આને કહેવાય ધરમ કરતાં ધાડ પડવી

11 February, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરની ગુજરાતી મહિલાએ નારિયેળપાણીવાળાને મદદ કરવા જતાં પાંચ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો : ડૉલરની સામે ભારતીય ચલણી નોટ આપવાનું કહીને પેપરની રદ્દી પકડાવીને ભાગી ગયો આરોપી

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-ઈસ્ટની​ નાયડુ કૉલોનીમાં રહેતાં બાવન વર્ષનાં રોશની શાહને ડૉલર સામે પૈસા જોઈતા હોવાનું કહી રદ્દી પધરાવી પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ શુક્રવારે APMC પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. રોશનીબહેનની સોસાયટીમાં નારિયેળપાણી વેચવા આવતા યુવકે માતાના ઇલાજ માટે પૈસાની જરૂર છે એમ કહીને મદદ કરવા માટેની વિનંતી કરી હતી. સાથે તેણે પોતાની પાસે ડૉલર હોવાનું કહી એના બદલામાં પૈસા જોઈતા હોવાનું જણાવતાં રોશનીબહેન તેને મદદ કરવા માટે તૈયાર થયાં હતાં. ત્યાર બાદ ગુરુવારે સવારે નવી મુંબઈના સાનપાડા વિસ્તારમાં રોશનીબહેનને બોલાવી ડૉલરની એક ઓરિજિનલ નોટ બતાવી પહેલાં તેમનો વિશ્વાસ જીત્યો હતો. એ પછી બીજા દિવસે ૮ હજાર ડૉલરની સામે પાંચ લાખ રૂપિયા સાથે આવવાનું કહ્યું હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

માતાનું નામ લીધું એટલે મારા મનમાં મદદ કરવાની ભાવના જાગી હતી એમ જણાવતાં રોશની શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થલ્લા નામનો યુવાન અમારી સોસાયટીમાં તેમ જ મારા ઘરે નારિયેળપાણી આપવા આવતો હોવાથી મારી તેની સાથે ઓળખ હતી. તેની પાસે મારો ફોનનંબર પણ હતો. થોડા દિવસ પહેલાં તેણે મને વૉટ્સઍપ પર મેસેજ કરી માતાના ઇલાજ માટે પૈસાની જરૂર હોવાનું જણાવ્યું હતું. એ સાથે જ તેણે કહ્યું હતું કે તેની પાસે ડૉલર છે, એના બદલામાં તેને પૈસા જોઈએ છે. તેની માતાનો ઇલાજ થઈ જાય એવી ભાવના સાથે હું તેને મદદ કરવા તૈયાર થઈ હતી. તેની પાસે કયા ડૉલર છે એ જોવા માટે હું અને મારો પુત્ર સાનપાડા ગયાં હતાં જ્યાં તેણે મને એક ડૉલર આપ્યો હતો. એ ડૉલર અમે ઘાટકોપરમાં કરન્સી એક્સચેન્જવાળાને બતાવ્યો ત્યારે એ ઓરિજિનલ હોવાનું જણાયું હતું એટલે અમે તેની પાસે ડૉલર લેવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસે બૅન્ક ખાતામાંથી અમે પાંચ લાખ રૂપિયા રોકડા કઢાવી સાનપાડા સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેની સાથે બીજા બે યુવાનો પણ હતા. મારી પાસેથી રોકડા પૈસાની થેલી લઈને પોતાની પાસે રહેલી થેલી મારા હાથમાં આપી અંદર ડૉલર છે એમ કહીને જલદી-જલદી તે લોકો નીકળી ગયા હતા. એ બાદ થોડા આગળ જઈ અમે થેલીની અંદર તપાસતાં એની અંદર કાગળની રદ્દી હોવાની જાણ થઈ હતી. એ પછી મેં થલ્લાને ફોન કરી સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે તેનો નંબર બંધ આવ્યો હતો. અંતે મારી સાથે થયેલી છેતરપિંડી સમજાતાં મેં ઘટનાની ફરિયાદ APMC પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’   

પ્રાથમિક માહિતીના આધારે ફરિયાદ નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એમ જણાવતાં APMC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા સાથે છેતરપિંડી કરનાર તમામ આરોપી-રેકૉર્ડ પરનો ગુનેગાર હોવાની માહિતી અમને મળી છે. આરોપીને શોધવા માટે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

ghatkopar mumbai crime news crime news mumbai police cyber crime finance news news mumbai mumbai news