એસએસસીમાં આ વર્ષે પણ છોકરીઓ ઝળકી

18 June, 2022 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરીક્ષામાં બેસેલા ૧૬.૩૮ લાખ સ્ટુડન્ટ્સમાંથી ૯૬.૯૪ ટકા પાસ થયા : ૯૭.૯૬ ટકા છોકરીઓ તો ૯૬.૦૬ ટકા છોકરાઓ પાસ થયા : ૧૨૨ સ્ટુડન્ટ્સે ૧૦૦ ટકા માર્ક મળ્યા: ૨૯ સ્કૂલનું રિઝલ્ટ ઝીરો

દાદરની બાલમોહન વિદ્યામંદિરના આયુષ પાટીલને ૯૯.૪૦ ટકા આવ્યા છે.

મહારાષ્ટ્ર એસએસસી બોર્ડની પરીક્ષાનું ગઈ કાલે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષામાં બેસેલા કુલ ૧૬,૩૮,૯૬૪ લાખ સ્ટુડન્ટ્સમાંથી ૯૬.૯૪ ટકા પાસ થયા હતા. આ વર્ષે પણ છોકરાઓ કરતાં છોકરીઓએ એસએસસીમાં બાજી મારી છે. ૯૭.૯૬ ટકા છોકરીઓ તો ૯૬.૦૬ ટકા છોકરાઓ પાસ થયાં છે. એટલે કે છોકરાઓ કરતાં ૧.૦૯ ટકા વધુ છોકરીઓ પાસ થઈ છે.

12210
રાજ્યભરની ૨૨,૯૨૧ સ્કૂલના સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી. એમાંથી આટલી સ્કૂલોનું રિઝલ્ટ ૧૦૦ ટકા રહ્યું છે.

1568977
રાજ્યના એસએસસી બોર્ડની પરીક્ષામાં કુલ આટલા વિદ્યાર્થીઓ બેઠા હતા 

1521003
કુલ બેસેલા સ્ટુડન્ટ્સમાંથી આટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે

889506
આટલા છોકરાઓએ પરીક્ષા આપી હતી

749458
આટલી છોકરીઓએ પરીક્ષા આપી હતી

29
રાજ્યની આટલી સ્કૂલોનો એક પણ વિદ્યાર્થી પાસ થયો ન હોવાથી આ સ્કૂલોનું રિઝલ્ટ ઝીરો રહ્યું છે.

99.27 ટકા

રાજ્યનાં તમામ ડિવિઝનોમાં કોંકણના સૌથી વધુ આટલા સ્ટુડન્ટ્સ પાસ થયા છે, જ્યારે નાશિકના સૌથી ઓછા એટલે કે ૯૫.૯૦ સ્ટુડન્ટ્સ પાસ થયા છે. પુણેના ૯૬.૯૬ ટકા, નાગપુરના ૯૭ ટકા, ઔરંગાબાદના ૯૬.૩૩ ટકા, મુંબઈના ૯૬.૯૪ ટકા, કોલ્હાપુરના ૯૮.૫૦ ટકા, લાતુરના ૯૭.૨૭ ટકા, અમરાવતીના ૯૬.૮૧ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે.

82060
રાજ્યમાં આટલા સ્ટુડન્ટ્સે ૯૦ ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે.

20 જૂન

એસએસસીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવા માગતા હોય તો તેઓ આ દિવસથી પરીક્ષાનું ફૉર્મ ભરી શકશે. પરીક્ષા ૨૭ જુલાઈથી ૧૨ ઑગસ્ટ દરમ્યાન ચાલશે. આવી જ રીતે એચએસસીમાં ફરીથી પરીક્ષા આપવા માગતા સ્ટુડન્ટ્સ પરીક્ષાનું ફૉર્મ ભરી શકશે જે શરૂ થઈ ગયું છે. પરીક્ષા ૨૧ જુલાઈથી ૧૨ ઑગસ્ટ દરમ્યાન લેવામાં આવશે.

112
એસએસસીની પરીક્ષા દરમ્યાન આટલા સ્ટુડન્ટ્સે ચોરી કે બીજી ગરબડ કરી હતી. એક ડમી તો ૭૯ વિદ્યાર્થી ચોરી કરતાં પકડાયા હતા. ૩૨ સ્ટુડન્ટ્સે આન્સર પેપરમાં ધમકી, વિનંતી કરવાની સાથે પેપર ફાડવા સહિતનાં પરાક્રમો કર્યાં હતાં. 

122
રાજ્યભરના આટલા સ્ટુડન્ટ્સે ૧૦૦ ટકા માર્ક્સ મેળવ્યા હતા. એમાં સૌથી વધુ લાતુરના ૭૦, ઔરંગાબાદના ૧૮, કોલ્હાપુરના ૧૮, અમરાવતીના ૮, પુણેના પાંચ તથા મુંબઈ-નાશિક-કોંકણના એક-એક સ્ટુડન્ટનો સમાવેશ થાય છે. નાગપુર ડિવિઝનમાં એક પણ સ્ટુડન્ટે ૧૦૦ ટકા નથી મેળવ્યા.

એફવાયજેસીનું ઍડ‍્મિશન શરૂ થઈ ગયું છે

એસએસસીનું રિઝલ્ટ ભલે ગઈ કાલે આવ્યું હોય, પરંતુ એફવાયજેસીમાં ઍડ‍્મિશન લેવા માટેનું સ્ટુડન્ટ્સનું રજિસ્ટ્રેશન ૩૦ મેથી શરૂ કરી દેવામાં આવ્યું છે. એમએમઆર રીજનમાં માત્ર ઑનલાઇનથી જ ઍડ‍્મિશન આપવામાં આવશે એટલે જે સ્ટુડન્ટ્સે હજી સુધી રજિસ્ટ્રેશન ન કર્યું હોય તેઓ https://11thadmission.org.in આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી લે.

Mumbai mumbai news