મેડિકલ કૅમ્પ્સ, સ્ત્રી કલ્યાણ…

06 January, 2021 09:54 AM IST  |  Mumbai | Rohit Parikh

મેડિકલ કૅમ્પ્સ, સ્ત્રી કલ્યાણ…

‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ સાથે ડૉ. નેહા શાહ

ઘાટકોપર (ઈસ્ટ)નાં જનરલ ફિઝિશ્યન ૪૫ વર્ષનાં ગુજરાતી જૈન ડૉ. નેહા શાહ આવતી કાલે ‘કૌન બનેગા કરોડપતિ’માં એક કરોડ રૂપિયા જીતી જશે. ડૉ. નેહા શાહ પોતાની જીતેલી રકમનો મહિલાઓના ઉદ્ધાર માટે ઉપયોગ કરશે. આ સિવાય તેમને આ રકમમાંથી અનેક મેડિકલ કૅમ્પનું આયોજન પણ કરવું છે.

છેલ્લાં વીસ વર્ષથી આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને પ્રેગ્નન્સીના સમયમાં સાત મહિના સુધી સાવ જ મામૂલી રકમ લઈને ચેકઅપ કરી આપતાં ડૉ. નેહા શાહ તેમની જીતેલી રકમમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર કાર્યક્રમને અંતર્ગત મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટેના પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવા ઇચ્છે છે.

નાનપણથી જ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનાં ફૅન રહેલાં ડૉ. નેહા શાહની ૨૦ વર્ષથી ‘કૌન બનેગા કરોડપતિ’ની હૉટ સીટ પર બેસવાની મહેચ્છા હતી. ડૉ. નેહા શાહ તેમની ટીનેજ એજ વખતે અમિતાભ બચ્ચનના જુહુના બંગલોની બહાર અભિતાભ બચ્ચનનાં દર્શન કરવા ત્યાં જમા થતી જનમેદની સાથે ઊભાં રહેતાં હતાં. ત્યાર બાદ સમય જતાં તે અનેક વાર અમિતાભને મળવા માટે ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર પ્રેક્ષક તરીકે જતાં હતાં અને તેમના હૃદયમાં ભરેલા અમિતાભ માટેના પ્રેમને અમિતાભ સાથે શૅર કરતાં હતાં.

હૉટ સીટ પર ‘કૌન બનેગા કરોડપતિ’ની પ્રશ્નાવલી સમયે તેમના અમિતાભ બચ્ચન માટેના પ્રેમને વ્યક્ત કરતાં ડૉ. નેહાએ અમિતાભની સામે એક ગીત લલકાર્યું હતું. જિસ કા મુઝે થા ઇન્તઝાર, વો ઘડી આ ગયી આ ગયી, આજ એબી કે સામને નેહા બેઠી હૈ... આ ગીત સાંભળીને અમિતાભ બચ્ચનને તેમને કહ્યું હતું કે હમને સોચા આપકે જો હોનેવાલે હૈ ઉનકે લિએ આપને યે ગાના તૈયાર કિયા હોગા, જેના જવાબમાં ડૉ. નેહા કહે છે કે સર, વો આપ હો ના. અમિતાભે તેમની સામે હસતાં-હસતાં કહે છે કે નહીં, હમારા તો હો ગયા હૈ. એ સમયે ડૉ. નેહા શાહ કોઈ પણ જાતના હિચકિચાટ વગર તેમનો અમિતાભ માટેનો પ્રેમ પ્રદર્શિત કરતાં કહે છે કે તો થોડા રુક જાતે ના... ઇતને ટાઇમ સે મિલને કી ખ્વાહિશ થી પર આપ મિલતે હી નહીં સર... સર, આઇ લવ યુ.

તેમની આ મધુર ક્ષણો અને ‘કૌન બનેગા કરોડપતિ’ના અનુભવની જાણકારી આપતાં ડૉ. નેહાના ચહેરા પર ઉત્સાહ, હરખ સમાતો નહોતો. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘‘કૌન બનેગા કરોડપતિ’ની હૉટ સીટ પર બેસીને અમિતાભ બચ્ચનને મળવાનું મારું ૨૦ વર્ષ જૂનું સપનું હતું. હું લિટરલી આ સપના સાથે જીવતી હતી. એ મારું સપનું આખરે વાસ્તવિકતામાં પરિવર્તિત થયું હતું. મારા માટે એ ક્ષણો અત્યંત રોમાંચક હતી‍ જેને કદાચ હું શબ્દોમાં વર્ણવી શકવા અસમર્થ છું. હવે જીતેલી રકમમાંથી મારે મહિલા ઉદ્ધારનાં કાર્યો કરવાં છે.’

mumbai mumbai news ghatkopar kaun banega crorepati