કુર્લાની અપહ્યત કિશોરીનો ઘાટકોપરમાંથી ગણતરીના કલાકોમાં છુટકારો

16 August, 2019 11:30 AM IST  |  મુંબઈ

કુર્લાની અપહ્યત કિશોરીનો ઘાટકોપરમાંથી ગણતરીના કલાકોમાં છુટકારો

પ્રતિકાત્મક તસવીર

કુર્લા-પશ્ચિમના વિનોબા ભાવે નગરમાં રહેતી એક કિશોરીનું અપહરણ કરીને તેને ઘાટકોપરના સર્વોદય નગરમાં ગોંધી રાખનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લઈને ઘાટકોપરની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૭એ કિશોરીનો છુટકારો કરાવ્યો હતો. માતા-પિતા સાથે ઝઘડો કરીને ઘરેથી નીકળેલી કિશોરીને ફોસલાવીને આરોપી રિક્ષામાં તેની દાદીના ઘરે ઘાટકોપર લઈ આવ્યો હતો. આરોપી સગીર છે અને અગાઉ જાન્યુઆરી ૨૦૧૯માં અપહરણ, સામૂહિક બળાત્કાર અને પોક્સો હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કિશોરની ધરપકડ કરીને તેને બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૭ના પીએસઆઇ આનંદ બડગેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કુર્લાથી અપહરણ કરાયેલી કિશોરીને ઘાટકોપર-વેસ્ટના સર્વોદયનગર વિસ્તારમાં આવેલા વૈતકનગરના એક ઝૂંપડામાં રાખવામાં આવી હોવાની માહિતી અમને ખબરી પાસેથી મળી હતી. પ્રાપ્ત માહિતીના આધારે અમે પહેલાં અપહરણ કરનારની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ કિશોરીનો છુટકારો કરાવીને તેનાં માતા-પિતાને સોંપી દીધી હતી.’
બગડેએ વધુમાં જણાવ્યું હતું કે માતા-પિતા સાથે ઝઘડો કરીને કિશોરી કુર્લા સ્ટેશને બેઠી હતી ત્યારે તેની મુલાકાત આરોપી સાથે થઈ હતી. કિશોર તેને ફોસલાવીને રિક્ષામાં ઘાટકોપર તેની દાદીના ઘરે લઈ ગયો હતો. કિશોરે તેનું શારીરિક શોષણ પણ કર્યું હોવાનું કબૂલ્યું છે. જોકે કિશોરીને તેની ચુંગાલમાંથી છોડાવ્યા બાદ અમને જાણ થઈ હતી કે આરોપી કિશોર વયનો છે. અગાઉ શિવાજીનગર પોલીસ-સ્ટેશનની હદમાં અપહરણ, સામૂહિક બળાત્કાર સહિત પોક્સો હેઠળ તેની ધરપકડ થઈ હતી.’
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૭ના ડીસીપી શહાજી ઉમાપ, અસિસ્ટન્ટ કમિશનર ડી-૧ (પૂર્વ) શેખર તોરે ઇન્ચાર્જ પીઆઇ સતીશ તાવરે, પીઆઇ મનીષ શ્રીધનકરના માર્ગદર્શન હેઠળ અધિકારી સંતોષ મસ્તુદ, નિધિ ધુમાળ, હવાલદાર મહેન્દ્ર કાલુષ્ટે અને ટીમે અપહરણનો કેસ ગણતરીના કલાકમાં ઉકેલીને કિશોરીને તેનાં માતા-પિતાને હવાલે કરી હતી. આ કેસમાં આરોપી સગીર હોવાથી તેને બાળ સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે.

kurla mumbai news