એપીએમસીના વેપારીઓના ખરા અર્થમાં પૂરાં થયાં કમુરતાં

16 January, 2021 10:25 AM IST  |  Mumbai | Rohit Parikh

એપીએમસીના વેપારીઓના ખરા અર્થમાં પૂરાં થયાં કમુરતાં

ફાઈલ તસવીર

કેન્દ્ર સરકારે જૂન મહિનામાં લાગુ કરેલાં ત્રણ કૃષિ બિલ પર સુપ્રીમ કોર્ટે ૧૨ જાન્યુઆરીએ સ્ટે આપ્યા બાદ તરત જ ૧૩ જાન્યુઆરીથી અમલમાં આવે એ રીતે નવી મુંબઈની એપીએમસીએ થાણે, ભાઈંદર, એમઆઇડીસી, મુંબઈ, ડોમ્બિવલી, કલ્યાણ જેવાં ૩૪ ગામડાંઓ પર ફરી એક વાર એપીએમસી નિયમન ફી લાગુ કરી દીધી છે.

એપીએમસીના આ નિર્ણયથી એપીએમસી માર્કેટના વેપારીઓમાં મંદીના સમયમાં એક નવી ચેતનાનો સંચાર થયો છે એમ જણાવતાં એપીએમસીના વેપારીઓ કહે છે કે ‘૬ મહિનાથી અમને અમારો બિઝનેસ મૃતપ્રાય થતો દેખાતો હતો, પરંતુ મહારાષ્ટ્ર સરકારના બધી માર્કેટ માટેના એકસમાન કાયદાથી અમને અને અમારા બિઝનેસને બહુ મોટું જીવતદાન મળ્યું હોય એવી અમને અનુભૂતિ થઈ છે.’

નવાં કૃષિ બિલ પછી એપીએમસીની હદ બહાર માલ ડાયરેક્ટ વેચાતો હતો. જ્યારે એપીએમસીના વેપારીઓ પર એપીએમસીનો સેસ લાગતો હોવાથી અને બીજા જાળવણી ખર્ચને કારણે એકંદર માલની કિંમત વધી જતી હોવાથી અમારા બિઝનેસ પર ૫૦ ટકા ફટકો પડ્યો તો એમ જણાવતાં ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના જનરલ સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એપીએમસી માર્કેટના વેપારીઓ અને માર્કેટની બહારના વેપારીઓ વચ્ચે ભાવની અસમાનતા સર્જાતાં અમારો બિઝનેસ ઘટી ગયો હતો. જોકે હવે મહારાષ્ટ્ર સરકારે બધા જ વેપારીઓ પર એપીએમસી-ચાર્જ લેવાની શરૂઆત કરતાં અને કોઈ વેપારી ડાયરેક્ટ માલ વેચી શકશે નહીં એવો નિર્ણય લેતાં અમને હવે વેપાર વધવાના ઊજળા સંજોગ દેખાય છે. અમારી સાથે સંકળાયેલા અનેક લોકોને પણ લાભ થશે અને રોજગાર સલામત થશે. જો કોઈ પણ વેપારી ડાયરેક્ટ માલ વેચશે તો એ વેપારી પર એપીએમસીની વિજિલન્સ ટીમ કડક કાર્યવાહી કરશે.’

મહારાષ્ટ્ર સરકાર દ્વારા રીટેલ પૉલિસી ૨૦૧૬ અંતર્ગત મૉલ, મલ્ટિનૅશનલ કંપનીઓ અને ઈ-કૉમર્સ એપીએમસી નિયમન-ફીથી મુક્ત છે. સરકારના ભેદભર્યા અને અસમાનતાના કાયદાઓથી પરંપરાગત હોલસેલ-રીટેલ વેપારને ગંભીર અસર પહોંચે છે એમ જણાવતાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ)ના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ કીર્તિ રાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે એપીએમસીએ જાહેર કરેલા એકસમાન કાયદાથી માર્કેટના વેપારીઓને ઘણા સમય પછી એક નવું આશાનું કિરણ દેખાયું છે. બિઝનેસમાં ઉન્નતિ અને વિકાસનો માર્ગ ખુલ્લો થયો છે. આનાથી મૃતપ્રાય તરફ જઈ રહેલી માર્કેટને અને માર્કેટના વેપારીઓને જીવતદાન મળ્યું છે એવી અનુભૂતિ થઈ છે.’

ટ્રેડ-ઍનલિસ્ટ અને બ્રોકર દેવેન્દ્ર વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારની ઉદ્ધવ ઠાકરેની સરકારે અમારી ૬ મહિનાની મહેનત અને વાર્તાલાપ સામે એપીએમસી માર્કેટ માટે સકરાત્મક વલણ અપનાવીને વેપારીઓને મંદીના સમયમાં બહુ જરૂરી ટેકો આપ્યો છે અને એ માટે તેમનો આભાર માનીએ એટલો ઓછો છે. એપીએમસીના નવા નિર્ણયથી વેપારીઓના ‌બિઝનેસમાં ૨૫થી ૩૦ ટકા વૃદ્ધિની પૂરેપૂરી સંભાવના છે.’ 

mumbai mumbai news apmc market