26 September, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ટૂંક સમયમાં શરૂ થનારા નવી મુંબઈ ઍરપોર્ટ અને મુંબઈ ઍરપોર્ટ વચ્ચે કનેક્ટિવિટી માટે મેટ્રો 8 શરૂ કરવામાં આવશે. એ ગોલ્ડન લાઇન તરીકે ઓળખાશે. સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO)એ મેટ્રો 8 પ્રોજેક્ટના રિવ્યુ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપથી આગળ વધારવામાં આવશે.
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA)ને નવી મુંબઈ સાથે જોડતી મેટ્રો 8 ૩૫ કિલોમીટરના માર્ગને આવરી લેશે. એનો પ્રોજેક્ટખર્ચ અંદાજે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા છે. આ મેટ્રોને લીધે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે અંતર ઓછું થશે. અત્યારે બન્ને ઍરપોર્ટ વચ્ચેનું અંતર કાપતાં દોઢથી બે કલાક થાય છે. ગોલ્ડન લાઇન મેટ્રો એક ઍરપોર્ટથી બીજા ઍરપોર્ટ પર માત્ર ૩૦ મિનિટમાં પહોંચાડે એવી શક્યતા છે. પ્રોજેક્ટ શરૂ થયા બાદ ૬ વર્ષમાં આ લાઇન પર મેટ્રો દોડશે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં મેટ્રો 8નું કામ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) હાથ ધરશે, જ્યારે CIDCO વિસ્તારમાં CIDCO દ્વારા મેટ્રો કન્સ્ટ્રક્શન કરવામાં આવશે.
મેટ્રો 8 અંધેરીથી નવી મુંબઈ સુધી ચલાવવામાં આવશે. મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ 2થી છેડાનગર સુધી અન્ડરગ્રાઉન્ડ રહેશે. એમાં કુર્લા, LTT અને વાશી જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. CIDCOના DPR મુજબ મેટ્રો 1Aને મેટ્રો 8 સાથે સાગર સંગમ ખાતે કનેક્ટ કરવામાં આવશે.