મીરા રોડમાં બંધ ઘરનો દરવાજો ખોલીને‌ તિજોરીમાંથી સોનાના દાગીનાની થઈ ચોરી

17 April, 2024 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ‌પરિવાર છેલ્લા ૬૦ દિવસથી માતા-પિતા પાસે ગામમાં ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

મીરા રોડમાં કા‌શીગાંવના વિનયનગરમાં આવેલા જે. કે. આઇ​રિશ નામના બિ‌‌લ્ડિંગમાં રહેતાં ૪૬ વર્ષનાં રૂપાલી મહેતાના ઘરનો દરવાજો ખોલીને તિજોરીમાંથી ૧,૬૦,૦૦૦ રૂ‌પિયાની કિંમતના દાગીના અને વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. રૂપાલી મહેતા બહારગામથી સોમવારે પાછાં આવ્યાં ત્યારે તેમને ચોરીની જાણ થઈ હતી. કાશીગાંવ પોલીસ કેસ નોંધીને તપાસ કરી રહી છે. 
કાશીગાંવ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર માણિક પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ‌પરિવાર છેલ્લા ૬૦ દિવસથી માતા-પિતા પાસે ગામમાં ગયો હતો. તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે કબાટમાં રહેલી તિજોરી તૂટેલી જોવા મળી હતી. ચોર ઘરની ડુ​પ્લિકેટ ચાવી બનાવીને અંદર ગયો હતો કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે દરવાજો તોડીને ચોર અંદર ગયો હોય એ જોવા મળ્યું નથી. ઘરની અંદર રહેલી કબાટની તિજોરીને તોડીને એમાંથી સોના-ચાંદીના દાગીના, વસ્તુઓ એમ ૧,૬૦,૦૦૦ રૂ‌પિયાની ચોરી થઈ છે. આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજથી લઈને વિવિધ રીતે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે ચોરી કયા દિવસે થઈ એ પણ માહિતી નથી. પોલીસ આસપાસ પૂછપરછ કરી રહી છે.’

mumbai news mira road thane crime mumbai crime news