ઘાટકોપર-વર્સોવા મેટ્રોમાં AC બંધ હોવાથી ભડકેલા મુસાફરોએ ટ્રેન રોકી

16 August, 2025 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોષે ભરાયેલા મુસાફરોએ AC રિપેર ન થાય ત્યાં સુધી મેટ્રો રોકી રાખવાનો પ્રયત્ન કર્યો હતો.

મેટ્રોમાં પીક અવર્સની ભીડ દરમ્યાન AC બંધ થઈ જવાથી મુસાફરોએ મેટ્રોના દરવાજે ઊભા રહીને મેટ્રો રોકી હતી.

ઘાટકોપર-વર્સોવા વચ્ચે દોડતી મેટ્રોમાં ઍર-કન્ડિશનર (AC) બંધ હોવાથી મુસાફરોને ભારે ગૂંગળામણનો અનુભવ થયો હતો. રોષે ભરાયેલા મુસાફરોએ AC રિપેર ન થાય ત્યાં સુધી મેટ્રો રોકી રાખવાનો પ્રયત્ન કર્યો હતો.

અગાઉ પણ મુસાફરોએ મેટ્રોના પ્રવાસ દરમ્યાન AC બંધ હોવાની ફરિયાદ કરી હતી. પીક અવર્સમાં મેટ્રોમાં ખૂબ જ ભીડ હોય છે. એ સમયે અચાનક AC બંધ થવાથી મુસાફરોને રીતસરની ગૂંગળામણ અનુભવાય છે. તેથી મુસાફરોએ મેટ્રોના દરવાજા બંધ ન થવા દઈને મેટ્રો રોકી હતી. મેટ્રો સ્ટેશન પર સિક્યૉરિટી ગાર્ડ સાથે દરવાજા બંધ કરવા માટે ઝપાઝપી થવા છતાં અમુક મુસાફરોએ જ્યાં સુધી કૂલિંગ સિસ્ટમ શરૂ ન થાય ત્યાં સુધી મેટ્રો ઊપડવા નહીં દે એવું કહીને મેટ્રો-સર્વિસ સામે નારાજગી દર્શાવી હતી. બે દિવસ પહેલાં વાઇરલ થયેલો આ વિડિયો જોઈને અનેક મુસાફરોએ તેમના અનુભવો શૅર કરીને મેટ્રો પ્રશાસનને તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવા કમેન્ટ કરી હતી. જોકે મેટ્રો તરફથી આ મામલે કોઈ કમેન્ટ આવી નહોતી.

ghatkopar versova mumbai metro mumbai trains news mumbai mumbai news