26 February, 2026 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુલુંડમાં પિતાની સેવા કરવા રાખેલો કૅરટેકર જ નીકળ્યો ચોર, વેપારીના ઘરમાંથી ૧૦ લાખના સોનાના સિક્કા અને બ્રેસલેટ લઈ થયો ફરાર
મુલુંડ-વેસ્ટના જટાશંકર ડોસા રોડ પર આવેલા લોકએવરેસ્ટ કૉમ્પલેક્સમાં રહેતા અને લૉજિસ્ટિક્સનો વ્યવસાય કરતા ૪૫ વર્ષના વેપારીના ઘરેથી ૧૦ લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ મંગળવારે મુલુંડ પોલીસમાં નોંધાઈ હતી. આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વેપારીના ૭૮ વર્ષના પિતાની સારસંભાળ અને ઇલાજ માટે રાખવામાં આવેલા કૅરટેકરે નજર ચૂકવીને દાગીના તફડાવી લીધા છે. હાલમાં મુલુંડ પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેક્નિકલ માહિતીના આધારે કૅરટેકરની શોધખોળ અને વધુ તપાસ તેજ કરી છે.
મુલુંડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીના પિતાને ૨૦ નવેમ્બરે બ્રેઇન-સ્ટ્રોક આવ્યો હતો જેના બાદ તેમને સંપૂર્ણ સમયના કૅરટેકરની જરૂર પડી હતી. તેથી ૨૫ નવેમ્બરથી એક કૅરટેકર રાખવામાં આવ્યો હતો. તે પેશન્ટના બેડરૂમમાં જ રહેતો હતો. ૪ ફેબ્રુઆરીએ તે પોતાની પત્ની બીમાર હોવાનું કહી નોકરી છોડીને વતન પરત ગયો હતો. ૧૯ ફેબ્રુઆરીએ ફરિયાદીએ કબાટ ખોલતાં બ્રીફકેસમાંથી ૧૬ સોનાના સિક્કા અને બ્રેસલેટ ગાયબ હોવાનું જણાયું હતું. ઘરમાં શોધખોળ છતાં દાગીના મળ્યા નહોતા. કુલ મળીને ૧૬ સિક્કાની કિંમત અંદાજે ૮ લાખ અને બ્રેસલેટની કિંમત ૨ લાખ મળીને ૧૦ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ખાતરી થતા ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધ કરાવી હતી. ફરિયાદીએ કૅરટેકરે જ દાગીના ચોરી કર્યા હોવાની શંકા વ્યક્ત કરી છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’