ન્યુઝપેપર ફેરિયાઓને સોસાયટીમાં એન્ટ્રી આપો

04 October, 2020 11:59 AM IST  |  Mumbai | Mumbai correspondent

ન્યુઝપેપર ફેરિયાઓને સોસાયટીમાં એન્ટ્રી આપો

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના સંકટમાં લોકો બહારથી આવતી દરેક વસ્તુને અડકવામાં જોખમ જોઈ રહ્યા હોવાથી મોટા ભાગની સોસાયટી ન્યુઝપેપર વિતરણ કરનારાઓને સોસાયટીમાં પ્રવેશ નથી આપતી. અખબારને લીધે કોરોના ન ફેલાતો હોવાથી વિતરકોને સોસાયટીઓમાં પ્રવેશ આપવો જોઈએ એવી માગણી મુંબઈ જિલ્લા સહકારી હાઉસિંગ ફેડરેશનના અધ્યક્ષે કરી છે. ન્યુઝપેપર અેસેન્સિયલ સર્વિસમાં આવતા હોવાથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા દેવાની માગણી પણ કરાઈ છે.
લૉકડાઉનના સમયમાં કેટલાક સમય સુધી અખબારો પ્રકાશિત નહોતાં થતાં અને છાપાંના વિતરકોને ઘરોમાં જવાની પરવાનગી નહોતી. જોકે હવે તેમને ઘરોમાં જઈને અખબારનું વિતરણ કરવાની પરવાનગી અપાઈ છે.
આમ છતાં, કેટલીક સોસાયટીઓમાં તેમને રોકવામાં આવી રહ્યા છે. તેમને સોસાયટીમાં સિક્યૉરિટી પાસે અખબારો મૂકવા પડે છે, જેમાં છાપાંઓ લોકોને મળતાં નથી, પડ્યાં-પડ્યાં ખરાબ થઈ જાય છે અને લોકોને અખબાર લેવા માટે નીચે ઊતરવું પડે છે. આનાથી મુશ્કેલી ઊભી થતી હોવાની ફરિયાદ મળી રહી હોવાથી અસોસિએશનના અધ્યક્ષ રમેશ પ્રભુ અને ફેડરેશનના અધ્યક્ષ પ્રકાશ દરેકરે સોસાયટીઓને આહવાન કર્યું છે કે છાપાંના વિતરકોને અંદર આવવા દે.
મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશનના અધ્યક્ષ રમેશ પ્રભુએ કહ્યું હતું કે ‘અત્યારે ૩૦ ટકા સોસાયટી છાપાં વિતરકોને પરવાનગી આપે છે. પહેલાં જ્યારે બધુ બંધ હતું ત્યારે ઠીક હતું, પરંતુ હવે જ્યારે અનલૉક કરી દેવાયું છે ત્યારે કોઈ જગ્યાએ છાપાંના વિતરકોને પ્રવેશ ન આપવા બાબતે આદેશ નથી. આથી સોસાયટીઓએ તેમને રોકવા ન જોઈએ.’
મુંબઈ જિલ્લા સહકારી હાઉસિંગ ફેડરેશનના અધ્યક્ષ પ્રકાશ દરેકરે કહ્યું હતું કે ‘બીજા કામગારોની જેમ અખબારનું વેચાણ કરનારાઓને સોસાયટીમાં આવતા રોકવા એ કાયદાકીય રીતે યોગ્ય નથી. તેમને ઘર સુધી જવા દેવા જોઈએ. રાજ્ય સરકારે બે મહિના પહેલાં આ પ્રકારનો આદેશ આપ્યો હતો. છાપાંઓને લીધે કોરોના ફેલાતો ન હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે.’

mumbai mumbai news