ગૃહિણીઓ માટે ખુશખબર : શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો કડાકો બોલાયો

08 January, 2021 09:23 AM IST  |  Mumbai | Rohit Parikh

ગૃહિણીઓ માટે ખુશખબર : શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો કડાકો બોલાયો

ગૃહિણીઓ માટે ખુશખબર : શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો કડાકો બોલાયો

કોરોના મહામારીમાં લાખો લોકોએ નોકરી ગુમાવવી પડી હોવાથી તેમને પોતાનો ઘરસંસાર ચલાવવો ભારી પડી રહ્યો છે ત્યારે શિયાળામાં વધી ગયેલા શાકભાજીના ભાવ આખરે નીચે આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ નીચા હોય છે, પરંતુ આ વર્ષે ભાવ જોઈએ એવા નીચા નહોતા આવ્યા, પણ છેલ્લા થોડા દિવસથી નવી મુંબઈની શાકમાર્કેટમાં આવક સારી થતાં શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો કડાકો બોલાયો છે.
નવી મુંબઈની એપીએમસી હોલસેલ શાકમાર્કેટમાં વટાણાની આવક પંદર દિવસમાં વધી જતાં વટાણા સહિત બધા જ શાકભાજીના ભાવોમાં ૩૦થી ૪૦ ટકાનો કડાકો બોલી ગયો છે. વટાણા દરેક કમ્યુનિટીમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. આથી હંમેશાં તેની માગ ભરપૂર રહે છે. વટાણાની આવક વધતાં તેની સાથે અન્ય શાકના ભાવો પણ ઘટી જાય છે. હજી બે મહિના સુધી હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થતો રહેશે.
આ માહિતી આપતાં નવી મુંબઈની એપીએમસી હોલસેલ શાકમાર્કેટના ડિરેક્ટર શંકર પિંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વટાણાનો સારો પાક થવાથી રોજની ૪૦થી ૫૦ ટ્રકો એટલે કે ૪૦૦થી ૫૦૦ ક્વિન્ટલ વટાણા નવી મુંબઈમાં ઊતરે છે. પંદર દિવસ પહેલાં વટાણા હોલસેલ માર્કેટમાં ૨૦થી ૨૫ રૂપિયે કિલો વેચાતા હતા. જ્યારે હવે એ ભાવ ઘટીને ૧૬થી ૨૦ રૂપિયા કિલોનો થઈ ગયો છે.’
ગઈ કાલના હોલસેલ માર્કેટના શાકભાજીના ભાવ વટાણા ૧૬ રૂપિયા કિલો, ટમેટાં ૧૦ રૂપિયા, ચોળી અને ફણસી ૨૦ રૂપિયા, ભીંડા ૩૦ રૂપિયા, ફ્લાવર આઠ રૂપિયા, કોબી ચાર રૂપિયા, રીંગણાં ૨૦ રૂપિયા, ગુવાર ૩૫ રૂપિયા, પાપડી ૨૪ રૂપિયા, કાકડી છ રૂપિયા, કારેલાં ૨૮ રૂપિયા અને બીટ આઠ રૂપિયા કિલો ચાલી રહ્યા છે.

mumbai mumbai news