ગોવામાં યોજાયેલી હાફ મૅરથૉનમાં ઘાટકોપરનાં કચ્છી મહિલા ફર્સ્ટ નંબરે

13 December, 2011 09:53 AM IST  | 

ગોવામાં યોજાયેલી હાફ મૅરથૉનમાં ઘાટકોપરનાં કચ્છી મહિલા ફર્સ્ટ નંબરે



(સપના દેસાઈ)

મુંબઈ, તા. ૧૩

મુંબઈમાં મૅરથૉનમાં ભાગ લઈને સતત બે વાર સિનિયર વેટરન ગ્રુપમાં બીજા નંબરે આવનારાં ઘાટકોપરનાં ૫૩ વર્ષનાં કચ્છી મહિલા શ્વેતા ભરત ગડાએ રવિવારે ગોવામાં યોજાયેલી મૅરથૉનમાં પણ બાજી મારી લીધી હતી. હાફ મૅરથોનમાં ૨૧ કિલોમીટરનું અંતર તેમણે ફક્ત બે કલાક દસ મિનિટમાં કાપીને સિનિયર વેટરન ગ્રુપમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

સપનું પૂરું થયું

આ ઉંમરે મૅરથૉનમાં ભાગ લઈને ફર્સ્ટ આવવાનું અને આ અચીવમેન્ટ મેળવવાનું મારું સપનું હતું એ હવે પૂરું થયું છે એવું બોલતાં ઘાટકોપર (વેસ્ટ)માં જયા અપાર્ટમેન્ટમાં રહેતાં શ્વેતા ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૧ કિલોમીટરનું અંતર કાપવું મારા માટે તો શું કોઈના માટે પણ સહેલું નહોતું; કારણ કે મુંબઈમાં મૅરથૉનમાં સીધાસટ રસ્તા પર દોડવાનું હોય છે, જ્યારે અહીં ગોવામાં યોજાયેલી ગોવા રિવર મૅરથૉનમાં તો વાંકા-ચૂંકા અને ઢોળાવવાળા રસ્તા પર દોડવાનું હતું. ઉપરથી પાછું થકવી નાખે અને તમારો કસ કાઢી નાખે એવી સખત ગરમી હતી. એમાં ભલભલાને પસીના છૂટી જાય એવા રસ્તા પર દોડવાનું જુવાનિયાઓ માટે પણ સહેલું નહોતું. મારી સાથે રહેલા મારા ગ્રુપના અનેક લોકોએ સખત પ્રૅક્ટિસ કરી હતી, પણ તેમણે અધવચ્ચે દોડ છોડી દીધી હતી ત્યારે હું ધીરજ રાખીને અને મારી જાત પર રહેલા કૉન્ફિડન્સને લીધે ૨૧ કિલોમીટરનું અંતર બે કલાક દસ મિનિટમાં કાપી શકી અને પહેલો નંબર મેળવવામાં સફળ રહી હતી.’

ત્રીજી વાર વિજેતા

થકવી નાખે એવી ગોવા રિવર મૅરથૉનમાં વેટરન ગ્રુપમાં હાફ મૅરથૉનમાં પહેલા આવનારાં મૂળ કચ્છનાં પત્રી ગામનાં કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિનાં શ્વેતાબહેને કહ્યું હતું કે ‘મૅરથૉન પૂરી થઈ અને હું પહેલાં હતી છતાં આયોજકોએ ભૂલથી અધવચ્ચે જ રેસ છોડી દેનારી મહિલાને ફર્સ્ટ જાહેર કરી હતી તથા મને સેકન્ડ જાહેર કરી હતી. જોકે પછી ભૂલ ધ્યાનમાં આવતાં તેમણે ફર્સ્ટ વિનર જાહેર કરી હતી. એ સાથે જ મૅરથૉનમાં મારી આ ત્રીજી જીત છે. આ અગાઉ હું મુંબઈમાં યોજાયેલી મૅરથૉનમાં વેટરન ગ્રુપમાં પણ બે વાર ભાગ લઈ ચૂકી છું, જેમાં બન્ને વાર બીજા નંબરે આવી હતી. ૨૦૧૦માં થયેલી મૅરથૉનમાં મેં બે કલાક અને દસ મિનિટમાં ૨૧ કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને આ વર્ષે યોજાયેલી મૅરથૉનમાં એટલું જ અંતર મેં બે કલાક ૬ મિનિટ અને ૫૦ સેકન્ડમાં પૂરું કર્યું હતું. હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં મુંબઈમાં થનારી મૅરથૉનમાં ભાગ લેવાની મારી તૈયારી ચાલુ થઈ છે.’

ભવિષ્યમાં પણ ભાગ લઈશ

પોતાની આ જીત માટે પોતાના પતિની સાથે જ પોતાની ફૅમિલીના સર્પોટને ક્રેડિટ આપનારાં શ્વેતાબહેન સતત ત્રણ વખત હાફ મૅરથૉન જીતી ગયાં છે છતાં એ માટે તેમણે બહુ પ્રૅક્ટિસ નથી કરી એવું કહીએ તો આશ્ચર્ય લાગશે, પણ આ વાત સાચી છે. હું બહુ પ્રૅક્ટિસ નથી કરી શકતી એવું બોલતાં શ્વેતાબહેને કહ્યું હતું કે ‘ઉંમર અને સમયના હિસાબે મને બહુ પ્રૅક્ટિસ કરવા નથી મળતી. અઠવાડિયામાં એકાદ-બે વાર હું ક્લબમાં પ્રૅક્ટિસ કરવા જાઉં છું. જોકે પહેલાં તો હું પંદર દિવસે અથવા મહિને જતી હતી. હું નાનપણથી જ સ્ર્પોટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ લેતી આવી છું અને સ્કૂલના દિવસોમાં અનેક ઍક્ટિવિટીમાં ભાગ પણ લીધો છે એટલે હું આ ઉંમરે પણ હોંશે-હોંશે મૅરથૉનમાં ભાગ લઉં છું. આગળ પણ ભવિષ્યમાં જેટલી વાર ચાન્સ મળશે એટલી વાર ભાગ લેતી રહીશ.’