23 December, 2025 07:02 AM IST | Mumbai | Mehul Jethva
પાર્વતી ગજરા.
પતિ સાથે મોટરસાઇકલ પર જતાં ઘાટકોપરનાં પાર્વતી ગજરા ડમ્પરની ટક્કરથી નીચે પટકાયાં અને એની જ નીચે આવી ગયાં, પણ આ અકસ્માત પછી ઍમ્બ્યુલન્સને આવવામાં ટ્રાફિકને લીધે ખૂબ મોડું થઈ ગયું : હસબન્ડ રમેશ ગજરા કહે છે કે ઍક્સિડન્ટ પછી ૩૦ મિનિટ સુધી મારી વાઇફ જીવતી હતી, ડમ્પર ઉપરાંત ટ્રાફિકે પણ તેનો જીવ લીધો
ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ પર શનિવારે બપોરે ડમ્પરની અડફેટે આવી જતાં પંચાવન વર્ષનાં પાર્વતી ગજરાનું મૃત્યુ થયું હતું. આ મામલે દેવનાર પોલીસે ડમ્પર-ડ્રાઇવર રામલિંગ જોટિંગની અટકાયત કરીને ડમ્પર જપ્ત કર્યું છે. મૂળ કચ્છના નલિયાનાં વતની અને હાલ ઘાટકોપર-વેસ્ટના ચિરાગનગરની એક સોસાયટીમાં રહેતાં પાર્વતીબહેન પતિ રમેશભાઈ સાથે મોટરસાઇકલ પર એક સંબંધીના બેસણામાં વાશી જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી આવતા એક ડમ્પરની ટક્કર લાગતાં જમીન પર પટકાયાં હતાં અને ડમ્પરનું વ્હીલ તેમના હાથ તથા કમર પરથી ફરી વળ્યું હતું. લોહીલુહાણ હાલતમાં પાર્વતીબહેનને હૉસ્પિટલ પહોંચાડવા માટે રસ્તા પરથી પસાર થતા લોકોએ BMC અને પ્રાઇવેટ ઍમ્બ્યુલન્સ બોલાવી હતી, પણ ભારે ટ્રાફિકને કારણે બન્ને ઍમ્બ્યુલન્સ ૩૫ મિનિટ સુધી આવી શકી નહોતી. અંતે પાર્વતીબહેનને પોલીસની પૅટ્રોલિંગ જીપમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. પાર્વતીબહેનનો જીવ ડમ્પર સાથે ટ્રાફિકે પણ લીધો છે એવો દાવો પરિવારના સભ્યોએ કર્યો છે. એકાએક બનેલી ઘટનાથી કચ્છી ભાનુશાલી સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.
પાર્વતીબહેનના પતિ રમેશ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા નજીકના એક સંબંધીનું ગુરુવારે મૃત્યુ થતાં શનિવારે તેમનું બેસણું વાશીમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં ૪ વાગ્યે પહોંચવાનું હોવાથી શનિવારે બપોરે સવાત્રણ વાગ્યે અમે ઘાટકોપરથી મોટરસાઇકલ પર વાશી જઈ રહ્યાં હતાં. ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ પર ટ્રાફિક-જૅમ હતો એટલે મારી મોટરસાઇકલ માત્ર પંદરની સ્પીડમાં જઈ રહી હતી ત્યારે ડૉ. ઝાકિર હુસેન ફ્લાયઓવર નજીક પાછળથી આવતું એક ડમ્પર મારી મોટરસાઇકલ સાથે અથડાયું અને મોટરસાઇકલ પરથી મારું બૅલૅન્સ જતાં પાર્વતી જમીન પર પટકાઈ. એ ડમ્પર તેના ડાબા હાથ અને કમર પરથી ફરી વળ્યું હતું. આ અકસ્માત ૩.૪૦ વાગ્યે થયો હતો અને ત્યારે ભેગા થયેલા લોકોએ પાર્વતીને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવા BMC અને પ્રાઇવેટ ઍમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો, પણ ભારે ટ્રાફિક-જૅમ હોવાથી ૪.૧૫ વાગ્યા સુધી ઍમ્બ્યુલન્સ પહોંચી નહોતી શકી. અંતે અમારી મદદે આવેલી પોલીસ પૅટ્રોલિંગ વૅનમાં પાર્વતીને રાજાવાડી હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.’
પહેલાં ડમ્પરે અને પછી ટ્રાફિકે મારી પત્નીનો જીવ લીધો છે એમ જણાવતાં રમેશભાઈએ કહ્યું હતું કે ‘હું અને ત્યાં ભેગા થયેલા લોકો સતત બે-બે મિનિટે પાર્વતીના હાર્ટબીટ ચેક કરી રહ્યા હતા. મને બરાબર યાદ છે કે અકસ્માત થયાની ૩૦ મિનિટ સુધી તે જીવતી હતી. તેને તાત્કાલિક સારવાર ન મળતાં તેનું મૃત્યુ થયું. છેલ્લાં ૮ વર્ષથી મારું હાર્ટ માત્ર ૧૯ ટકા કામ કરે છે. પાર્વતી મારી પત્ની નહોતી પણ એક મિત્ર હતી. મારું સતત ધ્યાન રાખતી મારી પત્નીને મેં ગુમાવી દીધી.’