લૂંટારો બે-ત્રણ દિવસ હોમવર્ક કર્યા પછી ત્રાટક્યો, પણ તોય ફેઇલ ગયો

19 October, 2011 09:00 PM IST  | 

લૂંટારો બે-ત્રણ દિવસ હોમવર્ક કર્યા પછી ત્રાટક્યો, પણ તોય ફેઇલ ગયો


(રોહિત પરીખ)

ઝવેરીની આંખમાં મરચાની ભૂકી નાખીને સોનાની ચેઇન તફડાવવાની કોશિશમાં પોલીસના હાથમાં ઝડપાઈ ગયો

ઘાટકોપરના ચિરાગનગર પોલીસ-સ્ટેશનના ઉપનિરીક્ષક પોલીસ-અધિકારી સંભાજી બબન સાંબળેએ આ કેસની વિગતો આપતાં મિડ-ડે Localને કહ્યું હતું કે ‘બુધવારે સાંજના પાંચ વાગ્યે અમીર અબ્દુલ સત્તાર કુરેશી નામનો ૨૬ વર્ષનો યુવાન શ્રેયસ સિનેમા પાસે આવેલી મિલન જ્વેલર્સ નામની દુકાનમાં ચેઇન ખરીદવાને બહાને ગયો હતો. એ સમયે દુકાનમાં હાજર મનોજ રમેશચંદ્ર સંઘવી તેને ચેઇનની અવનવી ડિઝાઇન બતાવી રહ્યો હતો. એમાંથી અમીર કુરેશીએ એક અઢી તોલાની ચેઇન ગળામાં પહેરીને મનોજને બીજી ચેઇનો બતાવવાનું કહ્યું હતું. મનોજે બીજી બે ચેઇન અમીરને બતાવી હતી. ત્યારે અમીરે તેને હજુ કંઈ નવું બતાવવા કહ્યું હતું. મનોજ તેના શોકેસમાંથી બીજી ડિઝાઇનની ચેઇન બતાવવા જેવો અમીર તરફ ફર્યો કે અમીર તેના ખિસ્સામાંથી મરચાની ભૂકી કાઢી મનોજની આંખમાં નાખી પહેરેલી ચેઇન અને ટ્રેમાં પડેલી બીજી બે ચેઇન લઈને ભાગવા લાગ્યો હતો. મનોજ એક હાથે તેની આંખ ચોળતાં-ચોળતાં ચોર-ચોર ચિલ્લાવા લાગ્યો અને બીજા હાથે તેણે અમીરનો હાથ પકડી લેતાં અમીરના હાથમાંથી બે ચેઇન પડી ગઈ હતી. અમીર ગળામાં પહેરેલી ચેઇન સાથે બાજુમાં આવેલી સાંઈનાથનગરની શાકમાર્કેટ તરફ ભાગવા લાગ્યો હતો. મનોજની ચોર-ચોરની બૂમાબૂમ આજુબાજુની દુકાનવાળાઓએ અને રાહદારીઓએ સાંભળતાં તેઓ અમીરની પાછળ ભાગ્યા હતા. એ જ સમયે સાંઈનાથનગરમાં પૅટ્રોલિંગ કરી રહેલી પોલીસ-વૅનમાં પસાર થઈ રહેલા સહાયક ફોજદાર એસ. બી. તડપે, પોલીસ નાયક સંજય પાંડુરંગ પવાર અને પોલીસ-કૉન્સ્ટેબલ લક્ષ્મણ ધનીચંદ ઠાકુરે આ દૃશ્ય જોતાં તેઓ પણ અમીરની પાછળ ભાગ્યા હતા. થોડી વાર સાંઈનાથનગરની ગલીઓમાં અમીરે બધાને દોડાવ્યા બાદ આખરે તે ચિરાગનગરની પોલીસ-ટીમના હાથે ઝડપાઈ ગયો હતો.

દુકાનદાર મનોજ જૈને અમીર કુરેશીની લૂંટ કરવાની રીત વિશે જણાવતાં મિડ-ડે Localને કહ્યું હતું કે ‘અમીર છેલ્લા બે-ત્રણ દિવસથી ટાઇ પહેરીને અપ-ટુ-ડેટ તૈયાર થઈને મારી દુકાને આવતો હતો. રોજ તે ચેઇન લેવાની વાતો કરતો હતો, પરંતુ લેતો નહોતો. બુધવારે બપોરે બે વાગ્યે પણ તે મારા ફાધર રમેશચંદ્ર સંઘવી પાસે ચેઇન ખરીદવા માટે આવ્યો હતો, પણ કોણ જાણે એ સમયે તેને મોકો નહીં મળ્યો હોય એવું અમને લાગે છે. સાંજના જ્યારે હું એકલો કાઉન્ટર પર હતો ત્યારે તે મારી પાસે ચેઇન લેવા આવ્યો હતો. તેની પર્સનાલિટી જોઈને તેના માટે કોઈ નેગેટિવ વિચાર આવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નહોતો થતો, પણ તે જે રીતે આખી રમત રમી મારી આંખમાં મરચાની ભૂકી નાખીને ભાગ્યો એ રીતે જોતાં આજના સમયમાં કોના પર વિશ્વાસ કરવો એ બાબતે અમને વિચારતા કરી દીધા છે. અમે બહુ જ સંભાળીને ગ્રાહકને ઓળખીને જ ધંધો કરીએ છીએ, પણ અમીર કુરેશીની આગળ અમે છેતરાતાં બચી ગયા હતા.’