મેં દીકરીની હત્યા કરવાના ઇરાદાથી તેને મારી નહોતી

06 October, 2012 05:46 AM IST  | 

મેં દીકરીની હત્યા કરવાના ઇરાદાથી તેને મારી નહોતી





મેં મારી દીકરીની હત્યા કરવાના ઇરાદાથી તેને મારી નહોતી, હું બેકસૂર છું. આ શબ્દો છે ગોરાઈ-૨માં આવેલી સૃષ્ટિ સોસાયટીમાં રહેતી ૩૩ વર્ષની ધર્મિષ્ઠા જોશીના. ત્રણ મહિનાની બાળકી આહુતિ જોશીની હત્યા કરવાના આરોપસર બોરીવલીની પોલીસે ધરપકડ કરેલી તેની માતા ધર્મિષ્ઠાએ પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘એક માતા તેના બાળકને શાંત કરવા માટે જે કરે એવી રીતે મેં તેને મારી હતી. તેની હત્યા કરવાનો મારો ઇરાદો નહોતો. હું બેકસૂર છું.’

ગઈ કાલે ધર્મિષ્ઠા જોશીને કોર્ટમાં રજૂ કરતાં તેને ૧૨ ઓક્ટૉબર સુધી પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી. બોરીવલી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) રવિ અડાણેએ ‘મિડ-ડેને કહ્યું હતું કે ‘આહુતિના મૃત્યુનો આઘાત લાગતાં તેની માતા ધર્મિષ્ઠાએ

પાંચ દિવસથી કંઈ પણ ખાધું નથી. પોલીસ-કસ્ટડીમાં તેને જબરદસ્તી જમાડવાનો પ્રયાસ અમે કરી રહ્યા છે. તેનું બ્લડપ્રેશર પણ લો થઈ ગયું છે.’

સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ચાટેએ કહ્યું હતું કે ‘૨૨ સપ્ટેમ્બરે સવારે આઠ વાગ્યે આહુતિ રડી રહી હતી એ વખતે ધર્મિષ્ઠાએ તેને શાંત કરવા માટે ખોળામાં લીધી હતી અને બે-ત્રણ વખત શાંત કરવાનો પ્રયાસ કયોર્ હતો, પણ તે શાંત ન થતાં આહુતિના માથા અને છાતીના ભાગમાં તેણે માર્યું હતું. આહુતિના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેના માથામાં ફ્રૅક્ચરને કારણે તેનું મૃત્યુ થયું હતું. એથી શંકા આવતાં આહુતિની માતા ધર્મિષ્ઠા, પિતા કલ્પેશ, કલ્પેશની બહેન તથા આહુતિના ઘરે માલિશ કરવા આવતી નંદાબાઈની અમે પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ધર્મિષ્ઠા રડવા લાગી હતી અને તેણે આહુતિની મારપીટ કરી હોવાની કબૂલાત કરી હતી.’

બોરીવલી કોર્ટમાં ધર્મિષ્ઠા જોશી વતી કેસ લડી રહેલા ઍડ્વોકેટ જગદીશ હાંડાએ કહ્યું હતું કે ‘આહુતિનું મૃત્યુ આકસ્મિક હતું. ધર્મિષ્ઠાએ હત્યા કરવાના ઉદ્દેશથી તેની મારપીટ કરી નહોતી. તે પ્રી-મૅચ્યોર બાળકી હતી અને તેનો સંપૂર્ણપણે વિકાસ પણ થયો નહોતો એટલે કદાચ તેને માર લાગતાંની સાથે જ માથામાં ફ્રૅક્ચર થઈ ગયું હોઈ શકે. ધર્મિષ્ઠા તેની બાળકીને મારી નાખે એવી નહોતી.