ઘાટકોપરની આ યંગ લેડી સફળતાપૂર્વક પૂરી કરી આવી ડેન્માર્કની આયર્નમૅન 70.3

25 June, 2025 11:43 AM IST  |  Denmark | Gujarati Mid-day Correspondent

માલવિકા ઐયરે ૧.૯ કિલોમીટરનું સ્વિમિંગ, ૯૦ કિલોમીટરનું સાઇક્લિંગ અને ૨૧.૧ કિલોમીટરનું રનિંગ ૬ કલાક ૪૧ મિનિટમાં સમાપ્ત કર્યું

માલવિકા ઐયર

૨૯ વર્ષની માલવિકા ઐયર ૨૨ જૂને ડેન્માર્કના એલ્સિનોરમાં આયોજિત હાફ આયર્નમૅન સફળતાપૂર્વક પૂર્ણ કરનારી ઘાટકોપરની પ્રથમ મહિલા બની હતી. આયર્નમૅન એક ટ્રાયથ્લૉન સ્પર્ધા છે જેમાં સ્વિમિંગ, સાઇક્લિંગ અને રનિંગ કરવાનું હોય છે. હાફ આયર્નમૅનની ઇવેન્ટને આયર્નમૅન 70.3 તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં ​સ્વિમિંગ, સાઇક્લિંગ અને રનિંગ મળીને કુલ ૭૦.૩ માઇલ (એટલે કે ૧૧૩ કિલોમીટર)નું અંતર કાપવાનું હોય છે.

માલવિકાએ ૬ કલાક ૪૧ મિનિટના પ્રભાવશાળી સમયમાં ફિનિશલાઇન પાર કરી હતી જેમાં ૧.૯ કિલોમીટર ખુલ્લા પાણીમાં તરવાનું હતું, ૯૦ કિલોમીટરની સાઇકલસવારી હતી અને ૨૧.૧ કિલોમીટરની હાફ મૅરથૉન દોડનો સમાવેશ હતો. આ બધું સતત અને કોઈ વિરામ વિના કર્યું હતું.

માલવિકાએ મહિનાઓ સુધી પિતા કૅપ્ટન સ્વામીનાથન ઐયરના માર્ગદર્શન હેઠળ અવિરત તાલીમ લીધી હતી અને આ મુશ્કેલ સ્પર્ધા પૂર્ણ કરવા માટે જરૂરી શક્તિ વિકસાવી હતી.

માલવિકાની તાલીમયાત્રામાં એક મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ તેની પોતાની બહેન મધુરમ હતી જે મેલબર્નની ફિઝિયોથેરપિસ્ટ છે, તેણે તૈયારી દરમ્યાન માલવિકાના અંગત ફિઝિયો તરીકે કામ કર્યું હતું. મધુરમના નિષ્ણાત માર્ગદર્શનથી માલવિકાને ઈજામુક્ત રહેવામાં મદદ મળી હતી.

ghatkopar mumbai denmark news mumbai news sports