અજિત પવાર સામે લડનારા ગોપીચંદ પડળકર બીજેપીના વિધાન પરિષદના ઉમેદવાર

09 May, 2020 05:19 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

અજિત પવાર સામે લડનારા ગોપીચંદ પડળકર બીજેપીના વિધાન પરિષદના ઉમેદવાર

અજીત પવાર સામે લડતાં ગોપીચંદ પડળકર હવે ભાજપના ઉમેદવાર

વિધાન પરિષદની ચૂંટણી ૨૧ મેએ યોજાવાની છે ત્યારે બીજેપીએ એના ચાર ઉમેદવારનાં નામ જાહેર કર્યાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં રણજિતસિંહ મોહિતે પાટીલે બીજેપીમાં પ્રવેશ કરતાં માઢાનો ગઢ એનસીપીએ ખોવો પડ્યો હતો, જ્યારે ગોપીચંદ પડળકરને બીજેપીએ બારામતીમાંથી ઉમેદવારી આપી હતી પણ તેમનો પરાભવ થયો હતો. તેમને હવે બીજેપીએ વિધાન પરિષદ માટે ઉમેદવારી આપી છે. વિધાન પરિષદની ચૂંટણી માટે બીજેપીએ પક્ષના જૂના જોગીઓ પંકજા મુન્ડે, એકનાથ ખડસે અને બાવનકુળેને બદલે નવા ચહેરાને ઉતાર્યા છે.

વિધાન પરિષદ માટેના ચારે ઉમેદવારો રણજિતસિંહ મોહિતે પાટીલ, ગોપીચંદ પડળકર, પ્રવીણ દટકે અને અજિત ગોપછડેની પસંદગીમાં વિધાનસભાના વિરોધી પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસનો દબદબો જોવા મળ્યો હતો. બે ઉમેદવારને તો ફડણવીસ જ પક્ષમાં લઈ આવ્યા હતા, જ્યારે બીજા બે ઉમેદવાર પણ ફડણવીસના નજીકના હોવાનું કહેવાય છે.

ગોપીચંદ પડળકર : વંચિત બહુજન આઘાડીની આ નેતાએ વિધાનસભાની ચૂંટણી પહેલાં બીજેપીમાં ઘરવાપસી કરી હતી. બારામતીમાં તેમનો અજિત પવાર સામે દારુણ પરાભવ થયો હતો અને ડિપોઝિટ પણ ગુમાવવી પડી હતી.

રણજિતસિંહ મોહિતે પાટીલ : તેઓ એનસીપીના સંસદસભ્ય વિજયસિંહ મોહિતે પાટીલના પુત્ર છે. રણજિતસિંહ મોહિતે પાટીલ ૨૦૦૯થી ૨૦૧૨ દરમ્યાન રાજ્યસભાના સભ્ય હતા. વળી તે એનસીપીના પહેલા અધ્યક્ષ હતા. એ ઉપરાંત સોલાપુર મધ્યવર્તી બૅન્કના અધ્યક્ષ પણ હતા.

ડૉક્ટર અજિત ગોપછડે : જાણીતા ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર અજિત ગોપછડે બીજેપીની મેડિકલ પાંખના પ્રાદેશિક સંયોજક છે. તત્કાલીન ફડણવીસ સરકારે તેમને મહારાષ્ટ્ર વૈદ્યકીય પરિષદમાં મરાઠવાડાનું પ્રતિનિધિત્વ આપતાં તેમને પ્રથમ પસંદગી આપી હતી.
પ્રવીણ દટકે : દેવેન્દ્ર ફડણવીસની નજીકના ગણાતા આ નેતાને નાગપુર બીજેપીની જવાની જવાબદારી સોંપાઈ હતી. એ ઉપરાંત તે નાગપુરના મેયર પણ રહી ચૂક્યા છે. હાલમાં દેવેન્દ્ર ફડણવીસને ટ્રોલ કરાતાં પ્રવીણ દટકેએ પોલીસ-કમિશનરની મુલાકાત લઈ ટ્રોલ કરનાર પર પગલાં લેવા રજૂઆત કરી હતી.

mumbai mumbai news ajit pawar bharatiya janata party