ઘાટકોપરની મહિલાના અટૅકર સુધી પહોંચી ગઈ હોવાનો પોલીસનો દાવો

10 November, 2012 08:19 AM IST  | 

ઘાટકોપરની મહિલાના અટૅકર સુધી પહોંચી ગઈ હોવાનો પોલીસનો દાવો




ઘાટકોપર (ઈસ્ટ)માં મે મહિનામાં થયેલી બાવન વર્ષનાં ચેતના અજમેરાની હત્યા અને તેમના ઘરમાંથી એક કરોડ ૪૦ લાખ રૂપિયાના હીરાજડિત દાગીનાની લૂંટ, સપ્ટેમ્બર મહિનામાં ૬૨ વર્ષનાં દક્ષા દફતરીની હત્યા અને તેમના ઘરમાંથી ૧૫ લાખ રૂપિયાના સોના-હીરાજડિત દાગીનાની લૂંટના બનાવોમાંથી એક પણ બનાવના ગુનેગારોને પોલીસ હજી સુધી પકડી શકી નથી. જોકે ઘાટકોપર પોલીસે ઘાટકોપર (વેસ્ટ)ના સાંઈનાથનગરની વિવેક સોસાયટીમાં રહેતાં ૭૨ વર્ષનાં કમળાબહેન ઠાકર પર  લૂંટના ઇરાદે હુમલો કરીને તેમને ગંભીર ઈજા પહોંચાડનાર આરોપીની આજકાલમાં જ ધરપકડ કરવામાં આવશે એવો દાવો કર્યો હતો.

ગુરુવારે ઘાટકોપર (વેસ્ટ)ના સાંઈનાથનગરમાં એકલાં રહેતાં ૭૨ વર્ષનાં કમળાબહેન ઠાકર પર તેમના ઘરે સુથારીકામ માટે આવેલો રાજુ મિસ્ત્રી નામનો માણસ લૂંટના ઇરાદે હાથથી અને હથિયારથી હુમલો કરી તેમને ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયો હતો. પોલીસે બનાવની રાતે જ કમળાબહેનની કામવાળી બાઈ સુનીતા શિંદેએ આપેલા વર્ણનના આધારે સ્કેચ તૈયાર કર્યો હતો. આમ છતાં હુમલાખોરને બનાવ બન્યાના ૩૬ કલાક પછી પણ પોલીસ પકડી શકી નહોતી. ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રામ માન્ડુર્કે તેમની સફળતાનો દાવો કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પોલીસ ગુનેગાર સુધી પહોંચી ગઈ છે, તેની વધુ તપાસ ચાલી રહી છે.’

ઘાટકોપર પોલીસે આ બનાવ પછી આરોપીનો સુનીતાએ કરેલા વર્ણનના આધારે ગુરુવારે રાતના જ સ્કેચ તૈયાર કર્યો હતો. એટલું જ નહીં, પોલીસને તપાસ દરમ્યાન આરોપી નવી મુંબઈના વાશી-સાનપાડાનો રહેવાસી હોવાની જાણકારી મળી હતી. એના આધારે પોલીસની એક ટુકડીએ આરોપીની શોધ આદરી હતી, પરંતુ એને કંઈ હાથ લાગ્યું નહોતું.

ગઈ કાલે રાતના ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રામ માન્ડુર્કેએ પોલીસ કમળાબહેન પર હુમલો કરનાર વ્યક્તિ સુધી પહોંચી ગઈ છે એવો દાવો કરતાં કહ્યું હતું કે ‘અમને સાંઈનાથનગરમાં રહેતાં ૭૨ વર્ષનાં કમળાબહેન પર હુમલો કરનાર વ્યક્તિ સુધી પહોંચી ગયા છીએ અને તેની વધુ તપાસ કરી રહ્યા છીએ. આજે અમે તેની ધરપકડ કરી સૌની સામે તેને હાજર કરીશું.’