સોનાના ભાવ ભલે વધે, પરંતુ વિઘ્નહર્તાને કોઈ વિઘ્ન નહીં

29 August, 2012 05:53 AM IST  | 

સોનાના ભાવ ભલે વધે, પરંતુ વિઘ્નહર્તાને કોઈ વિઘ્ન નહીં

સોના-ચાંદીના ભાવ આકાશને આંબ્યા હોવા છતાં શહેરમાં આવેલાં વિવિધ ગણેશમંડળો ગણપતિની મૂર્તિને સોના-ચાંદી વડે મઢાવવામાં વ્યસ્ત છે. ભગવાનની મૂર્તિના હાથ-પગ ઉપરાંત કેટલાંક મંડળો બાપ્પાને બેસવા માટેની ગાદીને કીમતી ધાતુ વડે મઢાવી રહ્યાં છે. આ માટે મંડળ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યાં છે. શહેરનું સૌથી સમૃદ્ધ ગણાતું ગણેશમંડળ કિંગ્સ સર્કલ પાસેનું ગૌડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળ છે જ્યાં ગણપતિ માત્ર પાંચ દિવસના હોય છે. એમ છતાં મૂર્તિના બે હાથ અઢી કિલોના સોનાના બનાવવા પાછળ મંડળે ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ મંડળ પાસે કુલ ૭૦ કિલો જેટલું સોનું છે. એ માટે તેમણે આ વર્ષે પોતાના ઇન્શ્યૉરન્સ કવરને ૨૨૨ કરોડથી વધારીને ૨૨૪ કરોડ રૂપિયા કરવું પડ્યું છે.

ચિંચપોકલીના ગણેશમંડળે સાત લાખ રૂપિયાના ખર્ચે આઠ કિલો ચાંદી તથા ૨૦૦ ગ્રામ સોનાની મદદથી ગણેશમૂર્તિના પગ બનાવ્યા છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પાસે આવેલા ર્ફોટચા રાજા ગણેશમંડળે આઠ લાખ રૂપિયાના ખર્ચે સાડાત્રણ કિલો ચાંદી તથા ૩૦૦ ગ્રામ સોનાની મદદથી મૂર્તિ માટેનું સિંહાસન બનાવ્યું છે. ર્ફોટચા રાજા ગણેશમંડળના પ્રમુખ રવિ સુર્વેએ કહ્યું હતું કે સોનું ખૂબ મોંઘું થયું હોવાથી ચાંદીનું સિંહાસન બનાવીને એને સોનાથી મઢાવ્યું છે.