ઝ્યાદા ગોલી ખાએંગે તો ક્યા હોગા?

31 August, 2012 05:43 AM IST  | 

ઝ્યાદા ગોલી ખાએંગે તો ક્યા હોગા?

‘ઝ્યાદા ગોલી ખાએંગે તો ક્યા હોગા?’ આ મેસેજ છે અંધેરી (ઈસ્ટ)માં શેર-એ-પંજાબ વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષની ગુજરાતી યુવતી રશ્મિ હસમુખ હરસોરાનો. તેણે બુધવારે બપોરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતાં પહેલાં તેની બેસ્ટ ફ્રેન્ડને આ મેસેજ કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે સુસાઇડ કેવી રીતે કરવું એ રશ્મિને આવડતું નહોતું એથી તેણે સુસાઇડ કરતાં પહેલાં કદાચ પોતાની બેસ્ટ ફ્રેન્ડને સુસાઇડ કેવી રીતે કરું એવું પૂછ્યું હતું. એમઆઇડીસી પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને કોઈ સુસાઇડ-નોટ નથી મળી.

એમઆઇડીસી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર દીપક બાગવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રશ્મિના એન્ગેજમેન્ટ હાલમાં જ થયા હતા અને ડિસેમ્બર મહિનામાં તેનાં લગ્ન થવાનાં હતાં. રશ્મિ રોજ તેના ફિયાન્સે સાથે ફોન પર વાત કરતી હતી અને તેઓ મળતાં પણ હતાં. બુધવારે સવારે પણ તેણે તેના ફિયાન્સેને ગુડ મૉર્નિંગ મેસેજ કરી બહાર ફરવા જવાનું નક્કી કર્યું હતું, પણ થોડા સમય બાદ તે ઘણી ડિપ્રેશનમાં આવી જતાં બહાર ફરવા જવાનું ટાળી દીધું હતું. બપોરે પોણાત્રણ વાગ્યે તેણે તેની બેસ્ટ ફ્રેન્ડને વધારે ગોળી ખાઈ લેવાથી શું થાય એવું પૂછ્યું હતું, પણ તેની ફ્રેન્ડે આ મેસેજનો કોઈ પણ રિપ્લાય આપ્યો નહોતો. તેને કદાચ સુસાઇડ કરવું હતું, પણ તે સુસાઇડ કેવી રીતે કરવું એ વિશે કન્ફ્યુઝ્ડ હતી. સૌપ્રથમ તેણે ગોળી ખાઈને સુસાઇડ કરવાનું નક્કી કર્યું હોઈ શકે, પણ ફ્રેન્ડનો કોઈ પણ રિપ્લાય ન આવતાં તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.’

રશ્મિના પિતા હસમુખભાઈએ પોલીસને કહ્યું હતું કે ‘બુધવારે સવારે અગિયાર વાગ્યે હું મારી પત્ની સાથે શૉપિંગ કરવા ગયો હતો એ વખતે રશ્મિ ઘરમાં એકલી હતી. અમે બપોરે ત્રણ વાગ્યે ઘરે પાછાં આવ્યાં એ વખતે દરવાજો ખટખટાવતાં રશ્મિએ દરવાજો નહોતો ખોલ્યો એથી અમે બારીમાંથી ઘૂસીને દરવાજો ખોલ્યો ત્યારે રશ્મિ પંખા પર તેની ઓઢણી વડે ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવી હતી. અમે તેને તરત હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત ઘોષિત કરી હતી.’

એમઆઇડીસી = મહારાષ્ટ્ર ઇન્ડક્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન