધો પાંચ ટકા માર્જિન તેમનો ત્યાં જ ઓછો થઈ જવાનો છે. આ સિવાય ઊંચા વ્યાજે લીધેલી લોનનું રીપેમેન્ટ કરવાનું પણ અસ્તિત્વ ટકાવી રાખવા જરૂરી હોવાથી પ્રીમિયમ ઘટાડાનો ફાયદો લોકો સુધી પહોંચી એની શક્યતા ઓછી જ છે.’

આની સામે બીજા એક બિલ્ડરે કહ્યું હતું કે ‍‘છેલ્લા થોડા સમયમાં બૅન્કોના વ્યાજદર અને સ્ટૅમ્પ ડ્યુટીમાં ઘટાડાની સાથે બિલ્ડરો પાસે પૈસાના અભાવે ઘર ખરીદનારાઓને દસેક ટકાનો લાભ મળી ચૂક્યો છે. હવે એમાં બહુ જગ્યા દેખાતી નથી. નવા પ્રોજેક્ટમાં જો બિલ્ડરને પૈસાની જરૂર હોય તો આ ફાયદો લોકોને મળી શકે છે, પણ હાલની માર્કેટમાં લોકો રેડી પઝેશન જ પસંદ કરતા હોવાથી એની પણ શકયતા ઓછી જ દેખાય છે.’

જાણકારો શું કહે છે?

સરકારે પ્રીમિયમ ઘટાડવાની સાથે ભાવમાં નિયંત્રણની વાત ક્યાંય નથી કરી અને એની પાસે એવો કોઈ ડેટા ન હોવાથી અમને તો ભાવ ઘટવાને બદલે એવો ડર લાગી રહ્યો છે કે ડેવલપરો પોતે જે સ્ટૅમ્પ ડ્યુટી ચૂકવવાની છે એ પહેલેથી જ ભાવમાં વધારીને વેચશે. આમાં ઘર ખરીદનારાઓને કોઈ ફાયદો નથી થવાનો, આ ફક્ત એક આભાસ છે.

- ઍડ્વોકેટ શિરીષ દેશપાંડે, અધ્યક્ષ - મુંબઈ ગ્રાહક પંચાયત

સરકારે જે પચાસ ટકા ઘટાડો પ્રીમિયમમાં કર્યો છે એનો જે ડેવલપરો ફાયદો લેશે તેમના ગ્રાહકોની સ્ટૅમ્પ ડયુટી ભરવાની જવાબદારી તેમની છે. એ પ્રમાણે ગ્રાહકોને અત્યારે ચારથી છ ટકાનો સ્ટૅમ્પ ડ્યુટીનો ફાયદો મળશે. એની સાથે બૅન્કની હોમ લોનના વ્યાજ દર પણ ઘટી ગયા છે. જે પહેલાં અંદાજે દસ ટકા હતો એ હવે સાતથી સાડાસાત ટકા વ્યાજનો દર છે. એ પણ ગ્રાહકોનો ફાયદો જ છે. અમે છેલ્લા છ મહિના-વર્ષથી ઘટાડેલા ભાવથી પ્રૉપર્ટી વેચીએ છીએ. હવે આનાથી વધારે પ્રૉપર્ટીના ભાવ ઘટે એવું લાગતું નથી.

- દીપક ગોરડિયા, એમસીએચઆઇના પ્રેસિડન્ટ અને દોસ્તી ગ્રુપના વાઇસ ચૅરમૅન ઍન્ડ મૅનેજિંગ ડિરેક્ટર

આ એક આવકારદાયક પગલું છે, જેને કારણે આ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ટેકો મળશે. અત્યારે ડેવલપરો માટે વધારે પ્રૉફિટ કરવા કરતાં સર્વાઇવ કરવું અતિ મહત્ત્વનું છે. અત્યારે તેમનો એક જ ઉદ્દેશ રહેશે કે તેઓ નુકસાનીમાંથી કેમ બહાર નીકળે. એના માટે તેઓ ચોક્કસ તેમના ભાવમાં તેમના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપશે પણ તેઓ એક કરોડની પ્રૉપર્ટીને નેવું લાખમાં કોઈ પણ સંજોગોમાં વેચશે નહીં, કારણ કે તેમણે તેમના પર રહેલા આર્થિક બોજાને પણ હળવો કરવાનો છે. નો ડાઉટ અત્યારે બાયર્સ માર્કેટ છે, પણ એના માટે ડેવલપરો ભાવ સિવાયના બીજા ફાયદા આપીને તેમના ગ્રાહકોને આકર્ષિત કરશે.

- પાર્થ મહેતા, પૅરાડિગમ રિયલ્ટીના મૅનેજિંગ ડિરેક્ટર

પ્રીમિયમ ઘટાડા પછી ફરીથી ડેવલપરો ભાવ ઘટાડશે કે નહીં એનો નિર્ણય જે-તે જગ્યાના લોકેશન પર આધારિત છે. પ્રીમિયમ ઘટાડાનો ડેવલપરોને કયાં લોકેશનો પર કેટલો ફાયદો મળે છે એના કૅલ્ક્યુલેશન હજી ડેવલપરો કરી રહ્યા છે. આથી અત્યારે ક્યાં કેટલો ભાવ ઘટશે કે નહીં ઘટે એ કહેવું મુશ્કેલ છે. જોકે એક વાત ચોક્કસ છે કે‍ અત્યારે માર્કેટ બાયર્સની છે અને બાયર્સ માટે જગ્યા ખરીદવાનો આ સુવર્ણ સમય છે.

- અશોક મોહનાની, નૅશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના વેસ્ટર્ન ઝોનના પ્રેસિડન્ટ અને એકતા વર્લ્ડના ચૅરમૅન

mumbai mumbai news