વેપારીઓની નાણાભીડ દૂર કરશે સરકારી સહાય

03 January, 2021 10:27 AM IST  |  Mumbai | Rohit Parikh

વેપારીઓની નાણાભીડ દૂર કરશે સરકારી સહાય

પ્રવીણ છેડાને મુંબઈ વ્યાપારી અને ઇન્ડસ્ટ્રીઝ સેલના પ્રભારીની જવાબદારી સોંપી રહેલા ભારતીય જનતા પાર્ટી મુંબઈના અધ્યક્ષ ઍડ. મંગલ પ્રભાત લોઢા

કોરોના મહામારીને લીધે અસંખ્ય લોકોએ નોકરી ગુમાવવી પડી છે તેમ જ મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને વેપારીઓ નાણાભીડમાં આવી ગયા છે ત્યારે બીજેપીના વેપારી અને ઉદ્યોગ સેલના નવા નિમાયેલા પ્રભારી પ્રવીણ છેડાએ સૌપ્રથમ વાર વેપારીઓની આર્થિક તકલીફ સરકારી સહાય મારફત દૂર કરવાનું નક્કી કર્યું છે. તેમનું કહેવું છે કે અત્યારના સમયમાં વેપારીઓને ક્યાંયથી પૈસા નથી મળતા અને એને લીધે તેમના કામધંધા ખોરવાઈ ગયા છે. આ જ કારણસર તેમણે વેપારીઓને સરકારી સ્કીમનો લાભ લેવાનું આવાહન કર્યું છે. આ કામ માટે તેઓ વેપારી અસોસિએશનોના પદાધિકારીઓ સાથે મળીને એક સેમિનાર કરવાનું પણ વિચારી રહ્યા છે. ઘાટકોપરમાં રહેતા બીજેપીના આ સિનિયર નેતા સરકાર અને વેપારીઓ વચ્ચે સેતુની ભૂમિકા ભજવવા માગે છે.

પ્રવીણ છેડા અત્યારે અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળના સેક્રેટરી છે. તેમણે સૌથી પહેલાં ઘાટકોપરના વેપારીઓને અને દુકાનદારોને લોકલ બૉડી ટૅક્સ સામે લડવા માટે તૈયાર કર્યા હતા. ત્યાર પછી એક્સાઇઝ, જીએસટી, પ્લાસ્ટિક બૅગ, ઇલેક્ટ્રિસિટીનાં બિલ જેવા અનેક વેપારીઓને લગતા મુદ્દાઓ પર વેપારીઓ સાથે ખભેખભા મિલાવીને આંદોલન પણ કર્યાં છે. 

પોતાની આ યોજના વિશે પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ૪૦ વર્ષના બહોળા અનુભવનો ઉપયોગ કરીને મુંબઈનાં વિવિધ વેપારી સંગઠનો અને ઇન્ડસ્ટ્રીઝનાં સંગઠનોને સાથે લઈને તેમની સાથે મીટિંગ કરીને તેમની સમસ્યાનો અભ્યાસ કરીને વેપારીઓને સરકાર તરફથી કોઈ અન્યાય ન થાય એ માટે હું કાર્યરત બનીશ. વેપારીઓનાં હિતની જે-જે વાતો હશે એ માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, મહાનગરપાલિકા જે-તે સરકારી અને અર્ધ-સરકારી બૉડી સમક્ષ રજૂ કરીને તેમને ન્યાય અપાવવા માટેના અમારી પાર્ટી તરફથી પૂરતા પ્રયાસ કરવામાં આવશે. અત્યારના કાળમાં સૌથી અગત્યનો મુદ્દો છે લૉકડાઉન પછી બધી જ માર્કેટમાં આવેલી આર્થિક મંદી અને બેરોજગારી જેવી અનેક સમસ્યાઓને ઉકેલવાનો. અત્યારે વેપારીઓ પાસે બિઝનેસમાં મંદી આવી ગઈ હોવાથી વેપારીઓ અને તેમના ગુમાસ્તાઓ અત્યંત આર્થિક ભીંસની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેમને લૉકડાઉન પહેલાંના સ્ટેજ પર પાછા લઈ આવવા અત્યંત જરૂરી છે. આને માટે હું મુંબઈના બધાં જ વેપારી સંગઠનો સાથે મીટિંગ કરીને તેમની સાથે વિવિધ સેમિનાર યોજીને તેમના મહત્ત્વના સવાલને સમજીને એને સરકારની યોજના સાથે સાંકળવા માગું છું.’ 

તમારી પાર્ટી અને રાજ્યમાં જે પાર્ટીની સરકાર છે એની વચ્ચે જબરદસ્ત મતભેદ છે તો એવા સંજોગોમાં તમે વેપારીઓને સરકારી યોજનામાં કઈ રીતે મદદરૂપ થશો? એના ઉત્તરમાં પ્રવીણ છેડાએ કહ્યું હતું કે ‘સરકારી યોજનાઓનું અમલીકરણ રાજકીય પાર્ટીઓ કરતી નથી. જે-તે રાજ્યના પ્રશાસનના અધિકારીઓ આ કાર્ય કરે છે. વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીઝને સરકારની સ્કીમો અને યોજનાઓનો લાભ મળી શકે એ માટે પ્રશાસનના અધિકારીઓ પાસેથી કેવી રીતે કામ કરાવવું એનો મને ૪૦ વર્ષનો અનુભવ છે. અત્યારે આ પદ પર મને મારા અનુભવનો જ મોટો ફાયદો મળશે. આમ છતાં આ યોજનાઓ વેપારીઓ સુધી ન પહોંચી શકે એ માટે જો રાજય સરકાર કોઈ કાયદો બનાવશે તો અમારી પાર્ટી વેપારીઓને સાથે રાખીને તેમના પર અન્યાય ન થાય એ માટે પૂરેપૂરી લડત આપશે અને એનો વિરોધ કરશે. વેપારીઓને ન્યાય અપાવવા માટે અમે પૂર્ણપણે કટિબદ્ધ છીએ અને રહીશું.’

