૨૭૦૦ રૂપિયામાં ટીવીની ટ્રૉલી વેચવા જતાં ૪૮,૦૦૦ ગુમાવ્યા

22 November, 2021 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૈસા મળે છે કે નહીં એ ચેક કરવાનું મહિલાને કહીને ફ્રૉડસ્ટર પૈસા મોકલવાનું કહેતો રહ્યો અને તે તેની માયાજાળમાં ફસાઈને મોકલતી રહી

૨૭૦૦ રૂપિયામાં ટીવીની ટ્રૉલી વેચવા જતાં ૪૮,૦૦૦ ગુમાવ્યા

આજકાલના ક્રિમિનલ માઇન્ડેડ લોકોની યુક્તિ-પ્રયુક્તિથી બિછાવેલી જાળમાંથી ભણેલા લોકો પણ બચી શકતા નથી અને ક્યારેક હજારો તો ક્યારેક લાખો રૂપિયા ગુમાવી દેતા હોય છે. ટ્રૉમ્બે પોલીસ સ્ટેશનની હદમાં ૫૩ વર્ષની એક મહિલાએ આવી જ ક્રિમિનલ માઇન્ડેડ વ્યક્તિની માયાજાળમાં ફસાઈને ઓએલએક્સ પર વેચવા કાઢેલી ટીવીની ટ્રૉલીના ૨૭૦૦ રૂપિયા વસૂલ કરવાને બદલે ૪૮,૦૦૦ રૂપિયા ગુમાવ્યા હતા. પૈસા ગુમાવ્યા પછી હતાશ થયેલી તે મહિલાએ એક અઠવાડિયામાં અનેક ધક્કા ખાધા પછી પોલીસે ગઈ કાલે તેની ફરિયાદ નોંધી હતી. 
આ મહિલાએ શનિવાર, ૧૩ નવેમ્બરે ટીવીની ટ્રૉલી વેચવા માટે ઓએલએક્સ પર જાહેરાત આપી હતી. આ જાહેરાતની સામે તે મહિલા પર એ જ દિવસે સાંજના પાંચ વાગ્યે વિકાસકુમાર નામની વ્યક્તિનો તેના મોબાઇલ નંબર 84530 22725 પરથી ફોન આવ્યો હતો. વિકાસકુમારે તે વાશીના સેક્ટર ૩૦માં રહે છે એમ કહીને ટ્રૉલી ખરીદવાની વાત શરૂ કરી હતી. ત્યાર પછી વિકાસકુમારે મહિલા સાથે તેના બીજા મોબાઇલ નંબર 81349 44181 પરથી વૉટ્સઍપ પર ચૅટિંગ કરીને કહ્યું હતું કે તે રીસેલર ન હોવાથી ફેડરલ બૅન્કના મર્ચન્ટ કાર્ડથી પેમેન્ટ કરશે. ત્યાર પછી યુવતીએ અને વિકાસકુમારે તેમની બૅન્ક-ડિટેલ્સ એકબીજાને મોકલી હતી. વિકાસકુમારે બીજા દિવસે સવારે આઠ વાગ્યે ફોન કરીને ટ્રૉલીનો સોદો ૨૭૦૦ રૂપિયામાં નક્કી કર્યો હતો. 
આ સોદો નક્કી થયા પછી હું વિકાસકુમારની જાળમાં ફસાતી ગઈ હતી એમ જણાવતાં આ યુવતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિકાસકુમારે મને કહ્યું કે તને પૈસા મળે છે કે નહીં એ ચેક કરી લઈએ. એથી મેં તેને એક રૂપિયો મોકલ્યો જેની સામે તેણે મને બે રૂપિયા મોકલ્યા હતા. તેણે મને કહ્યું કે જ્યાં સુધી તું મને પૈસા મોકલે નહીં ત્યાં સુધી હું આ મર્ચન્ટ કાર્ડથી તને પૈસા મોકલી શકીશ નહીં. તેણે મને ટ્રૉલીનું પેમેન્ટ ૨૬૯૯ રૂપિયા કરવાને બદલે મને ૨૬૯૯ રૂપિયા મોકલવાનું કહ્યું. મને એક પળ માટે પણ વિચાર ન આવ્યો કે મારે કેમ તેને પૈસા મોકલવાના? આમ છતાં હું તેની જાળમાં ફસાતી ગઈ અને મેં ૨૬૯૯ રૂપિયા મોકલ્યા હતા. તેણે કહ્યું કે હું જ્યાં સુધી તેને ડબલ અમાઉન્ટ નહીં મોકલું ત્યાં સુધી તે મને પેમેન્ટ કરી શકશે નહીં. એટલે મેં તેને ત્યાર પછી મેં ૫૩૯૮ રૂપિયા મોકલ્યા. મનમાં હું કંઈક ભૂલ કરું છું એવી પ્રતીતિ થવા છતાં તેના કહ્યા પ્રમાણે મેં તેને ૧૦,૭૩૬ રૂપિયા મોકલ્યા હતા. તેણે ફરી કહ્યું કે મને મળ્યા નથી, તું મોકલીશ તો જ હું તને પાછા રૂપિયા આપી શકીશ. તે મને સતત મળ્યા નથી, મળ્યા નથી એમ કહેતો રહ્યો અને તેની પાસેથી ૨૬૯૯ લેવાને બદલે હું તેને ૨૪,૨૯૧ રૂપિયા મોકલી ચૂકી હતી. તેની પાસેથી ૨૬૯૯ રૂપિયા લેવાને બદલે હું જ તેને મારા અકાઉન્ટમાંથી પૈસા ચૂકવતી રહી. મારી બધી રકમ તેના આઇડીએફસી બૅન્કના અકાઉન્ટ નંબરમાં મોકલી હતી.   
એક સમય એવો આવ્યો કે હું અને મારા મિસ્ટર બંને તેના પર ભડકી ગયાં હતાં એમ જણાવતાં યુવતીએ કહ્યું હતું કે ‘અમે તેને કહ્યું કે અમે તારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરીશું. ત્યાં સુધીમાં તો હું તેને ૪૮,૫૮૨ રૂપિયા મોકલી ચૂકી હતી. અમે તેને પોલીસમાં ફરિયાદની ધમકી આપી તો કહે કે કરો પોલીસ ફરિયાદ. એમ કહીને તેણે ફોન મૂકી દીધો હતો. ત્યારથી આજ સુધી તેના બંનેમાંથી એક પણ મોબાઇલ લાગતા નથી. એથી કંટાળીને મેં પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે પહેલાં તો ફક્ત મારી પાસે ઍપ્લિકેશન લીધી હતી. ગઈ કાલે સવારે ટ્રૉમ્બે પોલીસે અજાણી વ્યક્તિ સામે છેતરપિંડીનો કેસ નોંધીને મારો એફઆઇઆર લીધો હતો.’ 
મેં ઘણા ઑનલાઇન ફ્રૉડના કિસ્સા મીડિયામાં વાંચ્યા છે એમ જણાવતાં આ મહિલાએ કહ્યું હતું કે આમ છતાં હું એક નવા પ્રકારના ફ્રૉડમાં ફસાઈને ૪૮,૫૮૨ રૂપિયા લૂંટાવી ચૂકી હતી. 
આ બાબતે ટ્રૉમ્બે પોલીસના તપાસ અધિકારીનો કોશિશ કરવા છતાં સંપર્ક નહોતો થયો. 

Mumbai mumbai news