મારા પતિના નિરંતર અત્યાચાર સામે પોલીસ શા માટે નિષ્ક્રિય છે?

16 November, 2011 06:48 AM IST  | 

મારા પતિના નિરંતર અત્યાચાર સામે પોલીસ શા માટે નિષ્ક્રિય છે?



(રોહિત પરીખ)

ઘાટકોપર, તા. ૧૬

ઘાટકોપરની એક ગુજરાતી જૈન મહિલા સામે અત્યારે જાએં તો જાએં કહાં જેવી પરિસ્થિતિ નર્મિાણ થઈ છે. તેનો આક્ષેપ છે કે મારો પતિ છેલ્લાં પાંચ વર્ષથી મારા પર માનસિક અને શારીરિક અત્યાચાર કરતો હોવાની મેં પંતનગર પોલીસ-સ્ટેશનમાં પંદરથી વધુ વાર ફરિયાદ કરી હોવા છતાં પોલીસ ઘરનો મામલો છે અને મારો પતિ સિનિયર સિટિઝન છે એમ કહીને તેની વિરુદ્ધ કોઈ જ પગલાં લેતી નથી.

ઘાટકોપર (ઈસ્ટ)ના તિલક રોડ અને દેરાસર લેનના કૉર્નર પાસે આવેલી લાલજી પુનશી વાડીમાં બે પુત્રીઓ અને દીકરા સાથે રહેતાં અને લોકોના ઘરે જઈ રસોઈ કરી ગુજરાન ચલાવી રહેલાં જ્યોતિબહેન ૧૯૯૪ની ૧૩ ડિસેમ્બરે ભાવનગરથી તેમનાથી ૨૫ વર્ષ મોટા ઘાટકોપરવાસી સુરેશ દેસાઈને પરણીને આવ્યાં હતાં. લગ્નનાં આઠ વર્ષ દામ્પત્યજીવન ખૂબ જ ખુશીપૂર્વક વીત્યું હતું. ત્યાર બાદ સંજોગો બદલાયા એમ જણાવતાં જ્યોતિબહેન કહે છે, ‘બે નણંદો અને પતિ સુરેશે માનસિક અને શારીરિક અત્યાચાર કરવાના શરૂ કર્યા એટલું જ નહીં, સાસુ ચંપાબહેનના મૃત્યુ પછી મારા પતિ અને તેમની બે બહેનોએ લાલજી પુનશી વાડીની રૂમ નંબર ૬ પર મારો કોઈ જ અધિકાર નથી એમ કહીને એક વાર મને ત્રણ બાળકો સાથે ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.’

સાસુ બહુ પ્રેમાળ હતાં

મારાં સાસુ ચંપાબહેન બહુ જ પ્રેમાળ હતાં અને તેઓ હંમેશાં મારી ચિંતા કરતાં હતાં, પરંતુ સુરેશે તો લગ્ન વખતથી જ તેનો પરચો બતાવી દીધો હતો એમ જણાવીને ભાવનગરના પટેલ સમાજમાંથી આવેલાં ૪૨ વર્ષનાં જ્યોતિબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારાં લગ્ન આર્યસમાજની વિધિથી કરવાનું નક્કી થયું હતું. અમે ભાવનગરમાં આર્યસમાજની વિધિથી લગ્ન કરવા ગયાં પણ ખરાં. એ સમયે સુરેશે આર્યસમાજના લગ્ન માટેના ફૉર્મ પર સહી કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આખરે અમારાં લગ્ન ભગવાનની સાક્ષીએ થયાં હતાં. શરૂઆતથી જ અમારી વચ્ચે નાના-મોટા ઝઘડા થતા હતા. ત્રણ વર્ષ પછી ૧૯૯૭માં મારાં સાસુના દેહાંત પછી સુરેશ અને તેની બન્ને બહેનોએ મને ઘરમાંથી જતાં રહેવાનું કહ્યું હતું, પણ મેં તેમની વાતો પર બહુ ધ્યાન આપ્યું નહોતું. ૨૦૦૭ની ૨૪ ફેબ્રુઆરીએ તે લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેના માટે મેં પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારથી તેમના મારા પર માનસિક અને શારીરિક અત્યાચાર થતા જ રહ્યા છે. અત્યારે હું જ્યાં રહું છું એ ઘર મારા સાસુના નામે છે. આમ છતાં મારા પતિએ મને ૨૦૦૭ની સાલમાં ઘરમાંથી કાઢી મૂકી હતી, જેની સામે હું મારા ઘરમાં રહેવાના હક માટે ૨૦૦૭ની સાલમાં સિટી સિવિલ ર્કોટમાં ગઈ હતી. તેમની પત્ની હોવાને નાતે મને પણ સાસુના નામના ઘરમાં રહેવાનો પૂરતો અધિકાર હોવાનો ર્કોટે ૨૦૦૯ની સાલમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ ત્યારથી ઘરમાં બે રસોડાં શરૂ થઈ ગયાં હતાં. મારા પતિ અને નણંદ તેમની રસોઈ અલગ બનાવતાં હતાં અને હું મારી અને મારાં બાળકોની રસોઈ અલગ બનાવું છું. થોડા સમય પહેલાં તેઓ બન્ને બાજુના મેઘરતન બિલ્ડિંગમાં રહેવા જતાં રહ્યાં છે.

