09 July, 2025 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગોરેગામમાં રહેતા એક પિતાએ પોતાના દીકરાની ડ્રગ લેવાની આદતથી કંટાળીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ દીકરાને આ વાતનો કોઈ અફસોસ થયો નહોતો. તેણે હવે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે દાદી પાસેથી પૈસા માગવાનું શરૂ કર્યું હતું. ધમકી આપીને બળજબરીપૂર્વક પૈસા પડાવવાનું ચાલુ કરતાં દાદીએ પૌત્ર વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી છે.
પોલીસના જણાવ્યા મુજબ સંજય રાજપૂત તેમનાં ૭૬ વર્ષનાં મમ્મી, પત્ની અને બે દીકરાઓ સાથે ગોરેગામમાં રહેતા હતા. બન્ને દીકરાઓને ડ્રગ્સની આદત છે, જેમાંથી મોટો દીકરો આદિત્ય ૨૭ વર્ષનો હોવા છતાં કોઈ કામકાજ કરતો નહોતો અને ઘણી વાર ઘરે ઝઘડા કરતો હતો, જેને લીધે તેના પપ્પા ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. છેવટે ૨૯ મેના રોજ તેમણે આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ આદિત્યએ પૈસા માટે તેનાં દાદીને હેરાન કરવાનું ચાલુ કર્યું હતું. ધમકી આપીને તેમના અકાઉન્ટમાંથી પાંચ લાખ રૂપિયા કઢાવ્યા હતા. પૌત્રના ત્રાસથી દાદી તેમની દીકરીના ઘરે જતાં રહ્યાં તો ત્યાં પણ તેમને પૈસા અને પ્રૉપર્ટી માટે હેરાન કરવા લાગ્યો હતો. એથી દાદીએ ગોરેગામ પોલીસમાં પૌત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એના આધારે પોલીસ મેઇન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર ઑફ પેરન્ટ ઍન્ડ સિનિયર સિટિઝન ઍક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
માત્ર ચાર મહિનામાં રાજ્યમાંથી ૧૫૩.૨૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત
રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે એના પર અંકુશ મેળવવા શું પગલાં લીધાં એવો લેખિત સવાલ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વિધાનસભ્ય કાશિનાથ દાતેએ કર્યો હતો. એનો જવાબ આપતાં ગઈ કાલે રાજ્યના ગૃહપ્રધાનનો હોદ્દો સંભાળતા દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપતાં વિધાનસભામાં કહ્યું હતું કે ‘જાન્યુઆરીથી લઈને એપ્રિલ સુધીમાં ૧૫૩.૨૫ કરોડ રૂપિયાની કિંમતનું ૨૮.૩૦૨ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને આ સંદર્ભે ૫૦૦૧ કેસ નોંધવામાં આવ્યા છે અને ૪૪૮૧ આરોપીઓની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.’