પવિત્ર રમઝાનમાં છબીલ પર ઘમસાણ : બેની હત્યા કરાઈ

29 April, 2020 11:24 AM IST  |  Mumbai | Mumbai Correspondent

પવિત્ર રમઝાનમાં છબીલ પર ઘમસાણ : બેની હત્યા કરાઈ

પ્રતીકાત્મક તસવીર

મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે ગોવંડીના શિવાજીનગરમાં પાણીની પરબ એટલે કે ‘છબીલ’ બાબતે થયેલા ઝઘડા બાદ થયેલી તલવારબાજીમાં બેની હત્યા કરાઈ હોવાની ચોંકાવનારી ઘટના સોમવારે સાંજે બની હતી. આ હુમલામાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

આજે આખી દુનિયા કોરોના સામે લડત લડી રહી છે ત્યારે સોમવારે સાંજે ગોવંડીના શિવાજીનગરમાં રોડ નં. ૮માં બીએમસી સ્કૂલ પાસે, બેગનવાડીમાં લૉકડાઉન તથા સંચારબંધી હોવા છતાં એનું ઉલ્લંઘન કરીને રજ્જાબ શમશેરઅલી ખાન અને તેનો મિત્ર પ્રેમસિંહ વિરેન્દ્ર સિંહ પર કુહાડી, તલવારથી માથા અને ચહેરા પર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારવાની ઘટના બની હતી.

શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી મોહમ્મદઅલી સમશેરઅલી ખાનને પણ આ હુમલામાં ઈજા થતાં તેને હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

શિવાજીનગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘મૃતક અને હત્યા કરનારાઓ એક જ ચાલમાં રહે છે. તેમની વચ્ચે લાંબા સમયથી દુશ્મની ચાલી આવે છે. સોમવારે છબીલને કલર કરવા બાબતે બન્ને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં જીવલેણ હથિયારથી હુમલો કરાયો હતો. આ મામલામાં આઇપીસીની કલમો ૩૦૨, ૩૦૭, ૧૪૧, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૭, ૧૪૮, ૧૮૮, ૨૬૯ અને ૩૪ અંતર્ગત ગુનો નોંધીને અત્યાર સુધી બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર થઈ ગયેલા ચાર આરોપીને અમે શોધી રહ્યા છીએ.’

ઉલ્લેખનીય છે કે રમઝાન મહિનામાં રસ્તામાં લોકોને પાણી પીવા માટે છબીલ એટલે પરબ ઊભી કરવામાં આવે છે. ગોવંડીમાં એક પરમેનન્ટ છબીલની માલિકી બાબતે લાંબા સમયથી બે જૂથ વચ્ચે ઝઘડો ચાલતો હતો જે સોમવારે બે લોકોની હત્યામાં પરિણમ્યો હતો.

mumbai mumbai news govandi