રસોડાં બે છતાં અત્યાચાર ચાલુ

તેઓ જુદા રહેવા જતા રહ્યા પછી પણ મારા પતિ મારા ઘરે કોઈક ને કોઈક બહાને મને હેરાન કરવા અને ઝઘડા કરવા આવી જ જાય છે અને આ બાબતની અનેક વાર પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં પોલીસ ૬૭ વર્ષના સુરેશ અને તેમની સિનિયર સિટિઝન બહેન પર કોઈ જ જાતનાં પગલાં લેતી નથી એમ જણાવીને જ્યોતિબહેને કહ્યું હતું કે ‘એક સમયે પંતનગર પોલીસે તેમના પર પગલાં લેવાનું નક્કી પણ કર્યું ત્યારે મારા પતિએ પોલીસને પણ ધમકી આપી કે મારા પર કોઈ પણ જાતનાં પગલાં લેશો તો હું આત્મહત્યા કરીશ. ત્યાર પછી પોલીસ ફક્ત મારી ફરિયાદ લે છે અને શાંત બેસી જાય છે. એક-બે વાર તો તેમણે મને મરણતોલ માર માયોર્ છતાં પોલીસ સુરેશની સામે કોઈ જ પગલાં લેતી નથી. હજી પહેલી નવેમ્બરના રોજ સવારે મારી સાથે તેમણે ખૂબ જ ઝઘડો કરી મને લાકડીથી મારી હતી, જેને લીધે મને ગળાના પાછળના ભાગમાં સોજો પણ આવી ગયો હતો. રાજાવાડી હૉસ્પિટલનો મેડિકલ રિપોર્ટ હોવા છતાં મને તો એ જ સમજણ નથી પડતી કે પોલીસ પણ તેનાથી ડરીને કેમ ચૂપ બેઠી છે. મને પોલીસ હંમેશાં કહ્યા કરે છે કે તમારો ઘરનો મામલો છે, તમે ર્કોટમાં જાઓ. હજી બે દિવસ પહેલાં પણ મેં પોલીસમાં પાછી ફરિયાદ કરી છે.’

પતિ શું કહે છે?

જ્યોતિબહેનના પતિ સુરેશ દેસાઈ સાથે ‘મિડ-ડે’એ આ બાબતમાં વાતચીત કરવાની કોશિશ કરી તો સુરેશ દેસાઈએ પહેલાં તો રિસ્પૉન્સ જ ન આપ્યો. ત્યાર પછી કહ્યું કે ‘તમારે જે છાપવું હોય એ છાપો, હું કોઈનાથી ડરતો નથી. જ્યોતિને પૂછો કે તેની પાસે કોઈ પુરાવા છે કે હું તેનો પતિ છું? મારી પાસે અનેક દસ્તાવેજો છે.’ શેના દસ્તાવેજો છે એનો તેમણે ખુલાસો કર્યો નહોતો.

પોલીસ શું કહે છે?

ઘાટકોપરનું પંતનગર પોલીસ-સ્ટેશન જેની હેઠળ આવે છે એ ઝોન-સાતના ડેપ્યુટી પોલીસ-કમિશનર સંજય શિન્ત્રેને આ બાબતે પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે તેઓ પંતનગર પોલીસ-સ્ટેશનમાં આ બાબતની તપાસ કરીને પછી જવાબ આપશે. આ વાતને ૧૫ દિવસ થયા હોવા છતાં તેમના તરફથી ‘મિડ-ડે’ને કોઈ જવાબ નથી મળ્યો. પંતનગર પોલીસ-સ્ટેશનના એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘સુરેશ દેસાઈ સિનિયર સિટિઝન હોવાથી અમે તેમની સામે કોઈ જ પગલાં લઈ શકતા નથી. આ પતિ-પત્નીનો ઘરનો મામલો છે એટલે જ્યોતિ દેસાઈએ ફૅમિલી ર્કોટમાં જવું જોઈએ.’