દસ જ મિનિટમાં શું થયું કે ગુજરાતી મહિલાએ ઓચિંતાં ગળે ફાંસો ખાધો

08 December, 2012 08:42 AM IST  | 

દસ જ મિનિટમાં શું થયું કે ગુજરાતી મહિલાએ ઓચિંતાં ગળે ફાંસો ખાધો





આઘાત : ઘાટકોપરના દામોદર પાર્કની શિલ્પા પરમારની આત્મહત્યા પછી ગઈ કાલે નીકળેલી સ્મશાનયાત્રા સમયે એકઠી થયેલી
જનમેદની અને ભુજથી ઘાટકોપર આવી પહોંચેલા શિલ્પાના પિતા નારણ શાહ (ઇન્સેટ). તસવીરો : રોહિત પરીખ



(રોહિત પરીખ)

ઘાટકોપર, તા. ૮

ઘાટકોપર (વેસ્ટ)ના દામોદર પાર્કની સત્યમ્ સોસાયટીના ૩-ચ્ બિલ્ડિંગમાં ૧૩મા માળે ફ્લૅટ-નંબર ૧૩૦૪માં રહેતી ૩૯ વર્ષની શિલ્પા પરમારે ગુરુવારે બપોરે બાર વાગ્યે ગળામાં દુપટ્ટો બાંધીને પંખા સાથે લટકીને આત્મહત્યા કરતાં ગુજરાતી બહુમતી ધરાવતી સત્યમ્ સોસાયટીમાં ચકચાર જાગી હતી.

ઘટના શું બની હતી?


ગુરુવારે સવારે સાડાઅગિયાર વાગ્યે પતિ અમિત અને શિલ્પા પોતપોતાના વ્યવસાય પર જવા ઘરેથી નીકળવાનાં હતાં. શિલ્પા તેનું કંઈ કામ પતાવીને નીચે ઊતરે એ પહેલાં અમિત બિલ્ડિંગમાં નીચે આવીને ઊભો હતો. એ વખતે તેના ઘરે આવેલા ઇસ્ત્રીવાળાએ આવીને અમિતને કહ્યું હતું કે તે ક્યારનો ફ્લૅટની બેલ મારે છે, પણ કોઈ ઘર ખોલતું નથી. અમિતને ઇસ્ત્રીવાળાની વાત સાંભળીને નવાઈ લાગી, કારણ કે તે નીચે ઊતયોર્ ત્યારે શિલ્પા ઘરમાં જ હતી. એટલે અમિતે તરત જ ફ્લૅટ પર પાછા ફરી પોતાની પાસેની ચાવીથી ફ્લૅટ ખોલ્યો હતો. અંદર જઈને તેણે જોયું તો શિલ્પા બેડરૂમમાં તેના દુપટ્ટાથી ફાંસો ખાઈને પંખા પર લટકતી હતી. અમિતે જોયું કે તેના શ્વાસ હજી ચાલે છે એટલે તે શિલ્પાને નજીકની પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ આત્મહત્યાનો કેસ હોવાથી તેને રાજાવાડી હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

ડિપ્રેશનમાં આવીને કરી આત્મહત્યા?


અમિત વાત કરવાની પરિસ્થિતિમાં ન હોવાથી આ ઘટનાની માહિતી આપતાં તેના એક સંબંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દામોદર પાર્કમાં સાત વર્ષથી એકલાં રહેતાં શિલ્પા અને અમિતને ૧૩ વર્ષની એક પુત્રી છે જે પંચગનીમાં હૉસ્ટેલમાં ભણે છે. શિલ્પાનાં પિયરિયાં કચ્છી જૈન છે. તેણે અમિત સાથે પ્રેમલગ્ન કયાર઼્ હતાં. છેલ્લા પાંચ મહિનાથી ઍડ્વર્ટાઇઝિંગનો વ્યવસાય કરતી શિલ્પાના પતિ અમિતની લૅમિંગ્ટન રોડ પર ઇલેક્ટ્રૉનિક આઇટમ્સની દુકાન છે. ઍડ્વર્ટાઇઝિંગનો વ્યવસાય શરૂ કરતાં પહેલાં શિલ્પા સારા પગારે એક કંપનીમાં નોકરી કરતી હતી. તેણે એ નોકરી અંગત કારણોસર છોડી દીધી હતી, પરંતુ ત્યાર પછી તે ડિપ્રેશનમાં રહેતી હતી જેને કારણે ગુરુવારે તેણે આ પગલું ભર્યું હોવું જોઈએ એમ અમે માનીએ છીએ.’

સોસાયટીના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિલ્પા હિંમતવાળી અને સાહસિક હતી, પરંતુ જિદ્દી પણ એટલી જ હતી. તે તેનું ધાર્યું કરવાવાળી હતી જેને લીધે તેની અને અમિત વચ્ચે ક્યારેક વિખવાદ પણ થતો હતો. આમ છતાં આ કારણે શિલ્પા આત્મહત્યા કરે એવું અમને ક્યારેય લાગ્યું નથી. ગુરુવારે બપોરે અમને જ્યારે તેની આત્મહત્યાના સમાચાર મળ્યા ત્યારે અમે બધા ચોંકી ઊઠuા હતા. બન્ને જણ દામોદર પાર્કમાં રહેવા આવ્યાં ત્યાર પહેલાં સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં. હજી પાંચ-સાત મહિનાથી જ બન્ને એકલાં રહેતાં હતાં.’

આ સંદર્ભમાં ‘મિડ-ડે’એ શિલ્પાના પિયરપક્ષનો સંપર્ક કરતાં તેના એક સંબંધીએ કહ્યું હતું કે અમારા ઘરનો કોઈ સભ્ય હમણાં કોઈ પણ જાતની વાત કરવાની સ્થિતિમાં નથી. વિક્રોલી પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના તપાસ-અધિકારી સુરેશ વાળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે શિલ્પાના વરલીમાં રહેતાં ભાઈ-ભાભીએ ગઈ કાલે પોલીસને અમિત કે અમિતના પરિવારના સભ્યો માટે કોઈ જ ફરિયાદ કરી ન હોવાથી અમે અત્યારે આત્મહત્યાનો કેસ નોંધીને તપાસ કરી રહ્યા છીએ.

એકલવાયું જીવન


શિલ્પાની પાડોશી મહિલાએ શિલ્પાના ડિપ્રેશનની વાત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમિતનો ભાઈ અને તેનાં માતા-પિતા જ્યારથી દામોદર પાર્કથી બીજે રહેવા ગયાં ત્યારથી તે સતત એમ કહેતી હતી કે મને ઘરમાં એકલા ગમતું નથી. એમાં શિલ્પાએ અને અમિતે તેમની એકની એક દીકરીને પંચગની હૉસ્ટેલમાં ભણાવવાનો નિર્ણય લીધા પછી બન્ને અંદરથી તૂટી પડ્યાં હતાં. પંચગની હૉસ્ટેલના કાયદા પ્રમાણે હૉસ્ટેલમાં ભણતાં બાળકો સાથે તેમનાં માતા-પિતા ફક્ત રવિવારે અને રજાના દિવસોમાં જ વાત કરી શકે છે. આ રવિવારે પંચગની હૉસ્ટેલના ફોન ખરાબ હોવાથી તેઓ ફોન પર વાત કરી શક્યાં નહોતાં અને સોમવારે એના રૂલ પ્રમાણે તેમની દીકરી સાથે વાત કરવા મળી નહીં એમાં બન્ને ડિપ્રેશનમાં આવી ગયાં હતાં. બની શકે આવા કોઈ કારણસર જ શિલ્પાએ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોય.’