આંદોલનમાં જે ખેડૂતોનાં મોત થયા તેમને પીએમ કેર ફંડમાંથી વળતર આપો : સંજય રાઉત

21 November, 2021 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા, રાઉતે દાવો કર્યો હતો કે દિલ્હી નજીક વિરોધ સ્થળ પર ઘણા ખેડૂતો મૃત્યુ પામ્યા હત.

ફાઇલ ફોટો

શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે ત્રણ વિવાદિત કૃષિ કાયદા સામે વર્ષભરના વિરોધ પ્રદર્શન દરમિયાન 700થી વધુ ખેડૂતોના મોત થયા હતા. સંજય રાઉતે માગ કરી હતી કે મૃતકના પરિજનોને પીએમ કેર ફંડમાંથી આર્થિક સહાય આપવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્રએ બે દિવસ પહેલાં ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી.

મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા, રાઉતે દાવો કર્યો હતો કે દિલ્હી નજીક વિરોધ સ્થળ પર ઘણા ખેડૂતો મૃત્યુ પામ્યા હતા, જ્યારે કેટલાકે આત્મહત્યા કરી હતી અને અન્ય પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા. લખીમપુર ખેરીમાં કેટલાકને કચડી નાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ તમામ લોકો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

રાઉતે કહ્યું કે “સરકારને હવે તેની ભૂલનો અહેસાસ થયો છે અને તેણે કૃષિ કાયદાને પાછો ખેંચી લીધો છે. દેશના વિવિધ ભાગોમાંથી એવી માગણી ઊઠી છે કે જીવ ગુમાવનારા ખેડૂતોના પરિવારોને આર્થિક વળતર આપવામાં આવે.” રાઉતે કહ્યું કે “પીએમ કેર ફંડમાં બિનહિસાબી નાણાં પડ્યાં છે. આ નાણાંનો ઉપયોગ મૃતક ખેડૂતોના સંબંધીઓ માટે એક્સ-ગ્રેશિયા તરીકે થવો જોઈએ.”

વડાપ્રધાનના ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે “માત્ર ખેડૂતોની માફી માગવી પૂરતી નથી. તેમના પરિવારોને ટેકો આપવો મહત્ત્વપૂર્ણ છે.” સર્જરી બાદ હોસ્પિટલમાં સ્વસ્થ થઈ રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્ય વિશે પૂછવામાં આવતા રાઉતે કહ્યું કે “ઠાકરેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. મેં ગઈકાલે (શનિવારે) ઉદ્ધવજી સાથે વાત કરી હતી. અમને લાગે છે કે તેમણે સંપૂર્ણ સ્વસ્થ થવું જોઈએ અને પછી કામ પર પાછા ફરવું જોઈએ.”

mumbai news mumbai sanjay raut