કઈ સ્કીમ હશે?

આ બાબતે પ્રવીણ છેડાએ કહ્યું હતું કે ‘મિનિસ્ટ્રી ઑફ માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ હેઠળ નાના વેપારીઓને ૨૦ લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર સરકાર દ્વારા ૫૯ મિનિટમાં મંજૂર કરવામાં આવે છે, પણ આપણા નાના વેપારીઓને આની જાણ નથી અને તેઓ સરકાર પાસેથી લોન લેતાં પહેલાં બે વખત વિચારતા હોય છે. તેમની આ ગેરસમજ મારે દૂર કરવી છે. આ જ કારણસર તેમનામાં જાગરૂકતા લાવવા તેમ જ તેમને એકદમ સસ્તા વ્યાજે પૈસા મળી રહે એ દિશામાં મેં કામ કરવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકાર સાથે પણ વેપારીઓને મદદ કરવાની રજૂઆત કરવામાં આવશે. આપણાં જેટલાં અસોસિએશન છે એ બધાંને સાથે લઈને આ કામ કરવામાં આવશે.’

આ મુદ્દે વેપારીઓ શું કહે છે?

કોઈ નુકસાન ન થતું હોય તો સ્કીમનો લાભ લેવા તૈયાર

નાગદેવી ઍક્શન કમિટીના ચૅરમૅન દીપક દાણીએ આ સંદર્ભે કહ્યું હતું કે ‘પ્રવીણ છેડાની પહેલને અમે આવકારીએ છીએ. લૉકડાઉન હળવું થયા પછી વેપારીઓ અને નાના દુકાનદારો લાફો મારીને ગાલ લાલ રાખી રહ્યા છે. તેમને કોઈ પણ સરકાર કે સરકારી યોજનાઓનો લાભ મળ્યો નથી. તેમને કોઈ રાહત પણ મળી નથી. બીજી બાજુ સરકારી અને મોટી કંપનીઓમાંથી માર્ચ મહિનાથી પેમેન્ટ આવતાં બંધ થઈ ગયાં છે એથી કર્મચારીઓને સાચવવાનું તેમને માટે અત્યંત મુસીબતભર્યું બન્યું છે. આવા સમયે વેપારીઓ તેમને અન્ય કોઈ રીતે નુકસાન નહીં થતું હોય તો સરકારી યોજનાઓ અને સ્કીમનો લાભ લેવા તત્પર છે, પણ આને માટે વેપારીઓ ઊલમાંથી ચૂલમાં ન પડી જાય એ મહત્ત્વનું છે.’

ઓછા વ્યાજે પૈસા આપવાની જરૂર

બોરીવલીના બંજારા ગ્રુપ રેડીમેડ ગાર્મેન્ટના વેપારી અનિલ ધરોડે કહ્યું કે ‘લૉકડાઉન ખૂલ્યા બાદ વેપારીઓનો બિઝનેસ ૬૦થી ૭૦ ટકા ઘટી ગયો છે. પેમેન્ટ ફરતાં ન હોવાથી દુકાનદારો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. આવા સમયે સરકારી યોજના અંતર્ગત વેપારીઓને ઓછા વ્યાજે પૈસા આપીને રાહત આપવાની જરૂર છે. જો વેપારીઓને સરકાર વેપારીઓના બિઝેનસના ટર્નઓવરના ૨૫થી ૩૦ ટકા લોન આપે તો વેપારીઓની નાણાકીય સાઇકલ ફરતી થઈ જાય. એનો ફાયદો મૅન્યુફૅક્ચરર્સ, કારીગરો, હોલસેલરો અને રીટેલ વેપારીઓને પણ મળશે. એથી વેપારમાં ફરીથી રોનક આવી શકે એમ છે. પ્રવીણ છેડાએ વેપારીઓનું નેતૃત્વ કરીને આના માટે મુખ્ય ભૂમિકા ભજવવી જોઈએ.’

પહેલાં સરકારે જાહેર કરેલું રાહત પૅકેજ અમારા સુધી પહોંચે એવી વ્યવસ્થા ઊભી કરાવો

પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા કાંદિવલીના રાકેશ પંચાલે કહ્યું હતું કે ‘સરકાર દ્વારા શરૂઆતમાં જાહેર કરવામાં આવેલા ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માટેનું રાહત-પૅકેજ મૅન્યુફૅક્ચરર સુધી પહોંચ્યું નથી. કોરોના લૉકડાઉનમાં જે તકલીફો વેપારીઓ અને મૅન્યુફૅક્ચરર્સને પડી છે એ જગજાહેર છે. પ્રવીણ છેડા જે પહેલ કરવા જઈ રહ્યા છે એમાં સૌથી પહેલાં રાહત-પૅકેજો સ્મૉલ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચે એવી એક વ્યવસ્થા ઊભી થવી જરૂરી છે, જેનાથી આવી રહેલા સમયમાં બિઝનેસના વિકાસના સંજોગો નિર્માણ થઈ શકે.

mumbai mumbai news