બાબુજી ધીરે ચલના... ગિરગામ કે રાસ્તે પર ઝરા સંભલના

28 October, 2014 05:20 AM IST  | 

બાબુજી ધીરે ચલના... ગિરગામ કે રાસ્તે પર ઝરા સંભલના

મયૂર સચદે

ગિરગામમાં આવેલા રાજા રામમોહન રૉય માર્ગની આ સમસ્યા છે. લોકોને ન રોડ પર ચાલવાની જગ્યા મળે છે કે ન ફૂટપાથ પર. આવી હાલતમાં લોકો કહે છે, જાએં તો જાએં કહાં. આ રોડ પર ટ્રાફિક હંમેશાં કીડિયારાની જેમ પ્રસરેલો હોય છે. આવા ભયંકર ટ્રાફિકમાં વ્યક્તિને ફૂટપાથ પર ચાલવાની જગ્યા ન મળે એટલે તેણે ટ્રાફિકવાળા રોડ પર ચાલવું પડે છે એટલું જ નહીં, રોડ પર પણ ભયંકર ગંદકી પ્રસરેલી જોવા મળે છે. આવી ભયંકર હાલતમાં રોડ પર ટ્રાફિકમાં ચાલવું લોકો માટે જીવલેણ નીવડી શકે છે. જો રોડ પર ટ્રાફિકથી બચી જાઓ તો રોડ પર પ્રસરેલા ભીના કચરામાં પગ લપસીને ઈજા પહોંચી શકે છે, કેમ કે અહીં ફૂટપાથ પર ગંદું પાણી પ્રસરેલું હોય છે. આ સમસ્યા સામે સુધરાઈ આંખ આડા કાન શા માટે કરે છે એ જ સમજાતું નથી. સમયસર રસ્તા પરથી કચરો નથી ઊપડતો એટલે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

આ બાબતે માહિતી આપતાં એક રાહદારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફૂટપાથ પર ચાલીએ ત્યારે એક હાથે નાક પર રૂમાલ રાખવો પડે છે અને બીજા હાથે કપડાં ગંદા પાણીમાં ન જાય એની તકેદારી રાખવી પડે છે. એ વખતે ગંદકીથી બચવા તમારે જો ફૂટપાથ છોડીને રોડ પર ચાલવું હોય તો તમારે ટ્રાફિકનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. એ ઉપરાંત રોડ પર પ્રસરેલા કચરાથી પણ બચવું પડે. એક પ્રૉબ્લેમમાંથી બચો તો બીજામાં ન અટવાઈ જાઓ એનું ધ્યાન રાખવું પડે છે. રોડ સાંકડો હોવાથી અને રોડ પર બન્ને બાજુએ ગાડીઓ પાર્ક થયેલી હોવાથી હેરાનગતિ વધે છે. આ સમસ્યા દર બીજા દિવસે જોવા મળે છે જ્યારે સુધરાઈ રોડ પરથી કચરો નથી ઉપાડતી. રોડ પર પડેલા ભીના કચરા અને ફૂટપાથ પર ફેલાયેલા ગંદા પાણીથી મચ્છરો પેદા થાય અને એથી જીવલેણ બીમારી ફેલાવાનો ભય પણ રહે છે.’